ઉમરાવજાન : મુઘલ શાસન દરમિયાન ભારતમાં વિકસેલી અને ફેલાયેલી મુઘલ સંસ્કૃતિના ઓગણીસમી સદીના સમયગાળાનું ચિત્રણ આપતું મહત્વનું હિંદી કથાચલચિત્ર. નિર્માણ વર્ષ : 1981; અવધિ : 150 મિનિટ; કથા : મિર્ઝા હાદી રુસ્વાની ઉર્દૂ નવલકથા ‘ઉમરાવજાન અદા’ પર આધારિત; પટકથા, દિગ્દર્શન અને નિર્માણ : મુઝફ્ફરઅલી; છબીકલા : પ્રવીણ ભટ્ટ; સંકલન : બી. પ્રસાદ; ધ્વનિમુદ્રણ : બી. કે. ચતુર્વેદી; કલાનિર્દેશન : બંશી ચંદ્રગુપ્ત; વેશભૂષા : સુહાસિની અલી; નૃત્યનિર્દેશન : કુમુદિની લાખિયા; અંતર્ગૃહ ર્દશ્યોનું રંગ-આયોજન : મુઝફ્ફરઅલી; ગીતો : શહેરિયાર; સંગીત : ખય્યામ; અભિનયવૃંદ : રેખા, ફારૂક શેખ, નસીરુદ્દીન શાહ, પ્રેમા નારાયણ, રાજ બબ્બર, શૌકત આઝમી, કૈફી આઝમી, દીના પાઠક, ગજાનન જાગીરદાર, લીલા મિશ્રા, સતીશ શાહ; મહેમાન અભિનેતા : ભારતભૂષણ અને મુકરી; પાર્શ્વગાયક : આશા ભોંસલે, ઉસ્તાદ ગુલામમુસ્તફાખાન, જગજિતકૌર, નવપ્રવેશક તલત અઝીઝ, શાહિદા ખાન અને રૂના પ્રસાદ.
1840 આસપાસના સમયને પશ્ચાદભૂમિ તરીકે પ્રયોજી ફૈઝાબાદ, લખનૌ અને કાનપુર જેવાં ઉત્તર ભારત ખાતેના તત્કાલીન મુઘલ સંસ્કૃતિના કેન્દ્ર સમાન શહેરોમાં કૃતિની કથા આકાર લે છે. નાયિકા ઉમરાવજાનના હૃદયસ્પર્શી આત્મવૃત્તાંતની શૈલીમાં કથા લખાયેલ હોઈને તેનું પાત્ર કેટલાક સમય માટે દંતકથા સમાન બની ગયું હતું.
પોતાના નાના ભાઈ સાથે ફૈઝાબાદના ઘરના આંગણામાં રમતી કન્યા અમીરન અથવા બિસ્મિલ્લાહજાનનું અદાવતને કારણે પડોશીઓ અપહરણ કરાવીને બીજી એક કન્યા સાથે લખનૌ ખાતે તવાયફના કોઠાના દલાલો દ્વારા બે ભિન્ન ખરીદદારોને વેચી દે છે. તવાયફને અનુરૂપ સંગીત અને નૃત્યની તાલીમ પામીને નવું નામ ‘ઉમરાવજાન’ પામેલી સંવેદનશીલ યુવતી(રેખા)માં ઉર્દૂ શાયરીના અંકુર પણ ફૂટે છે અને વ્યાવસાયિક નિપુણતા સાથે તે શાયરીઓની રચયિતા બને છે. તે સાથે કોઠાની સંચાલિકા ખાન્નુમસાહેબા (શૌકત આઝમી) અને હુસૈની બેગમ(દીના પાઠક)ની પણ પ્રીતિપાત્ર બની રહી છે.
કોઠાની મુલાકાતો દરમિયાન નવાબનો પુત્ર નવાબ સુલતાનઅલી (ફારૂક શેખ) અને ઉમરાવજાન, એકબીજા પ્રત્યે આકર્ષાય છે, પ્રણય વિકસે છે, પરંતુ સુલતાન ઉમરાવજાનને ચાહતો હોવા છતાં શાદી કરી શકતો નથી અને પારિવારિક ગોઠવણ મુજબ અન્ય પાત્ર સાથે શાદી કરીને કાનપુર રહેવા ચાલ્યો જાય છે. પ્રેમમાં હતાશ ઉમરાવજાનને કોઠાના વાતાવરણમાં ગૂંગળામણ થતાં ઉપલક ર્દષ્ટિએ બહાદુર અને રઈસ હોવાનો દંભ કરતા કોઠાના મુલાકાતી તૈયબઅલી (રાજ બબ્બર) સાથે તે ગુપ્ત રીતે ઘોડા પર નાસી છૂટે છે. તૈયબઅલી એક ડાકુ છે તે વાતથી ઉમરાવજાન અજાણ છે. રસ્તામાં કાનપુર નજીકની એક હિંદુ રિયાસતના સિપાઈઓને હાથે તૈયબઅલી માર્યો જાય છે. ઉમરાવજાન સ્વતંત્ર રીતે કાનપુર ખાતે સ્થાયી થવા પ્રયાસ કરે છે અને ટૂંક સમયમાં જ પોતાની મૌલિક શાયરીથી મશહૂર બને છે. અહીં તેને નવાબ બેગમનો ભેટો થાય છે, જે નાનપણમાં પોતાની જ સાથે અન્ય ગ્રાહકને વેચાયેલી કન્યા છે અને પોતાના ભૂતપૂર્વ પ્રેમી સુલતાનની બેગમ બનેલી છે તેમ તેને પાછળથી સમજાય છે.
