ઈડર ગ્રૅનાઇટ (Idar Granite) : ગુજરાત રાજ્યની ઈશાન સરહદે આવેલા સાબરકાંઠા જિલ્લાના ઈડરની આજુબાજુના કેટલાયે ચોરસ કિલોમીટરમાં પથરાયેલી ટેકરીઓ ‘ગ્રૅનાઇટ’ નામના અંત:કૃત પ્રકારના અગ્નિકૃત ખડકની બનેલી છે. ઈડરમાં અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં સર્વસામાન્યપણે આ જ પ્રકારનો ખડક મળી આવતો હોવાથી ‘ઈડર ગ્રૅનાઇટ’ એવું નામ તેને આપવામાં આવેલું છે. ઈડર ગ્રૅનાઇટ પણ એરિનપુરા ગ્રૅનાઇટની માફક અજબગઢ શ્રેણીના કૅલ્કનાઇસ ખડકોમાં અંતર્ભેદક તરીકે મળી આવે છે, તેથી ઈડર ગ્રૅનાઇટ એ એરિનપુરા ગ્રૅનાઇટનો ગુજરાતમાં વિવૃત થયેલો એક ભાગ છે.
ઈડરની ટેકરીઓમાં ગ્રૅનાઇટની સાથે સાથે તેના જેવા ખનિજ-બંધારણવાળા માઇક્રોગ્રૅનાઇટ, ગ્રૅનોફાયર અને પેગ્મેટાઇટ ખડકો પણ મળે છે. ઈડર ગ્રૅનાઇટ આછા સફેદ, આછા ગુલાબી, શ્યામ ગુલાબી જેવી વિવિધ રંગછાયામાં જોવા મળે છે. ઈડરમાં જુદા જુદા સ્થળે ખડકોમાં જોવા મળતા આ રંગો તેના બંધારણમાં રહેલા ફેલ્સ્પારના રંગ ઉપર મુખ્યત્વે આધાર રાખે છે. ઈડર ગ્રૅનાઇટના બંધારણમાં રહેલું અન્ય આવશ્યક ખનિજ ક્વાર્ટ્ઝ છે. તે ઉપરાંત તેમાં બાયૉટાઇટ અને ક્વચિત્ એલેનાઇટ તેમજ ફ્લોરાઇટ જેવાં અનુષંગી ખનિજો પણ રહેલાં હોય છે. અહીંના ગ્રૅનાઇટમાં રહેલી બીજી વિશિષ્ટતા તેમાં જોવા મળતી ખનિજ-કણકદની વિવિધતા છે, જેના કારણે તે સૂક્ષ્મ દાણાદાર, મધ્યમ દાણાદાર, ગુરુસ્ફટિક દાણાદાર તેમજ પૉર્ફિરિટિક પ્રકારોમાં મળી રહે છે. વળી આ ખડકના વિવૃત ભાગોમાં મ્યુરલ સાંધા, પટસાંધા, પડખવાણ તેમજ પવન, પાણી અને ગરમી જેવાં પ્રાકૃતિક પરિબળોથી થતા ઘસારા અને ખવાણજન્ય ચિત્રવિચિત્ર આકાર-સ્વરૂપો જોવા મળે છે. ઈડર ગ્રૅનાઇટને ભેદતી કેટલીક પેગ્મેટાઇટ શિરાઓમાં મોટા કદના ક્વાર્ટ્ઝ-સ્ફટિકો (20 સેમી. x 5.6 સેમી.) અને ઍમેઝોન સ્ટોન (8.7 સેમી. x 6.2 સેમી.) ખનિજસ્વરૂપે જોવા મળે છે.
વયની ર્દષ્ટિએ ઈડર ગ્રૅનાઇટને ‘જાલોર સિવાના ગ્રૅનાઇટ’ના સમકક્ષ કે થોડાક નવા વયના માનવામાં આવે છે, પરંતુ ઈડર ગ્રૅનાઇટના ક્ષેત્રીય સંબંધો પરથી તેમને એરિનપુરા ગ્રૅનાઇટના ગુજરાતના કેટલાક વિસ્તારોના વિવૃત ભાગો તરીકે ગણાવી શકાય.
વ્રિજવિહારી દીનાનાથ દવે