ઉમેશ કવિ (જ. 31 જાન્યુઆરી 1909, ગોમટા, તા. ગોંડલ, જિ. રાજકોટ) : ગુજરાતી કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ઉમેશ ગૌરીશંકર મહેતા. ઉછેર અને પ્રાથમિક શિક્ષણ ગોંડલ રાજ્યના ગોમટા ગામમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. શિક્ષણ પૂરું કરી આજીવિકા માટે ગોંડલ રાજ્યની રેલવેમાં જોડાયા. તે પછી થોડો સમય ભાવનગર બંદર કાર્યાલયમાં નોકરી કરી. છેલ્લે સીમાશુલ્ક વિભાગમાંથી સેવાનિવૃત્ત થયા. આ બધો સમય કવિતામાં અને પછી નાટકમાં તેમની રુચિ વધતી ગઈ. રાસકૃતિઓનો તેમનો પહેલો સંગ્રહ ‘પસલી’ 1943માં પ્રગટ થયો. આગલે વર્ષે 1942માં નૉર્વેજિયન નાટ્યકાર હેનરિક ઇબ્સનની વિખ્યાત કૃતિ ‘ડૉલ્સ હાઉસ’થી પ્રભાવિત ઉમેશભાઈનું ‘ઘરકૂકડી’ નાટક પ્રસિદ્ધિ પામ્યું. દામ્પત્યભાવને નિરૂપતાં ‘જુવાનીનું નાણું’, ‘ઢાંકપિછોડી’ અને ‘જાસો’ – આ ત્રણ નાટકોનો સંગ્રહ ‘ઢાંકપિછોડી’ નામે 1947માં બહાર પડ્યો. 1955માં મહાભારતના કૃષ્ણવિષ્ટિ પ્રસંગ ઉપર આધારિત ‘સમાધાન’ પ્રગટ થયું. તેમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુની રાજનીતિની પ્રશસ્તિ કરાઈ છે. ‘મંગલ ઘડી’ (1969) લગ્ન-સમસ્યાની ચર્ચા કરતું નાટક છે. વાર્તાદેહી ‘સીતાવનવાસ’ (1977) આ જ સ્વરૂપનું નાટક છે. 1946માં તેમણે ‘વારસ’ વાર્તાસંગ્રહ આપ્યો. તે પહેલાં, 1944માં, હિંદી ‘ખતરે કા બિગુલ’ ઉપરથી ‘સાવધાન’ લખ્યું. ‘ધર્મગ્રંથ અને ધર્મગુરુ’ જેવા નિબંધસંગ્રહો પણ તેમણે આપ્યા. 1969માં ઉમેશ કવિનાં એકત્રિત એકાંકીઓ તથા ‘વારસ’ના પ્રાકકથનરૂપે મૂકેલ લેખ ‘સાહિત્યવાતો’ નામે પ્રકાશિત થયાં. 1957માં પ્રકાશિત ‘ઉડ્ડયન’ પરિચિતો અને સ્વજનોને આપેલી અંજલિઓ અને પ્રશસ્તિઓનો સંગ્રહ છે. નોકરીમાં હતા તે સમયે તેમણે ઠીક ઠીક લખ્યું. નિવૃત્તિ પછી તેમની લેખનપ્રવૃત્તિ મંદ પડી ગઈ.
બંસીધર શુક્લ