ઉત્ક્રમણીયતા (reversibility) : કોઈ પણ પ્રકારની સ્પષ્ટ (net), અસર ઉત્પન્ન કર્યા સિવાય, ઉત્ક્રમણ દ્વારા, તંત્રને તેની પ્રારંભિક સ્થિતિમાં પુન: સ્થાપિત કરવાનો, ઉષ્માગતિશાસ્ત્ર(thermody-namics)ની અમુક પ્રક્રિયાઓનો ગુણધર્મ.
યાંત્રિક તંત્ર(mechanical system)માં ઉત્ક્રમણીય પ્રક્રમનું એક વિશિષ્ટ ઉદાહરણ, ઢળતા ટેબલ ઉપર બનાવવામાં આવેલ એક ઘર્ષણરહિત (frictionless) ખાંચ(groove)માં ગબડી રહેલા દડાનું છે. ટેબલનો ઢાળ બીજી દિશામાં રાખતાં, દડાને ગબડવાની દિશાનો ઉત્ક્રમ થઈ શકે છે. દડાની ટેબલ નીચે ગબડી પડવાની વિધિ બિનઉત્ક્રમ (irreversible) છે, કારણ કે દડાને ઊંચકી લઈને, તંત્રને ફરી પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં પુન: સ્થાપિત કરવા માટે દડાને જમીનથી ઊંચકવાની ક્રિયામાં મોટો ફેરફાર આવશ્યક બને છે.
આ જ પ્રકારનું બીજું એક ઉદાહરણ ઘર્ષણરહિત લોલકનું તેના એક અંતિમ સ્થાનથી બીજા અંતિમ સ્થાન પ્રતિનું દોલન (swing) છે. વાસ્તવિક લોલકનું દોલન બિન-ઉત્ક્રમણીય છે, કારણ કે લોલકની થોડીક યાંત્રિક શક્તિ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં ખર્ચાતી હોય છે અને તે કારણે લોલકને તેના પ્રારંભિક સ્થાનમાં પુન: સ્થાપિત કરવા માટે બીજા તંત્ર દ્વારા સમતુલ્ય ઊર્જા આપવી પડે છે.
ઉષ્માગતિકી તંત્રમાં ઉત્ક્રમણીય પ્રક્રમના ઉદાહરણ તરીકે ઉષ્મારોધક (insulated) નળાકારમાં રાખેલા વાયુ ઉપર, ઘર્ષણરહિત પિસ્ટન વડે ધીમી ગતિએ કરવામાં આવતું સંકોચન (compression) છે. પિસ્ટન પરના બાહ્ય દબાણમાં અનંતસૂક્ષ્મ (infinitesimal) ઘટાડો કરવામાં આવે તો વાયુનો પ્રસાર થઈ તે પ્રારંભિક સ્થિતિ પુન: પ્રાપ્ત કરે છે. જો પિસ્ટન અને નળાકાર વચ્ચે ઘર્ષણ હોય તો પ્રક્રમ બિન-ઉત્ક્રમણીય બને છે, કારણ કે તે વખતે વાયુ પ્રસાર પામે તે પહેલાં બાહ્ય દબાણમાં બિન-અનંતસૂક્ષ્મ (non-infinitesimal) ઘટાડો કરવો જોઈએ. બિન-ઉત્ક્રમણીય પ્રકારનાં બીજાં ઉદાહરણોમાં ઊંચા દબાણે રાખેલા પાત્રમાંના વાયુની મુક્તિ (release), ગરમથી ઠંડા પદાર્થ પ્રતિનું ઉષ્માવહન, દીવાસળીનું પ્રગટાવવું અને આહારનો ઉપભોગ (food consumption) છે.
એરચ મા. બલસારા