ઇલેક્ટ્રોડાયાલિસિસ (વિદ્યુત-પારશ્લેષણ) : વિદ્યુતક્ષેત્રની મદદથી કરવામાં આવતું ઝડપી અપોહન (dialysis). સ્ફટિકમય અને કલિલ (colloid) પદાર્થોને અર્ધપારગમ્ય (semipermeable) પડદા મારફત અલગ પાડવાની વરણાત્મક ક્રિયાને ડાયાલિસિસ કહે છે. સ્ફટિકમય પદાર્થોના અણુભાર નીચા હોય છે અને તેથી તેમનું કદ કલિલકણોની સરખામણીમાં નાનું હોય છે. આથી સ્ફટિકમય પદાર્થના કણો પડદાની આરપાર સરળતાથી પ્રસરણ કરી શકે છે. વનસ્પતિ અને પ્રાણીમાંથી આવા પડદા મેળવવામાં આવતા. હાલમાં સંશ્ર્લેષિત પદાર્થોના પડદા પણ મળે છે.
ડાયાલિસિસ ધીમી ક્રિયા છે. કલિલમિશ્રણ અને શુદ્ધ પાણી વચ્ચે પડદો રાખીને તથા શુદ્ધ પાણીમાં વિદ્યુત ધ્રુવો ગોઠવીને વિદ્યુત પસાર કરવાથી સ્ફટિકમય પદાર્થોના આયનોનું પ્રસરણ ઝડપી બનાવી શકાય. આને ઇલેક્ટ્રૉડાયાલિસિસ કહે છે. ધન અથવા ઋણ વીજભાર ધરાવતાં છિદ્રોવાળા આયન વિનિમયક પડદાઓ વ્યાપારી ધોરણે મળવા લાગ્યા છે. છિદ્રોના જેવાં જ વીજભાર ધરાવતાં આયનો આ પડદામાંથી પસાર થઈ શકતાં નથી જ્યારે વિરુદ્ધ વીજભાર ધરાવતાં આયનો સરળતાથી પસાર થઈ જાય છે. ધન અને ઋણ વીજભાર ધરાવતા પડદાઓને એકાંતરે ગોઠવીને તેમની વચ્ચેથી ખારું પાણી પસાર કરાય છે. બે છેડે મૂકેલા વિદ્યુતધ્રુવો વડે વીજળી પસાર કરીને મીઠું પાણી મેળવવાનાં સંયંત્રો વિકસાવવામાં આવ્યાં છે. સામાન્ય રીતે 0.5 % મીઠાવાળા પાણી માટે આ વપરાય છે. દરિયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે માછીમારો વાપરી શકે તેવા નાના એકમો પણ રચાય છે. આમ ઇલેક્ટ્રૉડાયાલિસિસ કલિલ દ્રવ્યોને શુદ્ધ કરવા ઉપરાંત ખારા પાણીમાંથી મીઠું પાણી મેળવવા માટે પણ ઉપયોગી છે.
મફતલાલ જેસિંગભાઈ પટણી