ઉપજીવ્ય-ઉપજીવક ભાવ : જેને આધારે જિવાય, અસ્તિત્વનો આવિર્ભાવ થાય તે ઉપજીવ્ય; અને જે અન્યને આધારે જીવે કે અન્યને લીધે જેના અસ્તિત્વનો આવિર્ભાવ થાય તે ઉપજીવક. કોશ અનુસાર ઉપજીવ્ય એટલે આશ્રય, આધાર કે કારણ; અને ઉપજીવક એટલે આશ્રયી, આધારે રહેનાર કે કાર્ય. ઉપજીવ્ય-ઉપજીવક ભાવ એ કાર્યકારણ ભાવ છે અથવા પ્રયોજ્ય-પ્રયોજક ભાવ છે. માટીમાંથી ઘડો થાય એ પ્રક્રિયામાં ચાકડાને ભમાવવા માટે કુંભાર ઉપયોગમાં લે છે તે દંડો, ચાકડાના ભ્રમણને લીધે સાકાર થતા ઘડાનું પ્રયોજક કે નિમિત્ત કારણ છે. પ્રયોજક કારણ એ સાક્ષાત્ કારણ નથી હોતું, પણ પરંપરા સંબંધે કારણ હોય છે. આમ દંડ અને ઘટનો સંબંધ ઉપજીવ્ય-ઉપજીવક ભાવસંબંધ છે. ઉપજીવ્ય એ જ્ઞાન, સત્વ (અસ્તિત્વ) કે વૃત્તિ (નિર્વાહ) અર્થે અવલંબનીય છે. ઉપજીવ્યને લીધે જ્ઞાન થાય, અસ્તિત્વ ઉદભવે કે વૃત્તિ ચાલે. ‘પર્વતમાં ધુમાડો છે’ એ વાક્યને લીધે ‘પર્વત વહ્નિમાન્ છે’ એવું જ્ઞાન થાય છે. એટલે કે પર્વતનું ધૂમવત્વ એ પર્વતના વહ્નિમત્વરૂપ જ્ઞાનનું કારણ થયું. અહીં ધૂમવત્વ એ ઉપજીવ્ય અને વહ્નિમત્વરૂપ જ્ઞાન એ ઉપજીવક થયું. આ અર્થમાં ઉપજીવ્ય-ઉપજીવક ભાવ એ પ્રયોજ્ય-પ્રયોજક ભાવ છે.
નટવરલાલ યાજ્ઞિક