ઉક્થ-ઉક્થ્ય

January, 2004

ઉક્થ-ઉક્થ્ય : વૈદિક મંત્રસાધ્ય સ્તુતિનો એક પ્રકાર. સંગીતના સપ્ત સ્વરો વડે સાધ્ય મંત્રસ્તુતિ તે સ્તોમ કે સામ કહેવાય અને અપ્રગીત એટલે કે માત્ર સંહિતાપાઠની પદ્ધતિએ પઠિત મંત્રસ્તુતિ તે શસ્ત્ર કે ઉક્થ કહેવાય. સોમયાગોમાં સ્તોમ અને શસ્ત્ર એમ બન્ને પાઠ થાય છે. વચ્ ધાતુને ઉણાદિ યક્ પ્રત્યય લાગી ધાતુના વકારનું સંપ્રસારણ થઈ ‘ઉક્થ’ શબ્દ બન્યો છે. તેનો યૌગિક અર્થ ‘જે બોલાય છે તે’ એમ છે અને વિશિષ્ટ અર્થ અપ્રગીત મંત્રસાધ્ય સ્તુતિરૂપ શસ્ત્ર એવો થાય છે. ઉક્થ મોટેભાગે ઋગ્વેદીય મંત્રોનું હોય છે. ક્વચિત્ યજુર્મંત્રોનું પણ હોય. પણ સામ કે સ્તોમ તો ઋઙ્-મંત્રો પર જ થાય. શસ્ત્રપાઠ ઋગ્વેદના ઋત્વિજો – હોતા, મૈત્રાવરુણ, અચ્છાવાક્ અને ગ્રાવસ્તુત્ – કરે છે. ઉક્થપાઠમાં પ્રથમ હોતા ‘શંસાવ ૐ’ – આપણે બે શસ્ત્ર – ઉક્થ ભણીએ એમ આહાવ-મંત્રપાઠનું આવાહન કરે. પ્રત્યુત્તરમાં યજુર્વેદીય ઋત્વિજ અધ્વર્યુ તેને ‘ૐ શંસ’ એમ કહી પ્રતિગર એટલે કે અનુજ્ઞાવચન કહે. ત્યારપછી તૂષ્ણીં જપ કરીને પછી શસ્ત્રપાઠ થાય. અંતે અધ્વર્યુ ૐકાર ભણે. આ રીતે શસ્ત્ર કે ઉક્થનો પાઠ થાય આજ્યશસ્ત્ર, પ્રઉગશસ્ત્ર વગેરેમાં સ્તોત્રિય, ઉક્થમુખ આદિ વિભાગો હોય છે. ઉક્થમુખ એ ઉક્થ કે શસ્ત્રનો પ્રધાન વિભાગ છે.

અગ્નિષ્ટોમ સોમયાગમાં બાર સ્તોત્ર કે સ્તોમ ગવાય છે અને બાર શસ્ત્રોનો પાઠ થાય છે. સોમયાગનાં ત્રણેય સવનોમાંથી પ્રાત: સવનમાં હોતા ઋત્વિજ પ્રઉગનો પાઠ કરે અને મૈત્રાવરુણ, બ્રાહ્મણાચ્છંસી અને અચ્છાવાક્ એ સ્તોત્રકો આજ્યશસ્ત્ર ભણે. મધ્યાહ્ન સવનમાં હોતા મરુત્વતીય અને નિષ્કેવલ્ય શસ્ત્ર ભણે અને ત્રણ હોત્રકો ત્રણ વખત નિષ્કેવલ્ય ભણે. છેલ્લા સાયંસવનમાં હોતા વૈશ્વદેવ અને આગ્નિમારુત શસ્ત્રો ભણે અને અંતે ‘વષટ્’મંત્ર ભણે ત્યારે અધ્વર્યુ સોમની આહુતિ આપે.

ઉક્થ એટલે સામગાનનો એક અવયવ. તેનો પાઠ ઉદગાતા કરે. ઉક્થ કે ઉક્થ્ય નામનું એક સામ પણ છે. ઉક્થ્ય સામગાનથી જેની સમાપ્તિ થાય તે સોમયાગ પણ ઉક્થ્ય કહેવાય. અગ્નિષ્ટોમ સોમયાગમાં 12 સ્તોમ કે સામનું ગાન થાય અને 12 શસ્ત્ર કે ઉક્થોનો પાઠ થાય. ઉક્થ્ય સોમયાગમાં 3 સામ અને 3 શસ્ત્રો વધારે ભણાય. ઉક્થ્ય ગાનથી પરિસમાપ્ત થતો હોવાથી તે સોમયાગ ઉક્થ્ય કહેવાય છે.

નટવરલાલ યાજ્ઞિક