ઇમ્પીરિયલ બેન્ક ઓવ્ ઇન્ડિયા
January, 2002
ઇમ્પીરિયલ બેન્ક ઓવ્ ઇન્ડિયા : મુંબઈ, ચેન્નાઈ તથા બંગાળ પ્રેસિડેન્સી બૅંકોના વિલીનીકરણ દ્વારા 1921માં અસ્તિત્વમાં આવેલ વ્યાપારી બૅન્ક. તે સમયે આ બૅન્કની મૂડી અને અનામતનું ભંડોળ રૂ. 15 કરોડ જેટલું હતું. તેનું સંચાલન સેન્ટ્રલ બૉર્ડ ઑવ્ ગવર્નર્સ દ્વારા કરવામાં આવ્યું. તેમાં સરકારે નિયુક્ત કરેલા બે મૅનેજિંગ ગવર્નર પણ રહેતા. કન્ટ્રોલર ઑવ્ કરન્સી હોદ્દાની રૂએ (ex officio) આ બૉર્ડના સભ્ય ગણાતા. મુંબઈ, ચેન્નાઈ તથા કૉલકાતા ખાતેની તેની શાખાઓના સંચાલન માટે સ્થાનિક કક્ષાનાં બૉર્ડોની રચના કરવામાં આવતી. આવાં બધાં જ બૉર્ડો પર ભારતીયોને પણ નીમવામાં આવતા. ત્રણ પ્રેસિડેન્સી બૅન્કો માફક ઇમ્પીરિયલ બૅન્ક પાસે પણ વિદેશી હૂંડિયામણની લેવડદેવડ કરવાની તથા વિદેશોમાં ભંડોળ ઊભું કરવાની સત્તા ન હતી. રાજ્યનાં નાણાકીય હિતોનું રક્ષણ કરવાના હેતુથી બૅન્કને નિર્દેશન કરવાની સત્તા સરકારે પોતાના હસ્તક રાખી હતી.
ઇમ્પીરિયલ બૅન્કની સ્થાપનાથી છેક 1935 સુધી, એટલે કે રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની વિધિવત્ સ્થાપના થઈ ત્યાં સુધી (1921–35) ઇમ્પીરિયલ બૅન્ક સરકારના શરાફનું કાર્ય કરતી અને તેની રૂએ સરકારની રોકડ અનામતો તેની શાખાઓ પાસે સંચિત કરવામાં આવતી. ભારત સરકારના જાહેર દેવાનો વહીવટ પણ તે સંભાળતી, જેને માટે તેને નિર્ધારિત વળતર ચૂકવવામાં આવતું. ઇંગ્લૅન્ડ ખાતેના ભારતીય હાઇકમિશનરના ચાલુ ખાતાની લેવડદેવડ તેની લંડન ખાતેની શાખાને સોંપવામાં આવી હતી. તેની સ્થાપના પછીનાં પાંચ વર્ષમાં તેને સરકાર તરફથી 100 શાખાઓ ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એમાંથી ચોથા ભાગની શાખાઓનું સ્થાન નક્કી કરવાની સત્તા કેન્દ્રસરકારે પોતાના હસ્તક રાખી હતી. 1926 સુધી આ બૅન્કની કુલ શાખાઓની સંખ્યા 162 જેટલી થઈ હતી. આમાંથી 89 શાખાઓ સરકારનું શરાફી કાર્ય પણ કરતી હતી.
ચલણી નોટો બહાર પાડવાની તથા વિદેશી હૂંડિયામણની લેવડદેવડ કરવાની સત્તા તેના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવેલી હોવાથી ઇમ્પીરિયલ બૅન્ક ઑવ્ ઇન્ડિયા દેશની મધ્યસ્થ બૅન્કનો દરજ્જો ધરાવતી ન હતી. દેશની અન્ય વ્યાપારી બૅન્કો તેમની જરૂરિયાત મુજબ ઇમ્પીરિયલ બૅન્ક પાસેથી નાણાં ઉછીનાં લેતી હતી; છતાં આ બૅન્કો પોતાનું રોકડ ભંડોળ ઇમ્પીરિયલ બૅન્ક પાસે અનામતના રૂપમાં રાખવા રાજી ન હતી. પરિણામે ઇમ્પીરિયલ બૅન્કના ધિરાણનો દર મધ્યસ્થ બૅન્કના ધિરાણના દરનો એટલે કે બૅન્કદરનો દરજ્જો ધરાવતો ન હતો અને તેથી મધ્યસ્થ બૅન્કના ધિરાણદરની સંકલિત નાણાબજારના અન્ય ધિરાણદરો પર જે વ્યાપક અસર થાય છે તેવી અસર અન્ય બૅન્કો તથા દેશી શરાફોના ધિરાણદરો પર થતી ન હતી. વળી, ચલણી નોટો બહાર પાડવાની સત્તા તેની પાસે ન હોવાથી પોતાના ધિરાણદરને અસરકારક બનાવવા માટે જે અન્ય પદ્ધતિઓ અધિકૃત મધ્યસ્થ બૅન્ક પાસે હોય છે તે પદ્ધતિઓથી પણ ઇમ્પીરિયલ બૅન્ક વંચિત હતી.
1935માં રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની સ્થાપના સાથે જ ઇમ્પીરિયલ બૅન્ક પાસેનાં મધ્યસ્થ બૅન્કને લગતાં કાર્યોનો અંત આવ્યો. 1934ના ઇમ્પીરિયલ બૅન્ક ઑફ ઇન્ડિયા (ઍમેન્ડમેન્ટ) ઍક્ટ દ્વારા સરકારના રોકડ અનામત ભંડોળનો વ્યવહાર કરવાનું તથા જાહેર દેવાનો વહીવટ કરવાનું કાર્ય રિઝર્વ બૅન્કને સોંપવામાં આવ્યું. તેની સાથે જ વિદેશી હૂંડિયામણની લેવડદેવડ કરવાની તથા વિદેશી નાણાબજારોમાંથી નાણાં ઉછીનાં લેવાની પરવાનગી તેને આપવામાં આવી. રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા સાથે સમજૂતી કરીને તે બૅન્કના પ્રતિનિધિ (agent) તરીકે કાર્ય કરવાની છૂટ ઇમ્પીરિયલ બૅન્કને આપવામાં આવી.
1921માં ઇમ્પીરિયલ બૅન્ક ઑવ્ ઇન્ડિયા અસ્તિત્વમાં આવી ત્યારે તે મધ્યસ્થ બૅન્કની જેમ તટસ્થ રીતે કાર્ય કરશે તથા દેશની બૅન્ક-વ્યવસ્થાના અન્ય ઘટકોને એકત્રિત કરીને ભારતમાં સુસંકલિત નાણાબજાર સ્થાપવામાં મદદરૂપ નીવડશે તેવી આશા સેવવામાં આવી હતી તે, ઇમ્પીરિયલ બૅન્કનાં વ્યાપારી ધોરણો તથા વિદેશી સંચાલકોના તેના પરના કાબૂને લીધે ફળીભૂત થઈ નહિ; એટલું જ નહિ, પરંતુ અન્ય બૅન્કિંગ ઘટકોના વિકાસમાં તે અવરોધક સાબિત થઈ.
અખિલ ભારતીય ગ્રામધિરાણ તપાસસમિતિ(1951)ની ભલામણને અનુલક્ષીને જુલાઈ, 1955માં ‘સ્ટૅટ્ બૅન્ક ઑવ્ ઇન્ડિયા’ના નવા નામે તે અસ્તિત્વમાં આવી છે. તે જાહેરક્ષેત્રની બૅન્ક છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે