ઈસ્થર : યહૂદી ધર્મમાં પવિત્ર લખાણો (sacred writings) તરીકે સ્વીકૃતિ પામેલા ગ્રંથોમાંનો એક. તે જૂના કરાર(Old Testament)નો ભાગ ગણાય છે. બાઇબલ દ્વારા માન્ય ગ્રંથોના ત્રીજા ખંડ(section)માં તે સ્વીકૃતિ પામેલો છે. યહૂદી પ્રજાનું સદંતર નિર્મૂલન કરવા માટે પર્શિયન સમ્રાટ અહાસેરસના આદેશથી તેના વજીર હમાન દ્વારા ઘડી કાઢવામાં આવેલ સુયોજિત કાવતરા તથા તેમાંથી સર્જાયેલા આતંક અને જુલમમાંથી સમ્રાજ્ઞી ઈસ્થર તથા તેના પિતરાઈ ભાઈ અને પાલક પિતા મોડેકાઈની સમયોચિત સૂઝ તથા પગલાંને પરિણામે યહૂદી પ્રજાને સાંપડેલી મુક્તિની કથા આ ગ્રંથમાં અંકિત થયેલી છે. અલબત્ત, તેમાંનાં તરંગી વર્ણનો હકીકતો કરતાં કિંવદંતી કે દંતકથાની વધુ નજીક છે. પર્શિયન સામ્રાજ્ય દ્વારા આચરવામાં આવતા આતંક અને  જુલમ સામે યહૂદી પ્રજાએ પોતાનું ખમીર કેવી રીતે ટકાવી રાખ્યું તે સાબિત કરવા માટે તથા પૅલેસ્ટાઇનમાં તેમની મુક્તિનો મહોત્સવ ઊજવાતો રહે તે હેતુથી આ ગ્રંથનું સર્જન થયું હતું. તે મુક્તિ-મહોત્સવ (Festival of Purim) તરીકે ઓળખાય છે. આ ઉજવણી પ્રસંગે યહૂદી પ્રજા આ ગ્રંથનું ભક્તિભાવથી વાચન કરે છે.

એક મત મુજબ તેનો સર્જનકાળ ઈ. પૂ. ચોથી સદીનો છે. આ ગ્રંથ તથા તેમાં કરવામાં આવેલાં વર્ણનોની ઐતિહાસિક પ્રમાણભૂતતા અંગે વિવાદ છે. યહૂદીઓના ધર્મગ્રંથોમાં આ ગ્રંથને સ્થાન આપવા અંગે શરૂઆતમાં તીવ્ર વિરોધ જાગ્યો હતો; તેનાં બે મુખ્ય કારણો હતાં : (i) ગ્રંથમાં કોઈ પણ સ્થળે ઈશ્વરનો ઉલ્લેખ નથી. તે ધર્મનિરપેક્ષ છે. (ii) મોઝીઝે ઘડેલી સંહિતા(Laws of Moses)માં ન ઉમેરાયેલા એક વધારાના ઉત્સવની ઉજવણીને આ ગ્રંથે પ્રસ્થાપિત કરેલી છે. વિરોધ છતાં ખ્રિસ્તી સંવતની બીજી સદીમાં ધર્મગ્રંથોની માન્ય શ્રેણીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા કરાર(New Testament)માં આ ગ્રંથનો ઉલ્લેખ નથી. આ ગ્રંથ પર 3-4 વિવેચનગ્રંથો પ્રકાશિત થયા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે