ઉત્તેજન ઊર્જા (excitation energy) : પરમાણુ અથવા અણુની ઉત્તેજિત અને ધરાસ્થિતિ વચ્ચેનો ઊર્જાનો તફાવત. ‘ઉત્તેજન-ઊર્જા’ શબ્દપ્રયોગ ઇલેક્ટ્રૉન-ઉત્તેજન તેમજ અણુની કંપન અને ઘૂર્ણન અવસ્થાને પણ લાગુ પડે છે. ઉત્તેજન-ઊર્જા ઇલેક્ટ્રૉન વોલ્ટ eVમાં અને ઉત્તેજનવિભવ (excitation potential) વોલ્ટ Vમાં આપવામાં આવે છે. બોહરના સિદ્ધાંત પ્રમાણે સંક્રમણ સાથે સંકળાયેલા ફોટૉનની તરંગલંબાઈ અને બે અવસ્થાઓની ઉત્તેજન-ઊર્જા વચ્ચે સંબંધ હોઈ ઊર્જાના ઉત્સર્જન અને અવશોષણ માટેનું પાયારૂપ સમીકરણ નીચે પ્રમાણે છે :
જ્યાં h પ્લાંકનો અચળાંક છે, c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે અને λ ફોટૉનની તરંગલંબાઈ છે. EF અને Ei અનુક્રમે છેવટની તેમજ પ્રારંભની અવસ્થાની ફોટૉન-ઊર્જાઓ છે. જો અંતિમ અવસ્થા ધરા-અવસ્થાની હોય તો બે ઊર્જા વચ્ચેના તફાવત Ei–EFને પ્રારંભની અવસ્થાની ઉત્તેજન-ઊર્જા તરીકે ગણી શકાય. અવશોષણ તથા ઉત્સર્જન વર્ણપટની મદદથી જે તરંગલંબાઈ મળે તેના વડે જુદા જુદા સ્તરોના સંક્રમણ માટેની પ્રારંભની અવસ્થાની ઉત્તેજન-ઊર્જાનું માપ ચોકસાઈથી મેળવી શકાય છે.
આ ઉપરાંત ઇલેક્ટ્રૉન સંઘાત (impact) દ્વારા પણ તેનું મૂલ્ય મેળવી શકાય છે, પણ તે પદ્ધતિ વર્ણપટ-પદ્ધતિ કરતાં ઓછી ચોક્કસ છે.
અરુણ રમણલાલ વામદત્ત