ઈસેસીસ : કોઈ પણ નવા પર્યાવરણમાં વનસ્પતિ કે પ્રાણીના સફળ પ્રસ્થાપનની પ્રક્રિયા. આ પ્રસ્થાપન મુખ્યત્વે ત્રણ પરિબળો પર આધારિત હોય છે. નવા આવાસની યુક્તતા, પ્રસરતાં સજીવોની યુક્તતા અને આ બે પરિબળોનું પરસ્પર સામીપ્ય. કેટલાં સજીવો નવા પર્યાવરણમાં પ્રવેશે છે, તેના પર જે તે સજીવના પ્રસ્થાપનની સફળતાનો આધાર હોય છે. પિતૃસ્થાનથી જેટલું નજીક હોય તેટલા પ્રમાણમાં પ્રસ્થાપનની શક્યતા વધે છે. નવા વિસ્તારમાં આ પ્રવેશ આકસ્મિક પણ હોય. નવા પર્યાવરણમાં વનસ્પતિનું પ્રસ્થાપન થાય તે પહેલાં ત્યાં બીજાણુ, બીજ કે ફળનું અંકુરણ થાય તે અગત્યનું છે. આ પ્રાંકુરને અનુકૂળ પરિબળો મળી રહે તો તે પુખ્ત છોડરૂપે વૃદ્ધિ પામે છે. પુખ્ત છોડના સફળ પ્રજનન દ્વારા જનીનિક સંપત્તિ (germ wealth) વધે. નવીન જાતિઓની ઉત્પત્તિ અને વૃદ્ધિ થતાં પ્રસ્થાપનની પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગણાય. તે જ પ્રમાણે પ્રાણીસૃષ્ટિના સભ્યો પણ નવા પર્યાવરણમાં વિકાસ સાધીને વૃદ્ધિ પામે અને પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ કરે તે પ્રસ્થાપન માટે અગત્યનું છે. આ નવી સંતતિ પણ યોગ્ય રીતે વિકાસ પામીને વંશવેલો વધારે તો ત્યાં આ જાતિનું સફળ પ્રસ્થાપન થયું એમ કહી શકાય. વખત જતાં આ પર્યાવરણમાં સજીવોની સંખ્યા ઘણી વધે તો પ્રસ્થાપન અંગે આંતરસંઘર્ષ ઉદભવે.
નરેન્દ્ર ઈ. દાણી