ઉપાધ્યક્ષ (Deputy Speaker) : સંસદ કે ધારાસભાના ગૃહમાં અધ્યક્ષ(speaker)ની અનુપસ્થિતિમાં તે સભાગૃહના કામકાજનું સંચાલન કરે છે. સામાન્ય ચૂંટણી પછી સંસદ કે ધારાસભાની પ્રથમ બેઠકમાં, સભ્યોના સોગંદવિધિ પછીનું સૌપ્રથમ કાર્ય અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાનું હોય છે અને જ્યાં સુધી આ કાર્ય સંપન્ન ન થાય ત્યાં સુધી સંસદ કે ધારાસભાના જે-તે ગૃહની રચના થઈ છે તેમ ન કહેવાય. ભારતમાં સંસદનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભાના ઉપાધ્યક્ષને વાઇસ ચેરમેન તથા લોકસભાના અને રાજ્ય વિધાનસભાઓના ઉપાધ્યક્ષોને ડેપ્યુટી સ્પીકર કહેવામાં આવે છે. પોતાના ગૃહના અધ્યક્ષની ગેરહાજરી દરમિયાન ગૃહના સંચાલનની જવાબદારી અધ્યક્ષ જેટલી જ ઉપાધ્યક્ષને ઉપાડવાની હોય છે. રાજ્યસભાના વાઇસ-ચેરમૅનના પદ પર તથા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના ઉપાધ્યક્ષના પદ પર, જે-તે ગૃહનું સભ્યપદ ધરાવતી વ્યક્તિની જ વરણી થઈ શકે છે.
1855 પહેલાં ઇંગ્લૅન્ડની આમસભા(House of Commons)માં ઉપાધ્યક્ષપદ માટેની કોઈ જોગવાઈ ન હતી અને તેથી અધ્યક્ષ ગેરહાજર હોય ત્યારે આમ સભાનું કામકાજ જે-તે દિવસ કે સમય પૂરતું મુલતવી રાખવામાં આવતું. જોકે 1547-1853નાં ત્રણસો વર્ષ ઉપરાંતના આ લાંબા ગાળામાં અધ્યક્ષ અનુપસ્થિત હોય તેવા માત્ર 29 બનાવો નોંધાયા હતા. પરંતુ સંસદના કામકાજનું ભારણ તથા સમયનું વિસ્તરણ થતાં અધ્યક્ષની ઉપસ્થિતિની સમસ્યા તીવ્ર બનતી ગઈ. તેના ઉકેલ માટે 1853માં નિમાયેલી પ્રવર સમિતિ(Select Committee)એ જુલાઈ 1855માં ઉપાધ્યક્ષની જોગવાઈ કરવા ભલામણ કરી અને તે જ વર્ષે ‘ડેપ્યુટી સ્પીકર્સ ઍક્ટ’ પસાર કરવામાં આવ્યો. આ કાયદા મુજબ અધ્યક્ષ અનુપસ્થિત હોય ત્યારે સભાગૃહના સંચાલનને લગતી અધ્યક્ષ જેટલી જ જવાબદારી તથા સત્તાઓ ઉપાધ્યક્ષ ધરાવે છે. આ અંગે અન્ય દેશોમાં લગભગ આ જ ધોરણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભારતના બંધારણની કલમ 93 મુજબ લોકસભાની રચના થાય કે તરત જ, વહેલામાં વહેલી તકે, તે પોતાના સભ્યોમાંથી એકની અધ્યક્ષપદે અને બીજાની ઉપાધ્યક્ષપદે વરણી કરે છે. આ રીતે વરણી પામેલા સભ્યો જ્યાં સુધી સભાગૃહના સભ્યપદે રહે ત્યાં સુધી તેઓ અધ્યક્ષપદ કે ઉપાધ્યક્ષપદ ભોગવી શકે છે (કલમ 94). આ બંનેમાંથી કોઈને પોતાના પદનું રાજીનામું આપવું હોય તો તે પોતાનું રાજીનામું એકબીજાને સોંપી શકે છે. સભાગૃહની કુલ સંખ્યાના બહુમતી સભ્યો, 14 દિવસની નોટિસ પછી, ઠરાવ પસાર કરીને આ પદાધિકારીઓમાંથી કોઈને તેના હોદ્દા પરથી દૂર કરી શકે છે. આ બંનેની અનુપસ્થિતિમાં સભાના કામકાજનું સંચાલન કરવા માટે અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ છ સભ્યોની નામાવલિ(panel)માંથી કોઈ પણ એક સભ્યની વરણી થઈ શકે છે. સ્થાયી આદેશ (standing orders), 219-222 માં આ પદાધિકારીઓ સામે અવિશ્વાસનો ઠરાવ રજૂ કરવા અંગેની જોગવાઈ છે. આવો ઠરાવ રજૂ કરવાની તરફેણમાં સભાગૃહના ઓછામાં ઓછા 50 સભ્યો ઊભા થાય તો જ તેના પર ચર્ચા થઈ શકે છે. અધ્યક્ષનું પદ ખાલી હોય ત્યારે અથવા સભાગૃહની બેઠક દરમિયાન અધ્યક્ષ અનુપસ્થિત હોય ત્યારે અધ્યક્ષની અવેજીમાં ઉપાધ્યક્ષ સભાગૃહની બેઠકનું સંચાલન કરવાની સત્તા ધરાવે છે. પરંતુ અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ બંનેનાં પદો ખાલી હોય ત્યારે સભાગૃહના સભ્યોમાંથી રાષ્ટ્રપતિ દ્વારા નીમવામાં આવેલ સભ્ય તે જવાબદારી અદા કરે છે.
ભારતના દરેક રાજ્યની વિધાનસભા તેના સભ્યોમાંથી એકની અધ્યક્ષપદે અને બીજાની ઉપાધ્યક્ષપદે ચૂંટણી કરે છે અને આ બંને પદાધિકારીઓની સત્તા તથા જવાબદારી તેમના ગૃહ પૂરતી સંસદના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ જેવી જ હોય છે.
અધ્યક્ષ શાસક પક્ષના સભ્યોમાંથી ચૂંટાયેલા હોય ત્યારે ઉપાધ્યક્ષપદે સામાન્ય રીતે વિરોધ પક્ષોના સભ્યોમાંથી કોઈ એકની વરણી કરવાની તંદુરસ્ત પ્રથા ભારતમાં પ્રચલિત છે. પ્રચલિત પ્રણાલિકા મુજબ અધ્યક્ષપદ પર ચૂંટાયેલી વ્યક્તિ પોતાના પક્ષમાં સભ્ય તરીકે ચાલુ રહેતી નથી, પરંતુ ઉપાધ્યક્ષ પોતાના રાજકીય પક્ષના સભ્યપદે ચાલુ રહી શકે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે