ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ : ભારતનાં અર્ધલશ્કરી દળોમાંનું એક. તેની સ્થાપના ભારત પરના ચીનના આક્રમણના પરિપ્રેક્ષ્યમાં ઑક્ટોબર, 1962માં કરવામાં આવી હતી. તે ચાર પ્રકારની જવાબદારીઓ વહન કરે છે : (1) ભારતની સરહદોનું રક્ષણ કરવું તથા ભારતના સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષિતતાની ભાવના પ્રસ્થાપિત કરવી. (2) સરહદ પારથી થતા ગુનાઓ, દાણચોરી, ભારતની બહારથી ભારતમાં ગેરકાયદેસર રીતે થતો પ્રવેશ અને ભારતમાંથી બહાર થતું ગેરકાયદેસર નિષ્ક્રમણ તથા અન્ય પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ – એ બધું અટકાવવું. (3) દેશમાંનાં સંવેદનશીલ મથકો, બૅંકો અને જેમના જાનનું જોખમ હોય તેવી વ્યક્તિઓને સલામતી ને રક્ષણ પૂરાં પાડવાં. (4) દેશના કોઈ પણ ભાગમાં અશાંતિ પેદા થાય તો તે વિસ્તારમાં પુન:શાંતિ અને કાયદાની વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં મદદ કરવી.
આ અર્ધલશ્કરી દળમાં કુલ 29 બેટાલિયનો હોય છે. તેમાંથી ચાર ખાસ પ્રકારની (specialised) કામગીરી કરી શકે એવી બેટાલિયનો છે. આ દળમાં જોડાતી વ્યક્તિઓને પ્રશિક્ષણ આપવા તેના નેજા હેઠળ ત્રણ તાલીમ-કેન્દ્રો ચાલે છે. આ દળ છ પ્રાદેશિક મથકોમાં વહેંચાયેલું છે અને ઉપમહાનિર્દેશક(DIG)નો હોદ્દો ધરાવતા અધિકારીઓ તે દરેકનું સંચાલન કરે છે. ભારત-તિબેટ-નેપાળની સરહદોને સાંકળી લેતાં જંક્શનો પર તેને તહેનાત કરવામાં આવે છે. ભારત-તિબેટની સરહદોને જોડતા વિસ્તારોમાં ભારતની સરહદોનું રક્ષણ કરવા અંગેની કામગીરી તેને આપવામાં આવે છે. આ વિસ્તારોમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખ-ક્ષેત્રમાં આવેલ કારાકોરમ ઘાટથી ભારત-નેપાળ સરહદ પર આવેલા લિપુલેખ ઘાટ સુધીનો વિસ્તાર આવરી લેવાય છે. ભારતમાંથી કૈલાસ-માનસરોવરની પવિત્ર યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ સાથે જઈને તેઓ યાત્રાળુઓને રક્ષણ આપે છે, વૈદ્યકીય સહાય પૂરી પાડે છે તથા સંદેશાવ્યવહારની સુગમતા બક્ષે છે.
ઉપર દર્શાવેલ સર્વસામાન્ય ફરજો ઉપરાંત આ દળે કેટલીક બાબતોમાં વિશિષ્ટ કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે; દા.ત., બિનપરંપરાગત યુદ્ધકૌશલ્ય, આતંકવાદ-વિરોધી કામગીરી, બળવાખોરોને ખાળવા-(counter-insurgency)ની વિશિષ્ટ કામગીરી વગેરે. તે દેશની વિશિષ્ટ વ્યક્તિઓ (VVIP તથા VIP)ને અંગત સલામતી પૂરી પાડે છે, ચૂંટણીના સમયમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવે છે, નક્સલવાદ-વિરોધી કામગીરી કરે છે અને પ્રાકૃતિક આપદાઓના સમયમાં બચાવ અને રાહતની કામગીરી કરે છે. શ્રીલંકામાં ભારત એલચી-કચેરીને પણ તેઓ રક્ષણ પૂરું પાડે છે.
પર્વતારોહણ, સ્કિઇંગ, નૌકાવહન જેવી રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ આ દળે પોતાનું ખમીર બતાવ્યું છે. હિમાલયના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ પર અત્યાર સુધી(2002)માં તેના જવાનો ચાર વખત ચડ્યા છે. તે ઉપરાંત ઈરાનમાં આલ્પ્સ પર્વત પર તથા અમેરિકાના ઉચ્ચ પ્રદેશોમાં પણ આ દળના જવાનોએ સફળતાથી પર્વતારોહણ કર્યું છે.
1998માં દિલ્હી ખાતે આયોજિત પ્રજાસત્તાક દિનની પરેડમાં આ દળને સર્વોત્તમ સંચલન એકમ (Best marching contingent) માટેની ટ્રૉફી એનાયત થઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે