ઇન્દુકુમાર
January, 2002
ઇન્દુકુમાર : ગુજરાતી કવિ ન્હાનાલાલનું પ્રથમ નાટક. 1898માં લખાવું શરૂ થયેલું આ નાટક લાંબે ગાળે ત્રણ અંકોમાં પુસ્તકો રૂપે પ્રકાશિત (અનુક્રમે 1909, 1925, 1932) થયેલું. કવિએ તેને ભાવપ્રધાન (lyrical) શ્રાવ્યનાટક તરીકે ઓળખાવેલું. તેમાં ડોલનશૈલીનો વિનિયોગ થયેલો છે.
ત્રણ અંકના ‘લગ્ન’, ‘રાસ’ અને ‘સમર્પણ’ એવાં ઉપશીર્ષકો ધરાવતા આ નાટકનો મુખ્ય વિષય છે કાન્તિકુમારી અને ઇન્દુકુમાર એ બે બાળપણનાં પ્રેમીઓના ચિત્ત-સંઘર્ષો અને એમની જીવન-પરિણતિ. કૌટુંબિક આપત્તિને કારણે પોતાનું વતન અમૃતપુર છોડી ગયેલો ને વિશ્વોદ્ધારક સંન્યાસનાં સપનાં સેવતો ઇન્દુકુમાર ગુરુના આદેશથી એક વર્ષનાં અજ્ઞાતવાસ ને એકાકીવ્રત સ્વીકારી ઘણાં વર્ષે અમૃતપુર પાછો આવે છે. કાન્તિકુમારીના દર્શનથી એ વિશ્વોદ્ધારની પ્રેરણાઓ અને સ્નેહના આવેશ વચ્ચે તીવ્ર સંઘર્ષો અનુભવે છે. નેપાળી જોગણ એને ઊંચેરાં કર્તવ્યોની પ્રેરણામાં ર્દઢ કરવા મથે છે ને અંતે અજ્ઞાતવાસ પૂરો થતાં તેને ઓંકારનાથના મંદિરના મહંતપદે સ્થાપે છે. કાન્તિકુમારીને એનાં કુટુંબીજનો પરણાવી દેવાની વેતરણમાં હોય છે, પણ કાન્તિકુમારી તો પોતે જેને આત્માનો વર લેખ્યો છે એ ઇન્દુકુમારને માટે ઝૂર્યાં કરે છે. મદ, યૌવન ને વિલાસની પૂજક એની ભાભી પ્રમદા અમાસના ખગ્રાસ ગ્રહણના દિવસે એને વિલાસકુંજોમાં ઘસડી જવામાં અને દેહભ્રષ્ટ બનાવવામાં સફળ થાય છે. એના આઘાતમાંથી માંડ ઊગરીને કાન્તિકુમારી નેપાળી જોગણ સાથે જોગણ બની જગત્યાત્રાએ નીકળી પડે છે.
સાચો ને સમષ્ટિનિષ્ઠ બનવા મથતો દામ્પત્યસ્નેહ, નર્યો ભોગનિષ્ઠ દેહસંબંધ અને ઉચ્ચ આશયોથી પ્રેરિત વૈધવ્યનાં ચિત્રો પણ આ નાટકમાં આપ્યાં છે; પરંતુ કવિએ તેમાં મુખ્યત્વે તો સંસારનાં રૂઢિલગ્નોની સામે આત્માની ઓળખ પર નિર્ભર એવા સ્નેહલગ્નનો જ મહિમા ગાયો છે. કાન્તિકુમારી અને ઇન્દુકુમારના જીવનની કરુણ પરિણતિ પાછળ કદાચ દેહભાવને અતિક્રમી જતા પ્રેમસંબંધની લેખકની ખોજ રહેલી હોય એવો સંભવ છે, કેમ કે આત્મલગ્નની ભાવનાને પુરસ્કારતા નાટક ‘જયા અને જયંત’ને લેખકે પોતે ‘ઇન્દુકુમાર’ના ચોથા અંક તરીકે કલ્પાયેલા નાટક તરીકે ઓળખાવેલ છે.
સમગ્ર નાટકમાં આછો-અછડતો વસ્તુવિકાસ, લાગણીઓનાં ઘેરાં ચિત્રણો, લગ્ન ઉપરાંત અન્ય ભાવનાઓનો વિસ્તારથી થયેલો સીધો ઉદઘોષ વગેરે કેટલીક મર્યાદાઓ છે. ખાસ કરીને પહેલો અંક સૂક્ષ્મ ભાવસ્થિતિઓ અને તરલ સંવેદનોની કાવ્યમય વ્યંજનાત્મક અભિવ્યક્તિથી ગુજરાતી નાટ્યસાહિત્યમાં ન્હાનાલાલના વિશિષ્ટ અર્પણ તરીકે હંમેશાં ધ્યાન ખેંચતો રહ્યો છે.
જયંત કોઠારી