ઈરાનનો અખાત (Persian gulf) : ઈરાન અને અરબી દ્વીપકલ્પ વચ્ચેનો જમીનથી ઘેરાયેલો જળપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 24o.00´ થી 30o.00´ ઉ. અ. અને 48o.00´ થી 56o.00´ પૂ. રે. તે અરબી અખાત તરીકે પણ ઓળખાય છે. અરબી ભાષામાં તેને ‘બહર ફારિસ’ કહે છે. તેની ઉત્તરના અંતિમ છેડા પર ઇરાક છે. હોરમુઝની સાંકડી સામુદ્રધુની મારફત તે અમાનના અખાત તથા હિંદી મહાસાગરમાં ભળી જાય છે. અરબી દ્વીપકલ્પ તથા દક્ષિણ-પશ્ચિમ ઈરાનને સાંકળી લેતો તેનો કુલ વિસ્તાર આશરે 2,39,000 કિમી. છે. ટાઇગ્રિસ તથા યુફ્રેટીસ નદીઓના સંગમથી બનેલી નદી શત-અલ્-અરબ(Shatt al-Arab)ના મુખથી દક્ષિણ-પૂર્વ તરફની હોરમુઝ ખાડી અને અમાનના અખાત સુધીની તેની લંબાઈ આશરે 990 કિમી. તથા પહોળાઈ આશરે 56થી 318 કિમી. છે.
ઈરાનના અખાતમાં આવેલા ટાપુઓમાં બહેરિન સૌથી મોટો ટાપુ છે. અખાતના ઉત્તર-પૂર્વમાં ઈરાન, દક્ષિણમાં સંયુક્ત અરબ અમીરાત (U.A.E.) અને અમાન, પશ્ચિમમાં સાઉદી અરેબિયા અને કતાર તથા ઉત્તર-પશ્ચિમમાં કુવૈત અને ઇરાક છે. મોટા ભાગના વિસ્તારમાં છીછરું પાણી ધરાવતા આ અખાતમાં પાણીની વધુમાં વધુ ઊંડાઈ 90 મીટર છે. અખાત માટે તાજા અને મીઠા પાણીના સ્રોત ટાઇગ્રિસ, યુફ્રેટીસ અને કરન નદીઓ છે. દક્ષિણ-પશ્ચિમ દિશાના પ્રદેશમાં મીઠા પાણીના સ્રોત ન હોવાથી તથા પાણીનું તાપમાન ઊંચું હોવાથી મીઠા પાણીના પ્રવાહમાંથી અખાતને મળતા કુલ પાણીપુરવઠા કરતાં બાષ્પીભવન વધારે થાય છે અને તેને લીધે પાણીમાં ખારાશ રહે છે.
અખાતનાં મુખ્ય બંદરોમાં ઈરાનના આબાદાન, બંદર-એ-શાહપુર અને બશાઈર, સાઉદી અરેબિયાના રાસતનુરા અને ડમ્મમ, બહેરિનનું મનામા, કતારનું દોહા, સંયુક્ત અરબ અમીરાતનાં દુબઈ અને શારજાહ તથા કુવૈત ઉલ્લેખનીય છે.
વરસાદ ખૂબ જ અલ્પ હોવાથી અખાતના કાંઠાના વિસ્તારમાં કૃષિવિકાસનું પ્રમાણ તદ્દન ઓછું છે. માછલીઓની 500 જેટલી જાત ઉપલબ્ધ હોવાથી ત્યાં વ્યાપારી ધોરણે મત્સ્ય-ઉદ્યોગોનો આરંભ થયો છે. ભૂતકાળમાં મોતીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થતું હતું, પણ તે હવે ઘટી ગયું છે. ખનિજતેલની પેદાશ ઈરાનના અખાતનો સૌથી મહત્વનો ઉદ્યોગ છે. અહીં દુનિયાના ખનિજતેલના કુલ ઉત્પાદનનું 1/3 જેટલું ઉત્પાદન થાય છે તેમજ દુનિયાના કુલ ભંડારનો 2/3 જેટલો ભંડાર કેન્દ્રિત થયેલો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે