ઉપલેટા : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 44′ ઉ.અ. અને 70o 22′ પૂ. રે. ની આજુબાજુનો 839.3 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, પૂર્વ તરફ ધોરાજી તાલુકો, દક્ષિણે જૂનાગઢ જિલ્લો તથા પશ્ચિમે અંશત: પોરબંદર જિલ્લો અને જામનગર જિલ્લો આવેલા છે. તાલુકામથક ઉપલેટા તાલુકાના અગ્નિભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : તાલુકાનો ઘણોખરો ભાગ ભાદર નદીના કાંપ અને માટીથી બનેલો છે. અહીંની જમીન કાળી ફળદ્રૂપ પ્રકારની છે. આ વિસ્તારમાં દક્ષિણે ભાદર, પૂર્વે મોજ તથા પશ્ચિમે વેળુ નદીઓ વહે છે. તાલુકાની 492 હેક્ટર જેટલી ભૂમિ જંગલથી આચ્છાદિત છે. તેમાં બાવળ, મહુડા, આમળા અને અરીઠાનાં વૃક્ષો જોવા મળે છે. ચોમાસાની મોસમ સિવાય આ તાલુકાની આબોહવા મહદ્અંશે સૂકી રહે છે. અહીંના ઉનાળા પ્રમાણમાં ગરમ અને શિયાળા ઠંડા રહે છે. મે માસનું મહત્તમ તાપમાન 40o-43o સે. અને જાન્યુઆરીનું તાપમાન 10o સે.ની આસપાસ રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 594 મિમી. જેટલો પડે છે.
ખેતી : તાલુકાની જમીનો ફળદ્રૂપ હોવાથી અહીં મગફળી, કપાસ, શેરડી, ઘઉં અને બાજરીનું વાવેતર વિશેષ થાય છે. કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે.
ઉદ્યોગો : તાલુકામાં ખાદ્યતેલની તેમજ ખાંડની મિલો આવેલી છે. આ ઉપરાંત નાના પાયા પરના ગૃહઉદ્યોગો વિકસેલા છે. અહીં ખાદ્યતેલનો વેપાર ચાલે છે.
પરિવહન : પોરબંદર-રાજકોટને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ 8B અહીંથી પસાર થાય છે; એ જ રીતે રાજ્ય ધોરી માર્ગ તેની દક્ષિણેથી પસાર થાય છે. જામજોધપુરથી ધોરાજીને સાંકળતો મીટરગેજ રેલમાર્ગ ઉપલેટામાં થઈને જાય છે.
વસ્તી : 2011 મુજબ આ તાલુકાની વસ્તી આશરે બે લાખ જેટલી છે. દર ચોકિમી. દીઠ અહીં વસ્તીગીચતાનું પ્રમાણ 197 વ્યક્તિનું જોવા મળે છે.
નીતિન કોઠારી