ઉત્ક્ષેપ (upheaval) : પૃથ્વીના પોપડાનો કોઈ ભાગ આજુબાજુના વિસ્તાર કરતાં ઊંચે ઊંચકાઈ આવે તેવી પ્રક્રિયા. પૃથ્વીની સપાટી ઉપર વિવિધ પ્રાકૃતિક બળોનાં વિનાશાત્મક તેમજ રચનાત્મક કાર્યો સતત ચાલ્યાં કરે છે. આ ફેરફારોને કારણે એક પ્રકારનું અસંતુલન પેદા થાય છે. આને નિવારવા માટે ઊર્ધ્વ, ક્ષિતિજ-સમાંતર કે ત્રાંસી દિશામાં ભૂસંચલનની ક્રિયાઓ થાય છે. તેને કારણે પૃથ્વીના પોપડાના ખડકો પર ઉત્ક્ષેપ, અધોગમન, ગેડીકરણ, સ્તરભંગ તેમજ નમનક્રિયાઓ ઉદભવે છે.
ઉત્ક્ષેપક્રિયાના સમર્થનમાં નીચેના પુરાવા અગત્યના છે :
(i) ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોને સામાન્ય રીતે સ્થિર માનવામાં આવે છે, પરંતુ આ વિસ્તારના દરિયાકિનારા પર વિવૃત થયેલી ખંડીય છાજલી ઉત્ક્ષેપનક્રિયાનો નિર્દેશ કરે છે.
(ii) દરિયાકિનારાથી ખંડના અંદરના ભાગમાં તેમજ ભરતીના પાણીની સપાટીથી વધુ ઊંચાઈએ મળી આવતા દરિયાઈ પ્રાણીઓના અવશેષો ઉત્ક્ષેપનો પુરાવો છે. પોરબંદર પાસે ઓયસ્ટરનાં કવચો આ કારણે મળી આવે છે.
(iii) ઇટાલીમાં નેપલ્સ પાસે આવેલું જ્યૂપિટરનું દેવળ ઉત્ક્ષેપ અને અધોગમનનું સચોટ ઉદાહરણ છે. આ દેવળના થાંભલાનો 4 મીટર જેટલો ભાગ સુંવાળો છે, જ્યારે આ પછીનો 7 મીટર જેટલો ભાગ દરિયાઈ ઘસારો પામેલો તથા દરિયાઈ પ્રાણીઓએ કોતરી ખાધેલો જણાય છે. આમ થવાનું કારણ આ દેવળવાળા વિસ્તારનું અધોગમન અને પછી થયેલ ઉત્ક્ષેપ છે. અધોગમનથી દેવળના થાંભલા ડૂબી ગયા પછી વિસુવિયસ જ્વાળામુખી ફાટવાથી ઉત્પન્ન થયેલી રાખ દરિયામાં પડતાં લગભગ 4 મીટર સુધીના થાંભલા દટાઈ ગયેલા અને તેથી તે દરિયાનાં પાણી તથા દરિયાઈ જીવોની અસરથી મુક્ત રહેલા, જ્યારે બાકીના ભાગ ઉપર આ અસર થઈ હતી. કાળાન્તરે થયેલા ઉત્ક્ષેપને કારણે આ દેવળ બહાર આવતાં દરિયાની અસરવાળા અને અસર વગરના ભાગો ખુલ્લા થયા.
(iv) 1819ના વર્ષમાં ઉત્ક્ષેપને કારણે કચ્છનો 15.5 કિમી. જેટલો વિસ્તાર આસપાસના વિસ્તારની સરખામણીમાં કેટલાક મીટર નાની ટેકરીઓ રૂપે ઊંચકાઈ આવ્યાં. આ ‘અલ્લાહબંધ’ (કુદરતી રીતે થયેલ બંધ) તરીકે ઓળખાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે