ઉત્તર ડાકોટા

January, 2004

ઉત્તર ડાકોટા : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં ઉત્તર દિશાએ મધ્યમાં આવેલું 39મું (1889) ઘટક રાજ્ય. તે 47o 30′ ઉ. અ. અને 100o 15′ પૂ.રે.ની આજુબાજુનો 17,877 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વે મિનેસોટા, દક્ષિણે દક્ષિણ ડાકોટા, પશ્ચિમે મૉન્ટાના તથા ઉત્તરે કૅનેડાના બે પ્રાંતો – સસ્કેચાન (Saskatchewn) અને માનિટોબા (Manitoba) – આવેલાં છે. બિસ્માર્ક તેનું પાટનગર છે, જે રાજ્યનાં ચાર મોટાં શહેરોમાંનું એક છે. વસ્તી આશરે 61,000 (2019). રાજ્યનું મોટું શહેર ફાર્ગો (વસ્તી આશરે 1,00,000) (2019). અન્ય બે મોટાં શહેરો ગ્રૅન્ડ ફૉકર્સ અને મિનોટ. રાજ્યનો કુલ વિસ્તાર 17,877 ચો.કિમી. છે. અમેરિકાનાં 50 ઘટક રાજ્યોમાં તેનો 17મો ક્રમાંક છે. વસ્તી : 7.79 લાખ (2019) છે. ઘટક રાજ્યોમાં તેનો વસ્તીની ર્દષ્ટિએ 46મો ક્રમ છે. વસ્તીના 51.2 ટકા ગ્રામવિસ્તારમાં તથા 48.8 ટકા શહેરી વિસ્તારમાં વસે છે. આમ ‘ઓછી વસ્તી ધરાવતું મોટું રાજ્ય’ એ તેની લાક્ષણિકતા ગણાય. ડાકોટા એટલે ‘સંલગ્ન કબીલા’ (allied tribes), મિત્રતાથી બંધાયેલા સમૂહો. રાજ્યના મૂળ વતનીઓ/રહેવાસીઓમાં મુખ્યત્વે હિડાત્સાસ તથા મંડન આદિમ જાતિના લોકો હતા. ડાકોટાનો પ્રથમ યુરોપીય શોધક પિયર ગાલ્ટિયર ડી વરેન્નિસ (Pierre Gaultier de Varennes) હતો, જે ફ્રાન્સનો વતની હતો. 1790 પછીના ગાળામાં મૉન્ટ્રિયલ તથા હડસન વિસ્તારોમાંથી નિયમિત રીતે વ્યાપારીઓનું આગમન શરૂ થયું હતું. 1871ના અરસામાં રેડ રિવર (Red River) સુધી રેલમાર્ગ થતાં રાજ્યમાં ગોરી પ્રજાના વસવાટની શરૂઆત થઈ; જેમાં કૅનેડા, જર્મની તથા નૉર્વેથી આવેલા લોકોનું બાહુલ્ય હતું. હોમસ્ટેડ કાયદા હેઠળ તેમાંના ઘણાએ ઘઉંના ઉત્પાદન માટે અનુકૂળ જમીનો પ્રાપ્ત કરી (1878-85). ગોરી પ્રજાના વસવાટમાં આ અરસામાં થયેલ ગંજાવર વધારાને ‘ધ ડાકોટા બૂમ’ (The Dakota Boom) તરીકે ઓળખવામાં આવે છે, જેને પરિણામે રાજ્યની વસ્તીમાં આટલા ટૂંકા ગાળામાં છગણો વધારો થયો હતો. 1889-1930ના ગાળામાં પણ વસ્તીવધારો નોંધપાત્ર પ્રમાણમાં થતો રહ્યો હતો. હાલની તેની વસ્તીમાં ગોરી પ્રજાનું પ્રમાણ સૌથી વધારે છે. 1920માં રાજ્યની કુલ વસ્તીમાં ત્યાં જન્મેલા મૂળ અમેરિકન લોકોનું પ્રમાણ માત્ર 20 ટકા હતું. 1980માં ભારતીય નાગરિકોનું પ્રમાણ કુલ વસ્તીમાં 3 ટકા અને કાળી પ્રજાનું પ્રમાણ  ટકાથી પણ ઓછું હતું. રાજ્યમાં વસ્તીગીચતા એકંદરે ચો.કિમી.દીઠ 4ની છે.

રાજ્યના ત્રણ મુખ્ય પ્રાકૃતિક ખંડો છે : (1) પૂર્વમાં રેડ નદીની ખીણનો મધ્યસ્થ ભૂપ્રદેશ, (2) ધ ડ્રિફ્ટ પ્રેરી નામથી ઓળખાતો પ્રદેશ, (Drift Prairie), (3) મિસૂરી પઠાર. આ ત્રણેય પ્રાકૃતિક ખંડોને આવરી લેતી બે મુખ્ય નદીજળવ્યવસ્થા છે : (1) ઉત્તરની રેડ નદી જળવ્યવસ્થા તથા ઉત્તર-પૂર્વની સાઉરિસ નદી વ્યવસ્થા. (2) મિસૂરી નદીઘાટી, જેમ્સ નદી તથા તેની ઉપનદીઓની બનેલી નદીજળવ્યવસ્થા. ડેવિલ્સ લેક એ રાજ્યનું મોટામાં મોટું નૈસર્ગિક સરોવર છે. રાજ્યના કુલ વિસ્તારમાં જંગલોનો વિસ્તાર માત્ર 1 ટકો છે. તે દેશનો નાનામાં નાનો જંગલપ્રદેશ છે. અહીંનાં મોટાં ગણાતાં શહેરો ફાર્ગો અને બિસ્માર્કનાં જાન્યુઆરી, જુલાઈનાં તાપમાન અનુક્રમે -13.3o સે. અને 21.1o તથા -14.4o અને 21.1o સે. છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ અનુક્રમે 402 મિમી. અને 503 મિમી. જેટલો પડે છે.

