ઉદ્યોતનસૂરિ (ઈ. સ. આઠમી સદી) : ભારતીય વાઙ્મયના બહુશ્રુત વિદ્વાન. તેમની એકમાત્ર કૃતિ ‘કુવલયમાલાકહા’ તેમના પાંડિત્યનો અને તેમની સર્વતોમુખી પ્રતિભાનો સબળ પુરાવો છે. ઉદ્યોતનસૂરિની નિશ્ચિત જન્મતિથિ અંગે ઉલ્લેખ મળતો નથી. પરંતુ તેમણે કુવલયમાલાકથાની રચના ઈ. સ. 779માં પૂર્ણ કરી હતી. (શક સંવત 700માં એક દિવસ બાકી). તે સમયે જાવાલિપુર(જાલૌર)માં રણહસ્તિન્ શ્રીવત્સરાજ રાજાનું રાજ્ય હતું. ઉદ્યોતને આચાર્ય હરિભદ્રસૂરિ પાસેથી ન્યાયશાસ્ત્રનું અધ્યયન ચિતોડમાં કર્યું હતું. આ બધા સંદર્ભોના આધારે મુનિ જિનવિજય ઉદ્યોતનસૂરિનો જીવનકાળ લગભગ ઈ. સ. 730થી ઈ. સ. 820 સુધીનો માને છે; પરંતુ તેમની મૃત્યુતિથિનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
તેમનું કાર્યક્ષેત્ર જાલૌર રહ્યું છે. ત્યાં ઋષભદેવના મંદિરમાં બેસીને તેમણે ‘કુવલયમાલા’ની રચના કરી હતી.
ઉદ્યોતનસૂરિના બાળપણનો અને તેમનાં માતાપિતાનો કોઈ વિશેષ ઉલ્લેખ તેમના ગ્રંથમાં નથી. ‘કુવલયમાલા’ની પ્રશસ્તિમાં માત્ર એટલું કહેવાયું છે કે મહાદ્વાર નગરમાં ઉદ્યોતન નામના ક્ષત્રિય રાજા રાજ્ય કરતા હતા. તેમના પુત્રનું નામ સમ્પ્રતિ હતું, જે વટેશ્વરના નામથી અધિક પ્રસિદ્ધ હતા. આ જ વટેશ્વરના પુત્ર ઉદ્યોતનસૂરિ હતા. આમ ઉદ્યોતનસૂરિ ક્ષત્રિયકુળના વંશજ હતા. ઉદ્યોતનસૂરિના શૈક્ષણિક ગુરુ આચાર્ય હરિભદ્રસૂરિ, સિદ્ધાંતગ્રંથોના ગુરુ આચાર્ય વીરભદ્ર અને દીક્ષાગુરુ તત્વાચાર્ય નામના મુનિ હતા.
પ્રાકૃત ભાષામાં લખાયેલ કુવલયમાલાકથા સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિની ર્દષ્ટિએ મહત્વની છે. આ ગ્રંથના વિશેષ અધ્યયનથી જણાય છે કે ઉદ્યોતનસૂરિ ઉચ્ચ કોટિના કથાકાર હતા. તેઓ ધાર્મિક આચાર્ય હતા, તેમનું હૃદય કવિનું હતું. તેમના આ ગ્રંથમાં અનેક કાવ્યાત્મક રૂપક ઉપલબ્ધ છે. ઉદ્યોતનસૂરિ કેવળ ભાષા અને સાહિત્યના જ મર્મજ્ઞ ન હતા; પણ તેમને વિદ્યાઓ અને કલાઓનું પણ જ્ઞાન હતું. લોકનાટ્યો અને પટચિત્રોના ઇતિહાસ-નિર્માણમાં ઉદ્યોતનસૂરિએ પોતાની ‘કુવલયમાલાકથા’માં મહત્વપૂર્ણ સામગ્રી પ્રસ્તુત કરી છે. તેમણે પોતાનાથી પ્રાચીન એવા પાદલિપ્ત, સાતવાહન, ષટ્પર્ણક, ગુણાઢ્ય, વ્યાસ, વાલ્મીકિ, બાણ, વિમલ, રવિષેણ, જડિલ, દેવગુપ્ત, પ્રભંજન અને હરિભદ્રનો ઉલ્લેખ કરેલો છે. આઠમી સદીના ધાર્મિક અને દાર્શનિક જગતથી ઉદ્યોતનસૂરિ ઘણુંખરું પરિચિત હતા. શ્વેતામ્બર પરંપરાના આચાર્ય હોવા છતાં તેમણે બધી મુખ્ય ભારતીય ધાર્મિક વિચારસરણીનો સમાવેશ પોતાના ગ્રંથમાં કર્યો છે. આમ તેઓ કુશળ ધર્મોપદેશક ઉપરાંત પ્રખર દાર્શનિક પણ હતા.
ભારતીય સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં આચાર્ય ઉદ્યોતનસૂરિનું વિશેષ યોગદાન છે. તેમણે સમાજને નૈતિક જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે તથા જાત-પાંતથી પર થઈને માનવધર્મના પ્રચાર-પ્રસારનો સંદેશ આપ્યો છે. પૂર્વ-મધ્યકાલીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના નિર્માણમાં આચાર્ય ઉદ્યોતનસૂરિ દ્વારા અપાયેલ સામગ્રીનું વિશેષ મહત્વ છે. તેઓ ઉદ્યોતન સિવાય ‘દાક્ષિણ્યચિહ્ન’ના નામથી પણ ઓળખાય છે.
પ્રેમસુમન જૈન