ઈક્લોગાઇટ (Eclogite) : આલ્મેન્ડાઇન પાયરોપ પ્રકારના ગાર્નેટ અને ઘાસ જેવા તેજસ્વી લીલા ઑમ્ફેસાઇટ પ્રકારના પાયરૉક્સિન ખનિજ-ઘટકોના આવશ્યક બંધારણવાળો મોટા કણકદનો દાણાદાર વિકૃત ખડક. અનુષંગી ખનિજ-ઘટકો પૈકી ઍમ્ફિબોલ, સ્ફીન, ઝોઇસાઇટ, રુટાઇલ, એપેટાઇટ અને મૅગ્નેટાઇટનું ગૌણ પ્રમાણ હોઈ શકે છે. આ ઉપરાંત ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, બ્રૉન્ઝાઇટ, કાયનાઇટ, સિલિમેનાઇટ અને ઑલિવિન પૈકીનાં કેટલાંક ખનિજો વિશિષ્ટપણે મળી આવતાં ઈક્લોગાઇટમાં જોવા મળે છે. ક્યારેક હૉર્નબ્લેન્ડ ખનિજ, પાયરૉક્સિનનું એટલી હદ સુધી વિસ્થાપન કરી મૂકે છે કે ઈક્લોગાઇટનું ગાર્નેટ-ઍમ્ફિબોલાઇટમાં રૂપાંતર થઈ જાય છે. વિકૃતિજન્ય ખનિજ-ઘટકોથી બનેલું મોટા કણકદવાળું દાણાદાર માળખું (coarse grained granulose fabric) તેમજ વધુ ઘનતા (3.5-4.2 ગ્રામ/ઘન સેમી.) એ ઈક્લોગાઇટની આગવી પરખ-લાક્ષણિકતા ગણાય છે.
ઉત્પત્તિ અને પ્રાપ્તિસ્થિતિ : સામાન્યત: ગાર્નેટ-ઍમ્ફિબોલાઇટ સહિતના ઈક્લોગાઇટ ખડકો આર્કિયન રચનાઓમાં જોવા મળે છે. પ્રાપ્તિસ્થિતિના સંદર્ભમાં જોતાં આ પ્રકારના ખડકો જૂજ પ્રમાણમાં મળી આવે છે. વળી તેમની ઉત્પત્તિ ખડકવિદ્યાની ર્દષ્ટિએ રસપ્રદ સમસ્યા ગણાય છે. આ માટે ભિન્ન ભિન્ન મત સૂચવાયેલા છે : કેટલાક આ ખડકોને વિકૃતિ પામેલા જળકૃત તો કેટલાક વિકૃતિ પામેલા અગ્નિકૃત ખડકો તરીકે તો વળી અન્ય કેટલાક તેમને અત્યંત ઊંચા જલદાબના સંજોગોની અસર હેઠળ મૅગ્મામાંથી બનેલા શુદ્ધ અગ્નિકૃત ખડકો તરીકે પણ ઘટાવે છે; પરંતુ તેમની પ્રાપ્તિસ્થિતિ અને રાસાયણિક બંધારણ ગૅબ્રો કે ડૉલેરાઇટ જેવા બેઝિક અગ્નિકૃત ખડકોના જેવાં હોવાનું સૂચવી જાય છે કે ઊંચા તાપમાન અને ઉગ્ર દબાણ(સંભવત: ઉગ્ર જલદાબ)ના સંજોગો હેઠળ બેઝિક મૅગ્માનું સીધેસીધું સ્ફટિકીકરણ થવાને કારણે ઈક્લોગાઇટ કદાચ પ્રાથમિક અગ્નિકૃત ઉત્પત્તિજન્ય પણ હોઈ શકે, અથવા બેઝિક અગ્નિકૃત ખડકોના પુન:સ્ફટિકીકરણથી પથાંતરણ થઈ ઈક્લોગાઇટ પ્રકારમાં ફેરવાયા હોય. આ પ્રકારની ઉત્પત્તિ દર્શાવતા ઈક્લોગાઇટ ખડકો નૉર્વેમાં વીક્ષાકાર (lenticular) જથ્થા સ્વરૂપે મળી આવે છે. સમદાબઉષ્ણતા વિકૃતિ(plutonic metamorphism)ના સંજોગો હેઠળ સોડા-લાઇમ પ્લેજિયોક્લેઝ અસ્થાયી બની જાય છે. ઍનૉર્થાઇટ મૂળભૂત ઑગાઇટ કે ઑલિવિન સાથે પ્રક્રિયા કરે છે; તેમાંથી ગાર્નેટ બને છે. આલ્બાઇટ પાયરૉક્સિન સાથે પ્રક્રિયા કરે છે તેમાંથી ઑમ્ફેસાઇટ બને છે (આલ્પ્સના ઈક્લોગાઇટમાં તો જેડાઇટ પણ જોવા મળે છે). આ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી પણ જો ઍલ્યુમિના વધ્યું હોય તો તે સિલિકા સાથે જોડાઈને કાયનાઇટ કે સિલિમેનાઇટ બનાવે છે. દક્ષિણ આફ્રિકાની હીરાયુક્ત નળીઓના કિમ્બરલાઇટ(અબરખ-પેરિડોટાઇટ)માં ઈક્લોગાઇટ જેવા ખડક-ગઠ્ઠા જડાયેલા મળે છે. મુખ્યત્વે તે ગાર્નેટ અને ક્રોમ-ડાયૉપ્સાઇડ જેવાં આવશ્યક ખનિજોના બનેલા છે. સાથે બ્રૉન્ઝાઇટ, કથ્થાઈ અબરખ, ઑલિવિન અથવા કાયનાઇટ જેવાં અનુષંગી ખનિજો પણ મળે છે. ક્યારેક હીરા અને ગ્રૅફાઇટ પણ આ ગઠ્ઠાઓમાંથી મળી રહે છે; આ ગઠ્ઠાઓની ઉત્પત્તિ માટે એમ ઘટાવાય છે કે ઘણી ઊંડાઈએ તૈયાર થયેલી ઈક્લોગાઇટ રચનામાંથી ટુકડાઓ રૂપે તે ઉપર ખેંચાઈ આવેલા છે; પરંતુ વેગ્નરનો અભિપ્રાય એવો છે કે આ ગઠ્ઠાઓ જ્યાં કિમ્બરલાઇટ મૅગ્મા તૈયાર થાય છે તે ઘણી ઊંડાઈએ આવેલા પેરિડોટાઇટના વિભાગમાંની વેરવિખેર સ્થિતિમાં આવેલા ગાર્નેટ પાયરૉક્સિન સંકેન્દ્રણોના ટુકડા છે. નૉર્વેના અગ્નિકૃત-ઈક્લોગાઇટ માટે એસ્કોલાએ પ્રતિપાદિત કરેલી સંકલ્પના સાથે આ ઉત્પત્તિસ્થિતિ ખૂબ જ સામ્ય ધરાવે છે.
ગિરીશભાઈ પંડ્યા