ઉત્તર કન્નડ : દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યનો જિલ્લો. 1956 સુધી તે ભૂતપૂર્વ મુંબઈ રાજ્યનો જિલ્લો હતો ત્યારે તે કનારા (Canara) નામથી ઓળખાતો. તેનો વિસ્તાર 10,291 ચોરસ કિમી. તથા વસ્તી 15 લાખ (2011) છે. રાજ્યના પશ્ચિમે આવેલા આ જિલ્લાના પૂર્વ તરફ પશ્ચિમ ઘાટનો પ્રદેશ તથા પશ્ચિમ તરફ અરબી સમુદ્રના દરિયાકાંઠાની સાંકડી પટ્ટી છે. જિલ્લામાં શરાવતી, કાળિન્દી, તદડી તથા ગંગાવળી નદીઓ વહે છે. વિશ્વના ચોથા ક્રમનો જોગ ધોધ શરાવતી નદીની દક્ષિણ તરફની સરહદ પર છે. કારવાર એ જિલ્લાનું વડું મથક, જાણીતું બંદર તથા દરિયાકિનારાના સૌંદર્ય માટે પ્રખ્યાત છે. તે ઉપરાંત આ જિલ્લામાં હોનાવર, કુમટા, બેલેકેરી તથા તદડી બંદરો છે. જિલ્લાના અંતર્ભાગમાં સિરસી તથા હલિયાળ મોટી વસ્તીવાળાં ગામો છે.
જિલ્લામાં ચોખાની મિલો હોવા ઉપરાંત કાથીનાં દોરડાં બનાવવાનો વ્યવસાય અને કાળાં મરી તથા સોપારીની ખેતી નોંધપાત્ર પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત મીઠું, મૅંગેનીઝ, સાગનું લાકડું અને વાંસ જેવી વસ્તુઓનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થાય છે.
જિલ્લામાં પરમાણુ વીજળીમથક તથા કાગળનું કારખાનું આવેલ છે. એશિયાનું મોટામાં મોટું નૌકાદળ મથક આ જિલ્લામાં કારવાર ખાતે ઊભું કરવામાં આવી રહ્યું છે. દાંડેલી ખાતે 1949માં અભયારણ્ય ઊભું કરવામાં આવ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે