ઉન્સુરી (જ. ?; અ. 1039-40) : સુલતાન મહમૂદ ગઝનવીના રાજકવિ. મૂળ નામ અબુલ કાસિમ હસન બિન અહમદ. ‘ઉન્સુરી’ તખલ્લુસ. એવું કહેવાય છે કે સુલતાનના દરબારમાં 400 કવિઓ રહેતા હતા, તેમાં ઉન્સુરી મુખ્ય હતા. એણે ફારસીમાં રચેલા 180 શેરના કસીદામાં સુલતાન મહમૂદનાં યુદ્ધો અને વિજયોને આવરી લીધેલાં. સુલતાને એને રાજકવિ બનાવ્યા. શાહી દરબારમાં પ્રવેશ માટે ઝંખતા દરેક કવિને શાહી હુકમ અનુસાર ઉન્સુરીની ભલામણ અનિવાર્ય હતી. તેથી એવા કવિઓના કાવ્યના ગુણદોષ તે તપાસતા. તે મહમૂદ ગઝનવીના મરણ પછી દસ વર્ષ જીવ્યા. એમના શેરની કુલ સંખ્યા 30,000 કહેવાય છે, પણ આજે માત્ર 3,000 મળે છે. તેઓ શીઘ્ર કાવ્યરચના માટે જાણીતા હતા.
ઝુબેર કુરેશી