ઇન્દ્રજિતસિંહ
January, 2002
ઇન્દ્રજિતસિંહ (જ. 15 જૂન 1937, જામનગર; અ. 12 માર્ચ 2011 મુંબઈ) : સૌરાષ્ટ્રના અગ્રણી ક્રિકેટખેલાડી. પિતાનું નામ માધવસિંહ. દિલ્હીની સેંટ સ્ટિફન કૉલેજમાંથી બી. એ. થયા. શાળાજીવન દરમિયાન જ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1952માં ઇંગ્લૅન્ડમાં પસંદગી પામ્યા હતા. વિકેટકીપર અને જમોડી ઓપનિંગ બૅટ્સમૅન તરીકે ભારત તરફથી પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે 1964-65માં ચેન્નાઈ (મદ્રાસ) ખાતે પ્રથમ ટેસ્ટમાં ટેસ્ટ પદાર્પણ કરીને 23 રનના સર્વોચ્ચ વ્યક્તિગત જુમલા સાથે કુલ 51 રન નોંધાવ્યા હતા. વિકેટકીપર તરીકે તેમણે વિકેટ પાછળ 6 કૅચ અને 3 સ્ટમ્પિંગ કરી 9 શિકાર ઝડપ્યા હતા. 1969-70માં ઘરઆંગણે ન્યૂઝીલૅન્ડ સામે પણ તેઓ રમ્યા હતા. 4 ટેસ્ટમાં 51 રન કર્યા અને 9 ખેલાડીઓને વિકેટકીપિંગથી આઉટ કર્યા. એમનું લેગ-સાઇડનું વિકેટકીપિંગ ઉત્તમ પ્રકારનું હતું. 1967-68માં ભારતીય ટીમ તરફથી ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો. તેઓ સૌરાષ્ટ્રની રણજી ટ્રૉફી ટીમના સુકાની હતા અને 1964-65માં ગુજરાત વિરુદ્ધ 124 રનનો જુમલો એ એમનો શ્રેષ્ઠ દેખાવ હતો. તેમણે વિકેટકીપર તરીકે રણજી ટ્રૉફીમાં 1965-66માં મહારાષ્ટ્ર સામે 9 ખેલાડીઓને આઉટ કરીને તે સમયના વિક્રમની બરાબરી કરી હતી. તેઓ મુંબઈમાં ઍસોસિએટેડ સિમેન્ટ કંપનીમાં જનસંપર્ક અધિકારી હતા. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1954થી 1973 સુધીમાં તેમણે 26.76ની સરેરાશથી પાંચ સદીઓ સાથે કુલ 3,694 રન નોંધાવીને વિકેટ પાછળ 213 શિકાર (133 કૅચ + 80 સ્ટ.) ઝડપ્યા હતા.
આણંદજી ડોસા