ઇન્ડિયન ટૅરિફ બોર્ડ : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં ઊભા કરવામાં આવેલા ઉદ્યોગોને રક્ષણ આપવા માટેની રજૂઆતો તથા દાવાઓની તપાસ કરવા માટે ભારત સરકારે 1945માં નીમેલું મંડળ. સરકારે બે માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવ્યા હતા : (1) ઉદ્યોગનું સંચાલન વિશુદ્ધ અને તંદુરસ્ત વ્યાપારી ધોરણે થતું હોય તો જ તે રક્ષણને પાત્ર ગણાય. (2) (અ) ઉપલબ્ધ કુદરતી અને આર્થિક લાભોના ઉપયોગ વડે યોગ્ય સમયમાં પગભર થઈ શકે અને તે પછી રક્ષણ વિના વિકાસ સાધી શકે તેવો તે ઉદ્યોગ હોવો જોઈએ, અથવા (આ) જેને રક્ષણ આપવાથી રાષ્ટ્રીય હિતનું સંવર્ધન થાય અને જેને અપાતાં રક્ષણ અને સહાયથી સમાજ પર વધુ પડતો બોજ પડે નહિ એવો તે ઉદ્યોગ હોવો જોઈએ. 1922-23ના અરસામાં ઇન્ડિયન ફિસ્કલ કમિશને રક્ષણ અંગે સૂચવેલાં ધોરણો કરતાં વધુ ઉદાર નીતિ અખત્યાર કરવાની સરકારની નેમ હોય તેમ આ હકીકતો પરથી સ્પષ્ટ થાય છે. એક તરફ રક્ષણ આપવા અંગેની ભૂમિકા વિસ્તૃત કરવાનો સરકારપક્ષે પ્રયાસ હતો, તો બીજી તરફ જકાત બોર્ડની સત્તા મર્યાદિત રાખવાની સરકારની નીતિ હતી; દા.ત., કોઈ પણ ઉદ્યોગને વધુમાં વધુ 3 વર્ષ માટે રક્ષણ કે સહાય આપવાની ભલામણ આ બોર્ડ કરી શકશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. યુદ્ધના ગાળા દરમિયાન ઊભા કરવામાં આવેલા ઉદ્યોગો યુદ્ધ પછીના સમયમાં આંતરરાષ્ટ્રીય હરીફાઈ સામે ટકી શકે તે માટે તેવા ઉદ્યોગોમાં વિશાળ પાયા પર મૂડીરોકાણ કરવું અનિવાર્ય હતું અને રાજ્યની સહાય વિના તે શક્ય ન હતું. આ હકીકત જોતાં માત્ર 3 વર્ષ માટે અપાતા રક્ષણ કે સહાય અપૂરતાં હતાં.
સ્વાતંત્ર્ય પછી સરકારે જકાત બોર્ડની પુનર્રચના કરીને તેનાં સત્તા અને કાર્યો વિસ્તૃત કર્યાં; દા.ત., રક્ષણ કે સહાય માટે ઉદ્યોગોની ભલામણ કરવા ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય તો તેનાં કારણો અંગે ભારત સરકારને વાકેફ રાખવી. ઓછા ખર્ચે ઔદ્યોગિક ઉત્પાદન કેવી રીતે થાય તે અંગે ભારત સરકારને સલાહસૂચનો આપવાં. 1947-50ના અરસામાં બોર્ડે જકાત અને ઉત્પાદન-ખર્ચના સંદર્ભમાં ઘણા ઉદ્યોગોની તપાસ કરી હતી અને તેને આધારે યુદ્ધ દરમિયાન સ્થપાયેલા લગભગ 40 જેટલા ઉદ્યોગોને અપાતાં રક્ષણ અને સહાયના કામચલાઉ લાભ ચાલુ રખાયા હતા. જે ઉદ્યોગો પગભર થવા લાગ્યા હતા તેમને મળતા રક્ષણ હેઠળના લાભ બોર્ડે બંધ કરાવ્યા હતા. આવા ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ, પોલાદ તથા કાગળ-ઉદ્યોગનો સમાવેશ થતો હતો.
રક્ષણના લાભ મેળવતા ઉદ્યોગો પર સતત દેખરેખ રાખવાની તથા તેમની પ્રગતિની સમીક્ષા કરવાની સત્તા 1948ના એક ખાસ સરકારી ઠરાવ દ્વારા જકાત બોર્ડને આપવામાં આવી, તેની રૂએ ઉદ્યોગોને અપાતા રક્ષણના લાભમાં વધઘટ કરવા અંગે સલાહસૂચન આપવાનું કાર્ય જકાત-બોર્ડને સોંપવામાં આવ્યું.
એપ્રિલ, 1949માં બીજા ફિસ્કલ કમિશનની સ્થાપના કરવામાં આવી અને તેની ભલામણ મુજબ ભારત સરકારે એક કાયમી તથા અધિકૃત ટૅરિફ કમિશનની નિમણૂક કરી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે