ઉગ્ર વળાંક (syntaxis) : પર્વતમાળાઓનું કોઈ એક સ્થળે કેન્દ્રીકરણ થવું તે. કોઈ એક ઉપસ્થિતિવાળી પર્વતમાળા એકાએક વળાંક લઈ અન્ય ઉપસ્થિતિનું વલણ ધરાવે એવા લઘુકોણીય રચનાત્મક વળાંકને ઉગ્ર વળાંક કહી શકાય. હિમાલયમાં આ પ્રકારના ઉગ્ર વળાંક તેના વાયવ્ય અને ઈશાનમાં વિશિષ્ટપણે તૈયાર થયેલા જોવા મળે છે.
હિમાલય ગિરિમાળાની ઉપસ્થિતિ (trend-line) સામાન્યપણે વાયવ્યથી અગ્નિ-ઈશાનતરફી ગણી શકાય. તેના પૂર્વ-પશ્ચિમ બાજુના છેડા રચનાની ર્દષ્ટિએ અત્યંત રસપ્રદ છે અને અર્થઘટનની વિચારણા માગી લે છે. આસામથી કાશ્મીર સુધીના 2,500 કિલોમીટરના વિસ્તારમાં આ હારમાળા એકધારી અગ્નિ-વાયવ્યમાં ઉપસ્થિત છે, ત્યાંથી તેના અક્ષ(axis)ના એક મહત્વના શિખર નંગા પર્વત (8,119 મીટર) આગળ એકાએક અટકી જતી જણાય છે. આ સ્થળે સિંધુ નદીએ ખૂબ ઊંડી ખીણ કોતરી કાઢેલી છે. ભૂસ્તરીય અન્વેષણો દ્વારા જાણી શકાયું છે કે આ સ્થળે પર્વતોની સ્તરનિર્દેશક રેખા (strike) દક્ષિણતરફી ઉગ્ર વળાંક લઈ, ચિત્રાલમાં થઈ વાયવ્યમાં જવાને બદલે નૈર્ઋત્યમાં ચિલાસ અને હઝારામાંથી પસાર થાય છે. આ જ સ્થળે તમામ ભૂસ્તરીય રચનાઓ પણ ઉગ્ર વળાંક લે છે, જાણે કે તેમને અવરોધતા કોઈ કેન્દ્રકીલક અક્ષ(pivot)ની આજુબાજુ તે વળેલી ન હોય ! જેલમની તળેટી-ટેકરીઓથી માંડીને પામીર સુધીની આખીયે પહોળાઈમાં આ અસાધારણ રચનાત્મક વળાંકની અસર થયેલી છે. આ ઉગ્ર વળાંક(પર્વત-ગેડોના આ અતિ ઉગ્ર વળાંકવાળા સમૂહ)ની પશ્ચિમે હિમાલયની સ્તરનિર્દેશક રેખા હઝારામાં ઈશાનમાંથી ઉત્તર-દક્ષિણ દિશામાં બદલાઈ જાય છે, અને તે પ્રમાણે ગિલગિટ સુધી ચાલુ રહે છે, ત્યારપછી તે પૂર્વથી પશ્ચિમ તરફનો વળાંક લે છે અને પામીરના પર્વતો તેમની ભૂસ્તરીય રચનાઓનું સ્પષ્ટ મધ્યવર્તી સ્થાન દર્શાવે છે. અહીંથી અગ્નિમાં અસ્તોર અને દેવસાઈમાં થઈને મુખ્ય ગિરિજન્ય સ્તરનિર્દેશક રેખા એકાએક વાયવ્ય-અગ્નિ તરફની બને છે, જોકે આ સ્તરનિર્દેશક રેખા ચાલુ રહેવા છતાં પણ પશ્ચિમ આસામમાં તેમાં અપવાદ જોવા મળે છે.
