ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કંપની સેક્રેટરીઝ ઑવ્ ઇન્ડિયા
January, 2002
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કંપની સેક્રેટરીઝ ઑવ્ ઇન્ડિયા : ભારતમાં કંપની સેક્રેટરીઝના વ્યવસાયનો વિકાસ તથા તેનું નિયમન કરવા માટે સ્થપાયેલી સંસ્થા. 1980ના કંપની સેક્રેટરીઝ ઍક્ટ હેઠળ તેની નોંધણી કરવામાં આવી છે. 1960માં કંપની લૉ બૉર્ડે કંપની સેક્રેટરીશિપ અંગેનો અભ્યાસક્રમ ઘડી કાઢ્યો. તે અન્વયે સરકાર દ્વારા ડિપ્લોમા એનાયત કરવાની જોગવાઈ થઈ. તે અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં 1956ના કંપની કાયદાની કલમ 25 અન્વયે કેન્દ્ર સરકારે ઑક્ટોબર, 1968માં આ સંસ્થાની રચના કરી અને કંપની સેક્રેટરીશિપની પરીક્ષાઓ લેવાનું કામ તેને સોંપ્યું. 1980ના કંપની સેક્રેટરીઝ ઍક્ટ અન્વયે આ સંસ્થાને જાન્યુઆરી, 1981થી કાનૂની (statutory) દરજ્જો આપવામાં આવ્યો. ભારતમાં આ નવી વ્યવસ્થા દાખલ થઈ તે પહેલાં આ પ્રકારની પરીક્ષાઓ આયોજિત કરવાનું કાર્ય લંડન ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાર્ટર્ડ સેક્રેટરીઝ દ્વારા કરવામાં આવતું હતું. ભારતમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કંપની સેક્રેટરીઝ સંસ્થાની સ્થાપના થતાં લંડન ખાતેની સંસ્થા ભારત માટે અપ્રસ્તુત બની છે.
ભારતમાં ઘણા કાયદા દ્વારા કંપનીના વહીવટમાં કંપની સેક્રેટરીના સ્થાનનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. કંપનીની સ્થાપનાના વિચારનું બીજ રોપાય ત્યારથી કંપનીની પ્રત્યેક બાબતમાં તેનાં સૂઝ, શિક્ષણ, તાલીમ તથા અનુભવ અગત્યનો ભાગ ભજવે છે. આવી વૈવિધ્યપૂર્ણ જવાબદારી અદા કરી શકે તેવા કંપની સેક્રેટરી તૈયાર કરવા તે આ સંસ્થાનું મુખ્ય ધ્યેય તથા કાર્ય છે. તે હાંસલ કરવા માટે કંપની સેક્રેટરીશિપની પરીક્ષાઓના સંચાલન ઉપરાંત આ સંસ્થા તેને માટે શિક્ષણ તથા શિક્ષણેતર તાલીમ પૂરી પાડે છે; અભ્યાસક્રમને લગતું સંશોધનપ્રેરિત સાહિત્ય પ્રસારિત કરે છે; શિષ્યવૃત્તિઓ તથા પારિતોષિકો એનાયત કરે છે; ગ્રંથાલયની સગવડ પૂરી પાડે છે; અધિવેશનો, ચર્ચાસભાઓ, પરિસંવાદો તથા કાર્યશાળાઓનું પણ આયોજન કરે છે.
સંસ્થાની અંતિમ પરીક્ષા પસાર કરી હોય તેવાઓને તે સ્વૈચ્છિક ધોરણે ‘Licentiate ICSI’નું સભ્યપદ આપે છે તથા સંસ્થાના અધિનિયમો મુજબ અંતિમ પરીક્ષા પછી ચાર માસની અનુભવલક્ષી તાલીમને અંતે ઍસોસિયેટ મેમ્બરશિપ (A. C. S.) એનાયત કરે છે. તેમાં જે ગુણવત્તા ક્રમ ધરાવતા હોય તેમને ફેલો ઑવ્ કંપની સેક્રેટરીઝ (F. C. S.) તરીકે માન્યતા આપે છે.
સંસ્થાની મધ્યસ્થ સમિતિના 12 એફ. સી. એસ. સભ્યો 3 વર્ષની મુદત માટે ચૂંટાતા હોય છે. સંસ્થાનું માસિક મુખપત્ર ‘Chartered Secretary’ 50,000 કરતાં વધુ વાચકો ધરાવે છે તેવો અંદાજ છે.
સંસ્થાનું મધ્યસ્થ કાર્યાલય નવી દિલ્હી ખાતે તથા ચાર પ્રાદેશિક કાર્યાલયો મુંબઈ, ચેન્નાઈ, કૉલકાતા તથા દિલ્હી ખાતે છે. સંસ્થાની અમદાવાદ ખાતેની શાખા સતત ત્રણ વર્ષ સુધી (1986-89) દેશની સર્વોત્તમ શાખા તરીકે પસંદગી પામી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે