ઉપાયન (ઈ. સ. 1961) : સાહિત્ય અકાદમી, દિલ્હીનો 1962નો પુરસ્કાર પ્રાપ્ત કરનાર ગ્રંથ. ગુજરાતના પ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીની ષષ્ટિપૂર્તિ પ્રસંગે આ ગ્રંથ પ્રગટ કરાયેલો. આ ગ્રંથ ગુજરાતના શિક્ષણ-સાહિત્ય-સંસ્કાર જગત માટે મહત્વનો સંદર્ભગ્રંથ છે.
કુલ ચાર ખંડમાં વહેંચાયેલા આ ગ્રંથના પ્રથમ ખંડ ‘અનુભાવના’માં વિષ્ણુપ્રસાદનાં તાત્વિક સાહિત્યવિવેચનાનાં લખાણો ગ્રંથસ્થ કરાયાં છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ લેખ મૂળ રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન પ્રસંગે આપેલું અને ‘સાહિત્યમાં વિષયબોધ અને બોધનું ફૂલ’ એ લેખ નર્મદ સુવર્ણચંદ્રક પ્રદાન પ્રસંગે આપેલું વ્યાખ્યાન છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ લેખમાં વિષ્ણુપ્રસાદ વિવેચક માટે અંત:કરણના પ્રમાણને આદર્શ સ્થિતિ ગણે છે. પણ તે માટે ગ્રંથોનું પરિશીલન, કાવ્યશાસ્ત્રીઓએ તારવેલા સિદ્ધાંતોનું પર્યેષણ, પરંપરાપ્રાપ્ત સિદ્ધાંતોનું શોધન – એ બધી પ્રાથમિક તૈયારી અંગેની સુરુચિ કેળવાવી જોઈએ અને એ સુરુચિ અંત:કરણનો ગુણ હોય તો જ વિવેચનનેત્ર ખૂલી શકે. ‘સાહિત્યમાં વિષયબોધ અને બોધનું ફૂલ’માં વિષ્ણુપ્રસાદને મતે સાહિત્યના મૂલ્યાંકનમાં બે વસ્તુનો વિચાર કરવો ઘટે. એક આનંદલક્ષણ સૌંદર્યવિમર્શ અને બીજું અનુભવનું સામર્થ્ય. કૃતિમાં થતો સાક્ષાત્કાર જીવનને કેટલાં વ્યાપકતા, ઊંડાણ અને સચ્ચાઈથી સ્પર્શે છે એ કૃતિના મૂલ્યાંકનમાં નિર્ણાયક બને છે.
આ ઉપરાંત વિવેચનમાં કૌતુકરાગ, રસ, સૌંદર્ય, આનંદ, સાધારણીકરણ, સાહિત્યનું આંતરઉપાદાન જેવા વિષયો પરની વિશદપૂર્ણ તાત્વિક વિચારણા અહીં મળે છે.
બીજા ખંડમાં વિષ્ણુપ્રસાદે મુંબઈ યુનિવર્સિટી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળામાં અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય વિશે આપેલાં પાંચ વ્યાખ્યાનો છે. દુર્ગારામથી આનંદશંકર સુધીના મહત્વના વિચારકો અને ગદ્યકારોની સાહિત્યિક, સામાજિક અને ધાર્મિક વિચારણા એમાં રજૂ કરાઈ છે.
ત્રીજો ખંડ વિષ્ણુપ્રસાદનાં સમીક્ષાત્મક લખાણોને આવરે છે. તેમાં એમણે લખેલા પુસ્તક-પ્રવેશકો, આકાશવાણી-વાર્તાલાપો આદિનો સમાવેશ થાય છે. એમાં વાલ્મીકિકૃત રામાયણ, અખા જેવા મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિની રચનાઓ, ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાનવલ, અશો જરથુષ્ટ્રની ગાથાઓથી માંડી ‘પનઘટ’, ‘અમાસના તારા’, ‘ઊભી વાટે’ જેવી સમકાલીન કૃતિઓની સમીક્ષા છે. માત્ર કૃતિસમીક્ષા જ નહિ, પણ ‘નવીન કવિતા’, ‘નવી પ્રયોગલક્ષી કવિતા’ જેવા લેખોમાં કવિતાસાહિત્યપ્રવાહનું અવલોકન પણ મળે છે.
ચોથા ખંડમાં વિષ્ણુપ્રસાદની પ્રતિભાનાં વિવિધ પાસાંને ઉપસાવી આપતાં લખાણો છે. એમાં એમની અધ્યાપકીય કારકિર્દી, વિવેચનપ્રવૃત્તિ તેમજ હૃદયવિભૂતિની ઝાંખી મળે છે. તેમાં વિષ્ણુપ્રસાદ વિશે ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, યશવંત શુક્લ તથા સી. સી. શાહના મહત્વના લેખો છે.
કાન્તિલાલ શાહ