આસામ-હિમાલયનાં ભૌગોલિક-ભૂસ્તરીય અવલોકનો પરથી જાણવા મળે છે કે અહીં પણ ગિરિજન્ય સ્તરનિર્દેશક રેખા પૂર્વમાંથી દક્ષિણ તરફનો ઉગ્ર ઢીંચણવળાંક (knee-bend) લે છે. આરાકાનયોમામાં પર્વતોનો ભૂસ્તરીય અક્ષ સેંકડો કિલોમીટર સુધી ઉત્તર-દક્ષિણ રહે છે. ફૉર્ટ હર્ટ્ઝ આગળ ઈશાન તરફનો ઉગ્ર વળાંક લઈને પછીથી એકાએક વાયવ્યમાં જઈ પૂર્વ-ઈશાનથી પશ્ચિમ-નૈર્ઋત્ય તરફ અને છેવટે આસામ તેમજ સિક્કિમમાં પૂર્વ-પશ્ચિમ બની જાય છે.
ઉપર દર્શાવેલા હિમાલયની ઉપસ્થિતિમાંના ઉગ્ર વળાંકો, ગિરિનિર્માણક્રિયામાં અને ભૂસંનતિઓ (geosyncline) જેવા નબળા વિભાગો સામે પૃથ્વીના જૂના અવિચલિત ખંડભાગોની પ્રક્રિયાના અભ્યાસની ર્દષ્ટિએ રસપ્રદ છે. આ લક્ષણ ટેથીઝ મહાસાગરમાંથી હિમાલય પર્વતરચના ઊંચકાઈ આવી કે તરત જ, પૃથ્વીના પોપડાના ર્દઢ વિભાગ જેવા દ્વીપકલ્પીય ભારતના જિહવાકાર ભાગ સાથે દબાઈ અને તેથી ઉગ્ર વળાંકો આકાર પામ્યા હોવાનું મનાય છે. આ અવરોધને કારણે ઉત્તર તરફથી આવતાં દાબનાં બળો – એક ઈશાન તરફથી અને બીજું વાયવ્ય તરફથી – દ્વીપકલ્પીય અવિચલિત ખંડની આ ત્રિકોણાકાર બાજુઓ સામે બે વિભાગમાં વહેંચાઈ ગયાં.
આસામના ઉચ્ચસપાટ પ્રદેશના ગ્રૅનાઇટ જથ્થાના કીલક તરીકેના કાર્યને કારણે અવરોધ થવાથી બ્રહ્મપુત્ર કોતરની પેલી પાર આસામ હિમાલયના અનુમાનિત ઉગ્ર વળાંકની ઉત્પત્તિ થયેલી છે.
આ જ પ્રમાણે પામીરની દક્ષિણે પંજાબની ફાચર આવેલી છે અને તે કીલકને કારણે હિમાલય તેમજ હિંદુકુશ-કારાકોરમ ઉગ્ર વળાંકો આકાર પામ્યા છે.
દખ્ખણના અવિચલિત ખંડની સન્મુખ અસ્તિત્વમાં આવેલા નવા પર્વતોની પરિવર્તનશીલ ગેડોને કારણે હિમાલય પર્વતમાળામાં ઉત્પન્ન થયેલા ઢીંચણ-આકાર વળાંક એક ખૂબ જ રસપ્રદ અભ્યાસનો વિષય બને છે. હિમાલયની મુખ્ય અક્ષના સુલેમાન પર્વતના બે ફાંટાની આજુબાજુ આવેલો પર્વતગેડોનો ઉગ્ર વળાંક બલુચિસ્તાનમાં ક્વેટા નજીક પણ જોવા મળે છે. તે પશ્ચિમે આવેલી ઈરાનની પર્વતમાળા સાથે જોડાઈ જાય છે.
આ બાબતોને ધ્યાનમાં લેતાં એક અર્થઘટન સ્પષ્ટ બની જાય છે કે સિંધુ ઉપરની, બ્રહ્મપુત્રના કોતરથી નંગા પર્વત સુધીની, ઉચ્ચ હિમાલય હારમાળા હિમાલયનો પ્રથમ અક્ષ દર્શાવે છે અને તે ટેથીઝ ભૂસંનતિના તળનાં મૂળ ઊર્ધ્વ વળાંકની અક્ષ છે. દખ્ખણના ગોંડવાના અવિચલિત ખંડની ઉત્તર કિનારી અને તેના ધસી આવતા ખૂણા તેમજ ભૂશિરોના અવરોધને કારણે બંને છેડાઓ પર તે અક્ષ દક્ષિણાભિમુખી ઉગ્ર આવર્તન(deflection)વાળી બનેલી છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા