ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશન (ISCA)
January, 2002
ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશન (ISCA) : વિજ્ઞાન સંશોધનને ભારતમાં ઉત્તેજન આપવા 1914માં એશિયાટિક સોસાયટી ઑવ્ બૅન્ગાલના આશ્રયે સ્થાપવામાં આવેલું મંડળ. બે બ્રિટિશ રસાયણજ્ઞો પ્રો. જે. એલ. સાયમન્સન અને પ્રો. પી. એસ. મૅક્મેહોનની દીર્ઘર્દષ્ટિ અને પ્રેરણાએ આ મંડળની સ્થાપનામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. સ્થાપકોની નજર સમક્ષ ‘બ્રિટિશ ઍસોસિયેશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સ’ એ સંસ્થા હતી. આ મંડળનું પ્રથમ સંમેલન 15-17 જાન્યુઆરી, 1914 દરમિયાન એશિયાટિક સોસાયટીના મકાનમાં મળ્યું હતું, જેમાં બંગાળના ગવર્નર લૉર્ડ કાર્માઇકલ પેટ્રન, સર આશુતોષ મુકરજી (કુલપતિ, કૉલકાતા યુનિવર્સિટી) પ્રમુખ અને ડી. હૂપર (બૉટનિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા) મંત્રી અને ખજાનચી તરીકે હતા. ભારતના તથા વિદેશના મળીને કુલ 105 વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી અને વનસ્પતિશાસ્ત્ર, રસાયણ, નૃવંશવર્ણનવિદ્યા (ethnography), ભૂસ્તર, ભૌતિક અને પ્રાણીશાસ્ત્ર વિભાગો દ્વારા 35 સંશોધનપત્રો રજૂ થયાં હતાં.
દર વર્ષે ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન ભારતનાં ભિન્ન ભિન્ન શહેરોમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિકના પ્રમુખપદે, સામાન્ય રીતે જાન્યુઆરી 3થી 7 દરમિયાન ભરાય છે. સંશોધનપત્રોનાં વાચન અને ચર્ચા માટે 13 વિભાગોમાં વૈજ્ઞાનિકો વિષયાનુસાર વહેંચાઈ જાય છે. દેશવિદેશના વૈજ્ઞાનિકો આ અધિવેશનમાં હાજરી આપે છે. રાષ્ટ્રીય ર્દષ્ટિએ અગત્યના એવા કોઈ એક વિષયને કેન્દ્રમાં રાખીને તેનાં વિવિધ પાસાંઓની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે છે. વિખ્યાત વૈજ્ઞાનિકોનાં લોકભોગ્ય શૈલીમાં યોજાતાં વ્યાખ્યાનો આ અધિવેશનનું અનેરું આકર્ષણ ગણાય છે. સાથે સાથે વિજ્ઞાનનાં ઉપકરણોનું વિશાળ પ્રદર્શન પણ યોજાય છે. આ અધિવેશનના પ્રમુખોનાં વ્યાખ્યાનો અને સંશોધનપત્રોના સાર સહિત વિસ્તૃત વાર્ષિક હેવાલ બહાર પાડવામાં આવે છે. 1932થી ‘કરન્ટ સાયન્સ’ નામનું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. 1934માં આ સંસ્થાએ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીસ ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. આ સંસ્થાની સભ્યસંખ્યા લગભગ 10,000 જેટલી છે અને વાર્ષિક અધિવેશનમાં લગભગ 2,000 વધુ સંશોધનપત્રો રજૂ કરવામાં આવે છે. 2002-03માં ડૉ. કસ્તુરિરંગન તેના જનરલ પ્રેસિડેન્ટ હતા. હાલ (2013) ડૉ. મનમોહનસિંગ તે પદ પર કાર્યરત છે.
રમેશ શાહ