રાજ્યના અર્થતંત્રમાં કૃષિ સૌથી વધારે મહત્વનું ક્ષેત્ર છે, જે રાજ્યના કુલ ઉત્પાદન(GNP)માં 25 ટકા ફાળો આપે છે. જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ સવિશેષ હોવાથી કૃષિલાયક ફળદ્રૂપ જમીનનો મબલક જથ્થો ઉપલબ્ધ છે. દેશમાં ફળદ્રૂપ જમીનની ગુણવત્તાની બાબતમાં ઉત્તર ડાકોટા ઊંચો ક્રમ ધરાવે છે. ખેતરોનું સરેરાશ કદ 1,020 એકર જેટલું હોય છે (1978). જવ તથા લિનનના છોડ(flaxseed)ની બાબતમાં દેશમાં ઉત્તર ડાકોટા પ્રથમ, ઘઉં તથા બ્રેડ બનાવવા માટેના ધાન્ય(rye)ની બાબતમાં બીજો તથા ઓટ(oat)માં પાંચમા ક્રમે આવે છે. રાજ્યમાં માંસલ ઢોરોનું પ્રમાણ પણ મોટું છે. (2019 : 41 લાખ). 1951માં ત્યાં ખનિજ-તેલની શોધ થઈ ત્યારથી તે હવે રાજ્યની મહત્વની પ્રાકૃતિક સાધનસંપત્તિ ગણાય છે. તેનું પ્રતિવર્ષ આશરે 2 કરોડ બૅરલ જેટલું સરેરાશ ઉત્પાદન થાય છે. કૃષિ તથા ખનિજ-તેલ ઉપરાંત રાજ્યમાં ખનિજ કોલસો, પ્રાકૃતિક વાયુ, ચીકણી માટી, રેતી, કપચી, ગંધક, પોટાશ તથા મીઠાના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ ભંડારો છે.

રાજ્યમાં 8,000 કિમી.થી પણ વધારે રેલમાર્ગ, 14,000 કિમી.ના રાજમાર્ગો છે. હવાઈ મથકો 350 (ખાનગી) અને 100 (સરકાર હસ્તક) જેટલાં છે.

રાજ્યમાં મહાનગરોનો અભાવ હોવા છતા ત્યાં આવેલી યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ રાજ્યને સાંસ્કૃતિક નેતૃત્વ પૂરું પાડે છે. તેમની સંખ્યા 2020માં 20 હતી. રાજ્યના ફાર્ગો, મિનોટ અને ગ્રાન્ડ ફોકર્સ નગરોમાં વાદ્યવૃંદો આવેલાં છે. રાજ્યમાં વસતી કેટલીક જનજાતિઓમાં આજે પણ જૂના રીતરિવાજો તથા પરંપરાઓ જોવા મળે છે, જે રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં ઉમેરો કરે છે. ગ્રૅન્ડ ફૉર્ક્સ ખાતેની ઉત્તર ડાકોટા યુનિવર્સિટી રાજ્યની મોટામાં મોટી યુનિવર્સિટી છે, જ્યાં અનેક અભ્યાસક્રમો ઉપરાંત નૉર્વેની ભાષા તથા સાહિત્યનું શિક્ષણ પણ અપાય છે. ફાર્ગો ખાતે ઉત્તર ડાકોટા રાજ્ય યુનિવર્સિટી આવેલી છે. રાજ્યની પ્રાકૃતિક સાધનસંપત્તિનો ઉપયોગ કરતી વેળાએ પર્યાવરણની હાલની ગુણવત્તાનું જતન અને સંવર્ધન થાય તેવું શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવે છે.

પ્રાણીજગત તથા પશુપંખીઓની બાબતમાં પણ રાજ્ય સમૃદ્ધ છે. રાજ્યનાં જળાશયો તથા સરોવરની આજુબાજુમાં વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે. જંગલી પ્રાણીઓમાં હરણ તથા સાબર વિશેષ પ્રમાણમાં છે. સુંવાળાં જાનવરો ઉત્તર ડાકોટાના વિવિધ પ્રદેશોમાં ફેલાયેલાં છે. શરૂઆતના કાળમાં રાજ્યમાં દાખલ થયેલા ફ્રેંચ વ્યાપારીઓએ જે વિસ્તારને ‘બેડલૅન્ડ’ નામ આપ્યું છે તે વિસ્તાર પર્યટકોનું મુખ્ય આકર્ષણ છે.

1960 પછીનાં વર્ષોમાં રાજ્યમાં વાયુસેનાનાં મથકો તથા આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રો છોડવા માટેનાં મથકોનો વિકાસ થતાં વ્યૂહાત્મક ર્દષ્ટિએ ઉત્તર ડાકોટાનું મહત્વ વધ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે