ઉપગ્રહો, કુદરતી (Satellites, Natural) : સૂર્યમંડળના ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા આકાશી પદાર્શો. બુધ અને શુક્ર સિવાયના ગ્રહોને, એક કે એકથી વધારે ઉપગ્રહ છે. મંગળને બે અને પૃથ્વીને એક (ચંદ્ર) ઉપગ્રહ છે; જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનને બે કરતાં વધુ ઉપગ્રહો છે. સૌથી છેલ્લા ગ્રહ પ્લુટોને એક ઉપગ્રહ છે. ઉપગ્રહો બધા એકસરખા નથી. મોટા ગ્રહોને મોટા ઉપગ્રહો ઉપરાંત નાના ઉપગ્રહો પણ છે. તેમના વ્યાસના સંદર્ભમાં, ઉપગ્રહોનું વર્ગીકરણ ત્રણ રીતે થઈ શકે : (1) 4,000 કિમી.ની આસપાસના વ્યાસવાળા, (2) 100 કિમી.થી 1,300 કિમી. વ્યાસના અને (3) 30 કિમી.થી ઓછા વ્યાસના.
કુઈપર નામના ખગોળશાસ્ત્રીની પરિકલ્પના (hypothesis) પ્રમાણે, સૂર્યમંડળના ગ્રહો તથા ઉપગ્રહોનું સર્જન, એક મોટી નિહારિકામાંના વાયુ તેમજ રજકણોના સંઘનન (condensations) દ્વારા થયેલું છે. સંઘનનની પ્રક્રિયા દરમિયાન જે મોટાં કેન્દ્રો ઉદભવ્યાં તેમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ, જ્યારે નાનાં કેન્દ્રોમાંથી ઉપગ્રહો સર્જાયા.
મંગળના બંને ઉપગ્રહો ફોબોસ અને ડીમોસ કદમાં સૌથી નાના ઉપગ્રહો છે. તેઓ ગોળાકાર હોવાને બદલે દીર્ઘવૃત્તીય (elliptical) છે. દેખાવે લઘુગ્રહ (asteroid) જેવા છે.
1660માં ગેલિલિયોએ દૂરબીનની મદદથી ગુરુના ગ્રહ માટે ચાર ઉપગ્રહો શોધ્યા, જેમને તેના નામ ઉપરથી ગેલિલિયન ઉપગ્રહો (Galilian satellites) કહે છે. તેમનાં નામ (i) આયો (IO); (ii) યુરોપા (Europa); (iii) ગૅનીમેડ (Ganymede) અને (iv) કૅલિસ્ટો (Callisto) છે. અમેરિકન અવકાશયાન વૉયેજર 1 અને 2ના અવલોકન દ્વારા આ ચારેય ઉપગ્રહો વિશે ઘણી અગત્યની માહિતી પ્રાપ્ત થઈ છે. આયો ઉપર જ્વાલામુખીઓ આવેલા છે, જેમાંના 6થી 8 જેટલા આજે પણ સક્રિય (in eruption) છે. યુરોપા સૌથી નાનો ઉપગ્રહ છે. તેના ઉપરના બરફના આવરણને કારણે તેની સપાટી ખૂબ પ્રકાશિત જણાઈ છે. ગૅનીમેડ ઉપગ્રહ સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. તેનો અડધો ભાગ પથ્થરનો અને બાકીનો અડધો ભાગ બરફનો બનેલો છે. તેની ઉપર ઘણા મોટા ગર્તો (craters) પણ માલૂમ પડ્યા છે. ચોથો ઉપગ્રહ કૅલિસ્ટો, ગૅનીમેડ કરતાં સહેજ નાનો છે અને બરફથી છવાયેલો છે. આ ચાર ગેલિલિયન ઉપગ્રહો સિવાય પણ ગુરુના ગ્રહને બીજા બાર ઉપગ્રહો છે.
શનિના ગ્રહને સૌથી વધુ એટલે 17 ઉપગ્રહો છે. જેમાંના મોટા-ભાગનાનું કદ નાનું છે. તેનો સૌથી મોટો ઉપગ્રહ ટિટાન છે; જેનું આવરણ મુખ્યત્વે નાઇટ્રોજન, આર્ગોન અને મિથેન વાયુનું બનેલું છે. વૉયેજર દ્વારા ટિટાન વિશે પણ માહિતી મળી છે.
યુરેનસના ઉપગ્રહોની ઉપર મુખ્યત્વે બરફનાં પડ આવેલાં છે. નેપચ્યુનના બે ઉપગ્રહો (i) ટ્રાયટન (Triton) અને (ii) નેરીડ (Nereid) છે. ટ્રાયટન આપણા ચંદ્ર કરતાં મોટો છે અને તેની ઉપર મિથેનનું પાતળું વાતાવરણ છે. નેરીડ દેખાવે લઘુગ્રહ જેવો છે. અંતિમ ગ્રહ પ્લુટોનો એકમાત્ર ઉપગ્રહ શેરોન (Sheron) છે, જેના વિશે હજી કાંઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ નથી.
ઉપગ્રહોની ગ્રહપ્રદક્ષિણાના સમય વગેરે ઉપરથી ગ્રહના દ્રવ્યસંચયની માહિતી મળે છે. ઝાઝું કક્ષીય નમન દાખવતા નાના ઉપગ્રહોને ગ્રહના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈ, ગ્રહની આસપાસ ફરતા થયેલા આકાશી પિંડો માનવામાં આવે છે. ઉપગ્રહો દ્વારા સૂર્યનું ગ્રહણ થવા ઉપરાંત તેમના પોતાના ગ્રહણ તેમજ પિધાન પણ થાય છે. ગુરુ અને શનિના ઉપગ્રહો તેમના ગ્રહોના બિંબ પર અધિક્રમણ દાખવે છે.
દીપક ભદ્રશંકર વૈદ્ય
છોટુભાઈ સુથાર