ઉન્માદ : સામાન્ય ભાષામાં ગાંડપણ તરીકે ઓળખાતો રોગ. વ્યક્તિની રોજિંદી વર્તણૂક અસ્વાભાવિક બને, મન પરનું નિયંત્રણ ચાલ્યું જાય, મન વિકૃત બને; સાચાખોટાનો, સારા-નરસાનો અને યોગ્ય-અયોગ્યનો વિવેક કરી ન શકે તેવી સ્થિતિ આ રોગમાં થાય છે.
મહર્ષિ ચરક અનુસાર મન, બુદ્ધિ, સંજ્ઞા, જ્ઞાન, સ્મૃતિ, ભક્તિ, શીલ, ચેષ્ટા, આચાર વગેરેનો વિભ્રમ એટલે ઉન્માદ. મહર્ષિ સુશ્રુત અનુસાર અતિ વધી ગયેલા વાતાદિ દોષો અવળા માર્ગનો આશ્રય લઈને મનનો જે વિભ્રમ પેદા કરે છે તેને ઉન્માદ કહે છે. અષ્ટાંગહૃદય અનુસાર પોતપોતાના સ્વાભાવિક માર્ગ સિવાય બીજે માર્ગે મનોવહ સ્રોતમાં ગયેલા દોષો મનનો ઉન્માદ પેદા કરે છે.
બીકણ સ્વભાવ, મનનું દુ:ખ થવું, મનના દોષો વધી જવા, વ્યાધિના વેગથી મનનું ભમી જવું કે બહેર મારી જવું, કામ-ક્રોધ-લોભ-હર્ષ-ભય-મોહ-પરિશ્રમ-શોક-ચિંતા-ઉદ્વેગ વગેરેની અસરથી તથા માથા ઉપર પ્રહાર થવાથી ઉન્માદ થાય છે.
વાતિક, પૈત્તિક, કફજ, સાન્નિપાતિક, આગંતુક, વિષજન્ય, મનોદુ:ખજન્ય એમ ઉન્માદના સાત પ્રકાર પાડવામાં આવ્યા છે.
સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, અભ્યંગ, પરિષેક, શિરાવેધ વગેરે આ રોગમાં લાભદાયક ગણાય છે. ઔષધોમાં બ્રાહ્મી, જ્યોતિષ્મતિ (માલકાંકણી), ઘોડાવજ, શંખ-પુષ્પી, સફેદ બાવચી, કસ્તૂરી, ચિત્રકમૂળ, મંડૂકપર્ણી, કેસર, જેઠીમધ, ગળો, ઘઉંલો, સર્પગંધા, અશ્વગંધા, ઘૃત, સુવર્ણ તથા ચાંદી વપરાય છે.
અનુભવની વાત : પિત્ત(ગરમી)ના દોષથી થયેલા ઉન્માદ-(પાગલપણ)માં દર્દી દિવસમાં 3-4 વાર માથે ઠંડું પાણી રેડી સ્નાન કરે તો ખૂબ લાભ થાય છે, તે ઉપરાંત આવા દર્દીને કોળું, બ્રાહ્મી, શતાવરી ને ઘીથી બનાવેલો અવલેહ કે બ્રાહ્મીઘૃત અને ત્રિફળા કે હરડેનો જુલાબ લે તો સારો લાભ થાય છે.
કફદોષથી થયેલા ઉન્માદમાં સારસ્વતારિષ્ટ, હિંગ્વાદિ ઘૃત કે ચૂર્ણ, લસુનાદિ ઘૃત કે કલ્પ, લસુનાદિ વટી, સારસ્વત ચૂર્ણ, નસ્ય, જ્યોતિષ્મતિ તેલ, કનકસુંદર રસ વગેરે સફળ ઔષધો છે.
વાયુદોષથી થયેલા ઉન્માદમાં કબજિયાત હોય તો દિવેલનો રેચ, એરંડપાક કે નારાચ રસ, એ. ભૃ. હરિતકી ચૂર્ણ અપાય છે. અન્યમાં દશમૂલારિષ્ટ, અશ્વગંધારિષ્ટ, બ્રાહ્મી-શંખાવલી સીરપ, બ્રાહ્મી ઘૃત, લસુનાદિ વટી, હિંગ્વાષ્ટક ચૂર્ણ, સારસ્વતારિષ્ટ વગેરે તથા બ્રાહ્મ રસાયન વગેરે લાભપ્રદ છે.
ગાંડપણ કે ચિત્તભ્રમ માટે માલકાંગણીનાં બીજનું ચૂર્ણ 2-3 ગ્રામ જેટલું સાકર અને ઘી સાથે 2-3 માસ ખાય, તો ગાંડપણ મટે. બ્રાહ્મી, કોળું, ઘોડાવજ અને શંખાવલીનો રસ કે તેનું ચૂર્ણ મધ અને જૂનાં ઘી સાથે મેળવી, તેમાં કોઠાનું ચૂર્ણ ભેળવી રોજ સવાર-સાંજ લેવાથી બધા ઉન્માદ મટે છે.
ઉન્માદનું દર્દ મન તથા જ્ઞાનતંતુનું દર્દ છે. માટે રોગીની સામે તેના મનને દુ:ખ કે ભય ઉપજાવે તેવા પ્રસંગો ન બને તેનો ખ્યાલ રાખવો અને તેનું મગજ ઉશ્કેરાય તેવા આહાર-વિહાર અને ઔષધથી દૂર રાખવો જરૂરી છે. આવા દર્દીને શરીરે રોજ તેલનું માલિસ કરવું, કબજિયાત ન થવા દેવી અને તે મનથી પ્રસન્ન રહે તેવી યોજના ખાસ લાભપ્રદ છે. દર્દીને કોઈ પણ વ્યસન હોય તે તેને સમજાવી, લલચાવી, ડરાવી કે અન્ય રીતે છોડાવી દેવું આવશ્યક છે. દર્દીને બને ત્યાં સુધી એકલો ન રહેવા દેવો જોઈએ. વીજળીનાં સાધનો તેને ખાસ વાપરવા ન દેવાય એ ઇષ્ટ છે. ઘણીવાર બહુ તોફાન કરતા કે ગાળો કે અપશબ્દો બોલતા દર્દીને ઘેનની દવાથી સુવડાવી દેવો એ પણ સારવારનો ભાગ છે. આવા દર્દીના હાથમાં છરી, ચપ્પુ, કાતર કે ભારે વજનદાર લાકડી જેવી વસ્તુ હાથમાં ન આવે તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.
ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે
બળદેવપ્રસાદ પનારા