આ આઘાત ન જીરવાતાં ઉમરાવજાન કાનપુર છોડી ફરી ખાન્નુમના કોઠા પર લખનૌ ખાતે પાછી ફરે છે, જ્યાં તેનું ઉમળકાભર્યું સ્વાગત થાય છે. પરંતુ સમય બદલાયેલો છે. 1857નો બળવો ફાટી નીકળે છે. લખનૌમાં અરાજકતા ફેલાય છે. શહેરના હિજરતીઓ સાથે ખાન્નુમના કોઠાનો કાફલો હિજરત કરી બનારસ જવા નીકળે છે. માર્ગમાં રાત્રિપડાવની જગા ફૈઝાબાદની ભાગોળ છે તેવું સમજાતાં ઉમરાવજાનને પોતાનું બચપણ યાદ આવે છે. ત્યાં તે ગુપચુપ ચાલી નીકળે છે. ફૈઝાબાદમાં સ્થાયી થવાના પ્રયાસોથી શાયરીની મહેફિલોમાં તે મશહૂર બને છે અને રહેણાક વિસ્તારમાં એક મુજરા માટે આમંત્રણ પામતાં નજીક આવેલ પોતાના બાળપણનાં ઘર, મા અને પરિવારને તે ઓળખી કાઢે છે અને મા સાથે તેનું હૃદયસ્પર્શી મિલન થાય છે. પરંતુ હવે તેનું કુટુંબ પોતાને સ્વીકારી શકે તેમ નથી કારણ કે પોતે એક તવાયફ છે તે વાત સમજાતાં તે નિરાશ થઈને ફરી લખનૌ ખાતે ખાન્નુમના કોઠાના મકાન પર પાછી ફરે છે. મકાન સૂમસામ ને ચીજવસ્તુઓ વેરણછેરણ પડેલ છે. ઉપરને મજલે પોતાના ખંડમાં ઉમરાવજાન આયના પર લાગેલી ધૂળને હલકે હાથે સાફ કરીને પોતાના ચહેરાનું ધૂંધળું પ્રતિબિંબ સ્પષ્ટ કરવા મથે છે, ત્યાં ચિત્ર પૂરું થાય છે.
ઓછા ખર્ચે બનેલી આ ફિલ્મમાં તારક અભિનેત્રી રેખાએ ઉમરાવજાનના પાત્રમાં સંવેદનશીલ અને પોતાની કારકિર્દીનો યાદગાર અભિનય આપ્યો છે.
આ કૃતિ બદલ મુઝફ્ફરઅલીને શ્રેષ્ઠ દિગ્દર્શક અને ખય્યામને શ્રેષ્ઠ સંગીતનિર્દેશન બદલ 1981ના વર્ષના ઓગણત્રીસમા વાર્ષિક ‘ફિલ્મફેર’ પુરસ્કાર એનાયત થયા હતા. બૌદ્ધિકો, સિનેવિવેચકો તેમજ કલારસિક પ્રેક્ષકવર્ગે આ ફિલ્મને આવકાર આપ્યો હતો. 1982માં કોલકાતા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પૅનોરમા વિભાગમાં આ કૃતિ રજૂઆત પામી હતી.
ઉમરાવજાન : 2006માં બનેલું હિન્દી ચલચિત્ર. મિર્ઝા હાદી રૂસ્વાનીની નવલકથા ‘ઉમરાવજાન અદા’ પરથી જે. પી. દત્તાએ ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, શબાના આઝમી, સુનિલ શેટ્ટી, દિવ્યા દત્તા, કુલભૂષણ ખરબંદાને લઈને બનાવેલા આ ચલચિત્રમાં ઐશ્વર્યા રાય બચ્ચને ઉમરાવજાનની ભૂમિકા ભજવી હતી. અભિષેક બચ્ચને નવાબનું પાત્ર ભજવ્યું હતું. 15 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મનું બૉક્સ ઑફિસ કલેક્શન અંદાજે 19.52 કરોડ રૂપિયા હતું. ફિલ્મને ધારી સફળતા સાંપડી ન હતી. ફિલ્મસમીક્ષકોએ ઐશ્વર્યા-અભિષેકની આ ફિલ્મની સરખામણી રેખા અભિનિત ફિલ્મ સાથે કરીને તેને સાધારણ ગણાવી હતી. છતાં ફિલ્મમાં ઐશ્વર્યા-અભિષેક અને શબાના આઝમીના અભિનયને પ્રશંસા મળી હતી.
ઉષાકાન્ત મહેતા