ઇશરવૂડ, ક્રિસ્ટૉફર

January, 2002

ઇશરવૂડ, ક્રિસ્ટૉફર (વિલિયમ બ્રેડશો) (જ. 26 ઑગસ્ટ 1904, હાયલેન, એશાયર, ઇંગ્લૅન્ડ; અ. 4 જાન્યુઆરી 1986 સાન્ટા મોનિકા, કૅલિફોર્નિયા, યુ. એસ.) : અમેરિકન નવલકથાકાર અને નાટ્યકાર. કારકિર્દીના પ્રારંભમાં અંગત ટ્યૂટર અને છૂટુંછવાયું લખતા પત્રકાર તરીકે કાર્ય કર્યું. સરેની શાળામાં કવિ તરીકે ખ્યાતિ પામનાર ડબ્લ્યૂ. એચ. ઑડેન સાથે ગાઢ મૈત્રી થઈ. વીસમી સદીના ચોથા દાયકાના જર્મનીના અનુભવો પરથી રચાયેલી ‘બર્લિન નવલકથાઓ’(1946)થી તેમને સાહિત્યક્ષેત્રે નામના મળી. તેમની પ્રારંભિક નવલકથાઓ ‘ઑલ ધ કૉન્સ્પિરેટર્સ’ (1928) અને ‘ધ મેમોરિયલ’ (1932) પર ઈ. એમ. ફૉર્સ્ટર અને વર્જિનિયા વૂલ્ફનો પ્રભાવ હતો. મિત્ર કવિ ઑડેન સાથે મળીને તેમણે લખેલાં પદ્યનાટકો ‘ધ એસેન્ટ ઑવ્ સિક્સ’, ‘ઑન ધ ફ્રન્ટિયર’ અને ‘દ ડૉગ બિનીથ ધ સ્કિન’ વગેરેએ અંગ્રેજી નાટ્ય-સાહિત્યમાં ઇતિહાસ સર્જ્યો છે. સામાજિક દૂષણો અને માનવીય નિર્બળતાને ખૂબ જ બળૂકાં પ્રતીકોથી કવિ નાટ્યકારો ઑડેન અને ઇશરવૂડે રજૂ કર્યાં છે. ટી. એસ. એલિયટનાં પદ્યનાટકો પછી આ બંનેને અંગ્રેજી સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન મળ્યું છે. ‘જર્ની ટૂ અ વૉર’(1939)માં તેમણે કરેલા ચીન-પ્રવાસની રોજનીશી છે. 1929-33 દરમિયાન બર્લિનમાં રહ્યાં રહ્યાં તેમણે ફાસીવાદના ઉદયને નજીકથી નિહાળ્યો હતો. આના સંદર્ભમાં તેમણે ‘મિસ્ટર નોરિસ એન્જિસ ટ્રેન્સ’ (1935) અને ‘ગુડબાય ટૂ બર્લિન’ (1939) નવલકથાઓ લખી. 1939માં ઇશરવૂડ અમેરિકામાં કાયમી વસવાટ માટે ગયા. 1939થી તેમણે માનવશાંતિ માટે કાર્ય શરૂ કર્યું. ભારતીય વેદાંતના તત્વજ્ઞાને તેમને નવી દૃષ્ટિ આપી. ભારતના સ્વામી પ્રભવાનંદના તેઓ શિષ્ય બન્યા. ગુરુ સાથે તેમણે ‘ગીતા’નો પદ્યમાં ભાવાનુવાદ કર્યો.

‘આઇ એમ એ કૅમેરા’ (1951) (ચિત્રપટ, 1955) નામનું નાટક અને સંગીતમય ‘કેબેરે’ (1966) (ચિત્રપટ, 1972) જર્મનીમાં જ રચાયાં. 1939માં તેમણે હોલિવૂડ માટે ફિલ્મ-સ્ક્રિપ્ટ અને ટેલિવિઝન માટે નાટ્યરચનાઓ લખી. ‘ડાઉન ધેર ઑન અ વિઝિટ’ (1962) તેમની શ્રેષ્ઠ નવલકથા છે. લેખકના જર્મની, ગ્રીસ, ઇંગ્લૅન્ડ અને કૅલિફૉર્નિયાના અનુભવો પર તે આધારિત છે.

‘ધ વર્લ્ડ ઇન ધી ઇવનિંગ’ (1954) શ્રદ્ધા અને આધ્યાત્મિક જાગરણનો અનુભવગ્રંથ છે. ‘અ સિંગલ મૅન’ (1964) એક મધ્યવયસ્ક અને એકાકી સમલિંગી પુરુષના માત્ર એક દિવસના અનુભવની લઘુનવલ છે. ‘ઍક્સહ્યુમેશન્સ’ (1966) તેમની ટૂંકી વાર્તાઓ, કાવ્યો અને લેખોનો સંગ્રહ છે. ‘અ મિટિંગ બાય ધ રિવર’ (1967)માં ભારતીય તત્ત્વજ્ઞાન અને સમલિંગી વ્યવહારની કથાને પછવાડે ભૌતિક સુખ અને સફળતાની રજૂઆત થઈ છે. ‘કૅથલીન ઍન્ડ ફ્રાન્ક’(1971)માં લેખક પોતાનાં માતાપિતા વિશેની વાત કહે છે. ‘ક્રિસ્ટૉફર ઍન્ડ હિઝ કાઇન્ડ’ (1977) આત્મકથા નહિ, પણ પોતાના વિશે લખેલું જીવનચરિત્ર છે. ‘માય ગુરુ ઍન્ડ હિઝ ડિસાઇપલ’(1980)માં તેમણે પોતાના ગુરુ પ્રભવાનંદ અને વેદાંત વિશે બયાન આપ્યું છે.

હસમુખ બારાડી