ઉટાહ : અમેરિકાના સમવાયનું એક રાજ્ય. તેની સ્થાપના 1847માં થઈ અને 1896માં અમેરિકાના સમવાયતંત્રનું તે પિસ્તાળીસમું રાજ્ય બન્યું. તે પહેલાં આ પ્રદેશમાં ઉટે ઇન્ડિયન નામની આદિવાસી પ્રજા વસવાટ કરતી હતી. ઉટે પરથી પ્રદેશને ઉટાહ – ‘પહાડી વિસ્તારોમાં વસવાટ કરનારા’ એવું નામ આપવામાં આવ્યું છે. તે ‘ધ બીહાઇવ સ્ટેટ’ના ઉપનામથી પણ ઓળખાય છે. ખડકાળ પર્વતોના મધ્યમાં કૅનેડા અને મેક્સિકોની વચ્ચોવચ તે આવેલું છે. તેની ઉત્તરમાં ઇડાહો, ઈશાનમાં વાયોમિંગ, પૂર્વમાં કૉલોરાડો, દક્ષિણમાં એરિઝોના અને પશ્ચિમમાં નેવાડા રાજ્યો આવેલાં છે. પૂર્વથી પશ્ચિમની તેની લંબાઈ 440 કિમી. તથા ઉત્તરથી દક્ષિણની 555 કિમી. જેટલી છે. રાજ્યનો કુલ વિસ્તાર 2,19,931 ચોરસ કિમી. જેટલો છે, જેમાંથી 7,304 ચોરસ કિમી. આંતરિક જળવિસ્તાર છે. વિસ્તારની ર્દષ્ટિએ આ રાજ્યનો ક્રમ દેશમાં અગિયારમો છે. વિશાળ ભૂભાગ, ખરબચડી પાર્શ્વભૂમિ, વિસ્તૃત પઠારો (plateaus), ઉત્તુંગ પર્વતો, ફળદ્રૂપ ખીણો તથા ખારા પાણીનાં આંતરિક જલક્ષેત્રો – આ બધી આ રાજ્યની ભૌગોલિક રચનાની ખૂબીઓ છે. તેના વાયવ્યમાં આવેલા ગ્રેટ સૉલ્ટ લેક નામથી ઓળખાતા સરોવરની લંબાઈ 120 કિમી અને વધુમાં વધુ પહોળાઈ 80 કિમી. છે. તેના પાણીમાં ખારાશનું પ્રમાણ 20 ટકાથી 27 ટકા જેટલું હોવાથી અતિશય ખારાશ ધરાવતાં વિશ્વનાં જળાશયોમાં તેની ગણના થાય છે. અમેરિકાની ભૌગોલિક રચનાના મુખ્ય ત્રણે પ્રાકૃતિક વિભાગોનો સુભગ સંગમ આ રાજ્યમાં થયેલો છે; જેમાં કૉલોરાડો પઠારનો વિસ્તાર, બેસીન અને રેંજ પ્રાંત તથા મિડલ રૉકી માઉન્ટન્સનો સમાવેશ થાય છે. આબોહવાની ર્દષ્ટિએ સૂકું હવામાન ધરાવતાં રાજ્યોમાં આ રાજ્યોનો ક્રમ બીજો છે. ધી ગ્રેટ સૉલ્ટ લેક રણવિસ્તારમાં વાર્ષિક સરેરાશ વરસાદ 127 મિ.મીટર તથા વાસાચ્ (wasatch) પર્વત પ્રદેશમાં સરેરાશ 1,020 મિ.મીટર થાય છે. રાજ્યમાં વરસાદની વાર્ષિક સરેરાશ 330 મિ.મીટર છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ,

ઉટાહ

આબોહવા તથા ભૌગોલિક રૂપરેખાની ભિન્નતાને કારણે જમીનની ફળદ્રૂપતામાં પણ ભિન્નતા પ્રવર્તે છે. રાજ્યની કુલ વસ્તી 32.71 લાખ (2020) છે, તેમાં 95 ટકા શ્વેત પ્રજા છે. વસ્તીની ર્દષ્ટિએ આ રાજ્યનો ક્રમ દેશમાં છત્રીસમો છે. કુલ વસ્તીના 84 ટકા લોકો શહેરી વિસ્તારોમાં વસે છે. રાજ્યમાં વસ્તીની ગીચતા પ્રતિકિમી. 7 છે. સૉલ્ટ લેક સિટી એ ઉટાહનું પાટનગર છે.

