ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
January, 2002
ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (I. A. R. I.) : કૃષિવિદ્યા સાથે સંકળાયેલ વિવિધ શાખાઓમાં ઉચ્ચ કેળવણી, સંશોધન અને તાલીમ આપતી ભારતની અગ્રિમ સંસ્થા. આ સંસ્થાની મૂળ શરૂઆત ભારત સરકારે 1905માં ઉત્તર બિહારના પુસા નામના ગામે કરેલી. આ કારણથી આ સંસ્થા લોકોમાં ‘પુસા ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે ઓળખાય છે. 1934માં બિહારમાં થયેલા મહાવિનાશકારી ધરતીકંપને કારણે આ સંસ્થાને 1936માં દિલ્હી ખસેડવામાં આવી હતી. તે 500 હૅક્ટર જમીન ઉપર દિલ્હી સ્ટેશનથી 8 કિમી. દૂર સ્થાપવામાં આવેલી છે. આ સંસ્થામાં અનુસ્નાતક-કક્ષાના શિક્ષણ અને વિવિધ શાખાઓમાં પાયાના તથા પ્રયુક્ત સંશોધન માટે સગવડ છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ઍક્ટ ઑવ્ 1956 પ્રમાણે તેને યુનિવર્સિટીની માન્યતા મળેલી હોઈ તે એમ.એસસી. અને પીએચ.ડી. ડિગ્રી સુધીનું શિક્ષણ આપે છે. આ ઉપરાંત અમુક પસંદગીનાં ક્ષેત્રોમાં ટૂંકા ગાળાના તાલીમવર્ગો, વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનો તથા તકનીક સ્થાનાંતરણ વગેરે પ્રવૃત્તિઓ ચલાવે છે. અનુસ્નાતક અધ્યાપકગણની સંખ્યા 500 ઉપરની છે. આ સંસ્થાનો વહીવટ બિનસરકારી સ્વાયત્ત સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR) સંભાળે છે.
પુસાના સમયથી આ સંસ્થાએ કૃષિવિદ્યાની વિવિધ શાખાઓમાં સંશોધન પરત્વે અગસ્ત્ય-કાર્ય કર્યું છે. આ ઉચ્ચ પરંપરા તેણે જાળવી રાખી છે. સંસ્થાની પ્રયોગશાળાઓ ઉચ્ચ પ્રકારના સંશોધન માટે આધુનિક ઉપકરણોથી સુસજ્જ છે. કૃષિ અંગેના પ્રયોગો માટે 296 હૅક્ટર જમીન અનામત રાખવામાં આવેલી છે. આમાંના 160 હૅક્ટરને બે ટ્યૂબવેલ, બે સંગ્રાહક ટાંકીઓ અને યમુના નદીની નહેર મારફત સિંચાઈની સગવડ આપવામાં આવેલી છે. બાકીની જમીન સૂકી ખેતી માટે વપરાય છે.
સંસ્થાના ગ્રંથાલયમાં 6 લાખ દસ્તાવેજોનો સંગ્રહ છે. તે 5,000 ઉપરાંત વૈજ્ઞાનિક શ્રેણીઓ દર વર્ષે દુનિયાભરમાંથી મેળવે છે. 90 દેશોમાંથી 40 ભાષાઓમાં છપાયેલી આવી 10,300 શ્રેણીઓનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે, જે ભારતભરમાં પ્રાપ્ત શ્રેણીઓનો લગભગ 30 % જેટલો ભાગ છે. કૃષિ-જીવશાસ્ત્રમાં એશિયાભરમાં આ ગ્રંથાલય શ્રેષ્ઠ ગણાય છે. શૈક્ષણિક ધોરણો અને ગુણવત્તાની ર્દષ્ટિએ આ સંસ્થા વિશ્વભરની શ્રેષ્ઠ સંસ્થાઓમાં ગણના પામેલ છે. શિક્ષણ કોર્સક્રેડિટ-પ્રથા પર ચાલે છે. શિક્ષણના વિષયોની પસંદગી એવી થાય છે કે મુખ્ય વિષય ઉપર પકડ મેળવવાની સાથે સાથે શિક્ષણાર્થીને ટેકારૂપ બીજા ગૌણ વિષયોની પણ સારી એવી જાણકારી મળી રહે. લગભગ 18 વિષયોમાં અનુસ્નાતક અને સંશોધન અભ્યાસક્રમો ચાલે છે. ઉપરાંત પડોશમાં આવેલી ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(ICARનો એક વિભાગ)ના સહકારથી કૃષિ-આંકડાશાસ્ત્ર અને કૃષિમાં કમ્પ્યૂટરના ઉપયોગ અંગેના એમ.એસસી. તથા પીએચ.ડી. ડિગ્રી સુધીના અભ્યાસક્રમો પણ ચલાવાય છે.
IARIને યુનિવર્સિટીની માન્યતા મળી તે પૂર્વે 1957 સુધી 903 વિદ્યાર્થીઓને IARIનું સહાયકપદ (associateship) આપવામાં આવ્યું હતું; જેને ભારતની યુનિવર્સિટીની એમ.એસસી.ની પદવીને સમકક્ષ ગણવામાં આવી હતી. ફેબ્રુઆરી 2011 સુધીમાં આ સંસ્થાએ 4150 વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની અને 3167 વિદ્યાર્થીઓને એમ.એસસી.ની પદવીઓ આપી છે. દેશના બધા ભાગોમાંથી આવતા વિદ્યાર્થીઓ ઉપરાંત 300 વિદેશી વિદ્યાર્થીઓએ પણ આ સંસ્થામાં પદવીઓ પ્રાપ્ત કરી છે. ICAR, DBT, DST અને અન્ય સંસ્થાઓ દ્વારા મળેલી નાણાકીય સહાય વડે IARIએ કૃષિવિજ્ઞાનનાં વિશિષ્ટ ક્ષેત્રોમાં પ્રશિક્ષણ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. કૃષિ ભોતિકી, સૂક્ષ્મજીવનવિજ્ઞાન, આણ્વીય વિજ્ઞાન, વનસ્પતિ રોગવિજ્ઞાન, મૃદાવિજ્ઞાન અને જલવિજ્ઞાન તથા તકનીકી જેવાં ક્ષેત્રોમાં IARIએ મોટી સંખ્યામાં વ્યક્તિઓને પ્રશિક્ષણ આપ્યું છે.
સંસ્થાએ શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે ‘Best Faculty Awards’ આપવાનું શરૂ કર્યું છે. વિવિધ વિષયોમાં શિક્ષણસુધારણા માટેના અથાગ પુરુષાર્થ માટે 2011 સુધીમાં 82 વિજ્ઞાનીઓને આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે. અભ્યાસક્રમોની નિયમિત રીતે સમીક્ષા કરી તેમાં સુધારણા કરવામાં આવે છે. IARI વિશ્વકક્ષાના ગ્રંથાલય અને પ્રયોગશાળાની સુવિધા ધરાવે છે. આ પ્રયાસો IARIના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિબિંબિત થાય છે; જેઓ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં પસંદગી પામે છે અને યોગ્યતાક્રમમાં લગભગ હંમેશાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે છે. કૅમ્પસ ઉપર જ દવાખાનું, શાળા (વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓની અલગ અલગ), સહકારી ભંડાર, બૅન્ક અને પોસ્ટ ઑફિસ વગેરે સગવડો ઊભી કરવામાં આવી છે.
રમેશ શાહ