ઉત્સ્વેદન

January, 2004

ઉત્સ્વેદન (transpiration) : વધારાના પાણીનો વરાળસ્વરૂપે હવાઈ અંગો દ્વારા નિકાલ કરવાની વનસ્પતિની પ્રક્રિયા. તેને બાષ્પોત્સર્જન પણ કહે છે. ઉત્સ્વેદન કરતી સપાટીને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પડે છે : પર્ણરંધ્ર (stomata) દ્વારા થતું રંધ્રીય ઉત્સ્વેદન, અધિસ્તરના કોષો વચ્ચે થતું ત્વચીય (cuticular) ઉત્સ્વેદન અને વાતછિદ્ર (air pores) દ્વારા થતું ઉત્સ્વેદન. મોટેભાગે ઉત્સ્વેદનપ્રક્રિયા રંધ્રો દ્વારા થતી હોય છે. રંધ્રોની આસપાસ બે રક્ષક કોષો હોય છે. સૌપ્રથમ રક્ષક કોષો પાણી મેળવી આશૂન (turgid) બને છે. રક્ષક કોષોમાં પાણી દાખલ થતાં તેની બહારની દીવાલો વિસ્તરણ પામે છે જ્યારે અંદરની દીવાલો સહેજ બહાર તરફ ખેંચાય છે. પરિણામે રંધ્ર ખૂલે છે અને રંધ્ર વાટે પાણી બહાર નીકળી જાય છે. પાણી ગુમાવવાથી રક્ષક કોષ ફરીથી શિથિલ બને છે અને તેની દીવાલો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે અને રંધ્ર બંધ થાય છે. રંધ્રનો ખુલ્લો વિસ્તાર જેમ વધુ તેમ ઉત્સ્વેદનનો દર વધુ.

સૂર્યની ગરમીને લઈ પાંદડાના અંત:સ્થ ભાગમાં રહેલું પાણી આંતરકોષીય અવકાશ(intercellular space)માં ફેલાય છે. રંધ્રની નીચે આવેલો આ અવકાશ સમય જતાં વરાળથી સંતૃપ્ત બને છે. પરંતુ બહારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી પ્રસરણના નિયમાનુસાર આંતરકોષીય અવકાશમાં આવેલું પાણી વરાળરૂપે બહાર જાય છે. આ પ્રસરણ માત્ર રંધ્ર દ્વારા થવાને બદલે અધિસ્તરના કોષો દ્વારા અથવા તો વાતછિદ્ર મારફત પણ થાય છે.

ઉત્સ્વેદન

ઉત્સ્વેદનની અગત્ય વિશે જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે. એક પ્રચલિત અભિપ્રાય મુજબ, પાંદડાંની અંદર કાર્બનડાયૉક્સાઇડ પ્રવેશે અને ઑક્સિજન બહાર નીકળી જાય તે માટે પર્ણરંધ્રો ખુલ્લાં રહે તે આવશ્યક છે. રંધ્રો આ નિર્દિષ્ટ કાર્ય કરી શકે તે માટે ઉત્સ્વેદનની પ્રક્રિયા અનિવાર્ય છે.

પર્યાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું થતાં ઉત્સ્વેદનનો દર વધે છે. પરિણામે શુષ્ક હવામાં વનસ્પતિ ચીમળાઈ જવાની શક્યતા વધે છે. આવા સંજોગોમાં પાંદડાંનું સપાટીક્ષેત્ર ઘટાડવાથી તેમજ સપાટીને મીણયુક્ત બનાવવાથી ઉત્સ્વેદનનો દર ઘટાડવાનું વનસ્પતિ માટે અનુકૂલ થાય છે.

ઉત્સ્વેદનને લીધે જમીનની અંદર રહેલા પાણીનું બાષ્પીભવન પણ થતું હોવાથી આ પ્રક્રિયાને બાષ્પોત્સ્વેદન (evapotranspiration) પણ કહે છે. બાષ્પોત્સ્વેદન પ્રક્રિયા વાતાવરણમાં પાણીની સમતુલા જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે.

અલકા વ્યાસ