ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર સ્પેન્સરનો પ્રભાવ વર્તાય છે. કૃતિ સ્પેન્સેરિયન સ્ટાન્ઝામાં એટલે કે 9 પંક્તિઓના શ્લોકોમાં આબદ્ધ થયેલી છે. કીટ્સે અહીં પ્રચલિત માન્યતા ખપમાં લીધી છે – જે કન્યા સેન્ટ ઍગ્નિસના પર્વદિનની પૂર્વસંધ્યાએ અન્ન લીધા વગર પ્રભુપ્રાર્થનામાં સમય વ્યતીત કરે તે સ્વપ્નમાં ઇચ્છિત પતિ કે પ્રેમીનો સમાગમ પામી શકે છે.
મૅડલીન પોતાના શયનકક્ષમાં પ્રાર્થનારત છે ત્યારે પેઢીઓથી ઘરની દુશ્મની ધરાવતા કુટુંબનો પુત્ર, તેનો પ્રેમી પૉર્ફીરો ચુપકીદીથી કિલ્લામાં પ્રવેશી વૃદ્ધ ઍન્જેલાની સહાયથી મૅડલીનના શયનકક્ષમાં છુપાઈને જુએ છે. પ્રાર્થના પૂરી થયા પછી મૅડલીન શય્યામાં પોઢે છે. પૉર્ફીરોના સૂરીલા સંગીતથી મૅડલીન જાગે છે અને પોતાના પ્રેમી પૉર્ફીરો સાથે આનંદક્રીડામાં મગ્ન બને છે. કિલ્લામાં અન્યત્ર ઉત્સવરત સરદારોની નજર ચૂકવીને, અંધારઘેરી ઠંડી રાત્રીમાં જાગેલા પ્રકૃતિના તોફાનમાં બંને પ્રેમીઓ નિર્વિઘ્ને ભાગી છૂટે છે. આ દીર્ઘ કથાકાવ્યમાં વાતાવરણનું સૌંદર્ય અનન્ય છે. ઇન્દ્રિયગમ્ય પ્રતિરૂપો દ્વારા કીટ્સે કાવ્યસૌંદર્યને નિ:શેષ વ્યક્ત કર્યું છે.
નલિન રાવળ