ઉટાહનું અર્થતંત્ર ઘણા લાંબા સમય સુધી કૃષિ પર આધારિત હતું. પરંતુ પ્રથમ તથા બીજા વિશ્વયુદ્ધને કારણે ઔદ્યોગિક તથા અન્ય ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન મળ્યું. હાલ પણ ત્યાં કૃષિપેદાશોમાં ઘણી વિવિધતા પ્રવર્તે છે. ઢોરઉછેર ઠીક પ્રમાણમાં થાય છે. ખેતી હેઠળની કુલ જમીનની 60 ટકા જમીન સિંચાઈ હેઠળ છે. અહીં જવ, ઘઉં, ઓટ, મકાઈ અને બટાટાની ખેતી થાય છે. પશુપાલનનો વ્યવસાય પણ ધ્યાન ખેંચે તેવો છે. કૃષિની સરેરાશ વાર્ષિક ઊપજ 1,00,000 ડૉલર જેટલા મૂલ્યની છે. બીજા વિશ્વયુદ્ધ પછી કૃષિક્ષેત્રે યંત્રીકરણ ઝડપથી વધ્યું છે. તેને લીધે ખેતીની ઉત્પાદકતામાં વધારો થયો છે. રાજ્યના કુલ શ્રમદળના 15 ટકા શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાયેલા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાજ્યમાં જિનીવા સ્ટીલ પ્લાન્ટની શરૂઆત થઈ, ઓગડેન ખાતે હવાઈ દળનું મથક ઊભું થયું તથા સંરક્ષણને લગતા અન્ય ઉદ્યોગોનો વિકાસ થયો. ઉપરાંત ખનિજ તેલ, પ્રાકૃતિક વાયુ તથા અન્ય ખનિજ પદાર્થોના મબલખ ભંડાર પ્રાપ્ત થતાં ઔદ્યોગિક વૃદ્ધિના દરમાં વધારો થયો. ઉટાહમાં સમૃદ્ધ ખનિજભંડારો હોવાથી તે ‘ટ્રેઝર હાઉસ ઑવ્ ધ નેશન’ તરીકે ઓળખાય છે. વ્યાપારી ધોરણે ઉપયોગમાં લઈ શકાય તેવાં 200 જેટલાં ખનિજો ત્યાં ઉપલબ્ધ થાય છે; જેમાં સોનું, ચાંદી, તાંબું, સીસું, જસત, કોલસા, તેલ, વાયુ, ફૉસ્ફેટ, નાઇટ્રેટ, પોટાશ, ડામરના ખડક, સિંધાલૂણ, મીઠું વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યમાં વીજળીનાં ઉપકરણો, યંત્રો, વાહનવ્યવહારનાં સાધનો, ખાદ્ય પદાર્થોનું પ્રક્રમણ, કોલસા તથા ખનિજ તેલની બનાવટો અને લાકડાની, માટીની, કાચની તથા પથ્થરની બનાવટોનું ઉત્પાદન કરી શકે તેવાં મોટાં તથા નાના કદનાં ઉત્પાદનએકમો વિકસ્યાં છે. જળવિદ્યુતશક્તિના વિકાસને કારણે રાજ્યમાં ઉદ્યોગીકરણ તથા શહેરીકરણને ઉત્તેજન મળ્યું છે.

પ્રવાસીઓના આકર્ષણ-સમું ઉટાહનું એક પ્રાકૃતિક સૌંદર્ય-મઢ્યું યાત્રાધામ

રાજ્યમાં શાસનના સીધા ટેકાથી ચાલતી ઉચ્ચ શિક્ષણની 7 સંસ્થાઓ છે, જેમાં યુનિવર્સિટી ઑવ્ ઉટાહ તથા ઉટાહ સ્ટેટ યુનિવર્સિટી ઉલ્લેખનીય છે. તે ઉપરાંત બ્રિધામ યંગ યુનિવર્સિટી અને વેસ્ટમિન્સ્ટર કૉલેજ જેવી ઉચ્ચ શિક્ષણની ખાનગી સંસ્થાઓ પણ છે.

1869માં રાજ્યમાં રેલમાર્ગની શરૂઆત થઈ. આજે ત્યાં 2,500 કિમી. જેટલો રેલમાર્ગ તથા 65,000 કિમી. જેટલા પાકા રસ્તા છે.

અમેરિકામાં ઉટાહ એવું રાજ્ય છે, જ્યાં જન્મદર ઊંચો (હજારે 30.1) તથા મૃત્યુદર નીચો (હજારે 6.0) છે. બાળમૃત્યુનું પ્રમાણ ત્યાં સૌથી ઓછું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સ્વપ્નિલા ભટનાગર