ઇન્ટરલ્યૂડ : ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં નાટકની વચ્ચે અથવા વિરામ સમયે મનોરંજન માટે ભજવાતું ટૂંકું ર્દશ્ય. ઇંગ્લૅન્ડમાં પ્રેમ અને યૌવનનાં લઘુનાટ્યો (playlets) પ્રવાસી નટમંડળીઓ દ્વારા ઉત્સવો કે ભોજન-સમારંભોમાં ભજવાતાં. કથાનક નાનું અને પાત્રો મર્યાદિત રહેતાં. જૂનામાં જૂનું ઇન્ટરલ્યૂડ તે ‘ઇન્ટરલ્યૂડિયમ દ. ક્લેરિકો એત્ પ્યૂએલા’ (1290-1335) મળે છે. તેમાં નટ અને એક છોકરી વચ્ચેનો સંવાદ છે. સ્પેનમાં ‘એન્ત્રેમેસિસ’ અને ઇટાલીમાં ‘ઇન્ટરમેઝી’ કહેવાતાં આ ઇન્ટરલ્યૂડ સંગીત સાથે ભજવાતાં. તેમાં આવતાં પાત્રો ભાવનાના નમૂના જેવા રૂપકાત્મક હતાં. દયા, યૌવન, નીતિમત્તા (morality), કરુણા વગેરેની રજૂઆત થતી. મધ્ય યુગમાં કૉમિક ભજવાતાં. ‘એનાલ્સ ઑવ્ ઇંગ્લિશ ડ્રામા’માં હાર્બેજ 90 જેટલાં ઇન્ટરલ્યૂડ્ઝના નામ આપ્યાં છે. ઇંગ્લૅન્ડમાં ભજવાતાં ‘મિસ્ટરી’, ‘મિરેકલ’ અને ‘મોરાલિટી’ નાટકો માટે તે કડીરૂપ છે. ઇન્ટરલ્યૂડની લંબાઈ આશરે એક હજાર પંક્તિની રાખવામાં આવતી. ‘યુથ’, ‘ધ પ્રાઇડ ઑવ્ લાઇફ’, ‘મેનકાઇન્ડ’ લોકપ્રિય; જ્યારે ‘ક્લજેન્સ ઍન્ડ લુક્રીસ’ અને ‘એપિયસ એન્ડ વર્જિનિયા’ દરબારી પ્રકારના ઇન્ટરલ્યૂડ્ઝ હતાં.
1493થી ઇલિઝાબેથના સમય સુધી એની ભજવણી લ્યુસૉર્સ રેગિસ-રાજ્યમંડળી દ્વારા થતી. તેમાં સમકાલીન જીવનનો ચિતાર અપાતો. પંદરમી સદી પછી તેમાં ધર્મનું પ્રાધાન્ય થયું. વસ્તુ થોડું ઐતિહાસિક અને હળવા કટાક્ષથી ભરેલું રહેતું. જ્હૉન રેડર્ફ્ડ, જ્હૉન રસ્ટેલ, જ્હૉન હેવૂડ, ડૅવિડ લિન્ડસે, જ્હૉન સ્કેલટન, જ્હૉન બેલે વગેરેએ આવાં ઇન્ટરલ્યૂડ લખેલાં. પરંતુ પછીથી કટાક્ષની માત્રા તીવ્ર બનતાં અને તેમાં સુરુચિભંગ જણાતાં 1533માં તેના પર પ્રતિબંધ મુકાયેલો. શ્રીમંતો અને રાજકારણીઓમાં તે અપ્રિય બનેલાં. તેમાંનાં કેટલાંકમાં ચર્ચારૂપ સંવાદો નિરૂપાતા. યુરોપીય નાટ્યસાહિત્યના ઇતિહાસમાં મોરાલિટી પ્લૅઝ ઇન્ટરલ્યૂડ પછી આવ્યાં. તેમાં કૉમિક અને ફારસનું તત્વ વિશેષ જોવા મળે છે.
પ્રસિદ્ધ લેખક જૉન હેવૂડ(1468)ના ઇન્ટરલ્યૂડ ‘ધ પ્લે ઑવ્ ધ વેધર’ (1533), ‘ધ ફૉર પીઝ’ (1545) નાનાં સુખાંત નાટક (comedy) તરીકે જાણીતાં છે. પછી રસ્ટેલ અને મેડવોલે એનો વિકાસ કર્યો. નિકોલોસ ઉડિલનાં ઇન્ટરલ્યૂડ પ્રારંભમાં કૉમેડી ગણાતાં. તેની સંરચના શિષ્ટ અને નાટ્યશૈલી વિશિષ્ટ પ્રકારની હતી.
માર્લો, શેક્સપિયર અને બેન જોન્સનનાં નાટકોમાં આ પ્રકારનાં ઇન્ટરલ્યૂડની અસર જોવા મળે છે. શેક્સપિયરના ‘અ મિડસમર નાઇટ્સ ડ્રીમ’માં ઇન્ટરલ્યૂડ ભજવાયાનો ઉલ્લેખ છે. ધી અર્લ ઑવ્ એસેક્સ પાસે ઇન્ટરલ્યૂડ ભજવનારી મંડળી હતી. મેરી-1ના શાસનકાળ સુધી ટ્યૂડર રાજસભામાં ‘કિંગ્સ ઇન્ટરલ્યૂડ’ નામની મંડળી હતી.
ઇ. કે. ચેમ્બર્સના મત મુજબ ઇન્ટરલ્યૂડ અંકો વચ્ચેના વિરામ સમયે નહિ પણ કોઈ પણ નાટક કે સમય સાથે સંબંધિત હોઈ શકે. ‘એવરીમૅન’ જેવાં ધાર્મિક અથવા ‘ફુલજન્સ ઍન્ડ લ્યુક્રેસી’ જેવાં સામાજિક ઇન્ટરલ્યૂડ ક્યારેક ગંભીર તો ક્યારેક હળવાં પણ હતાં. આ સ્વરૂપ ઇલિઝાબેથના સમય પછી લુપ્ત થયું.
સંસ્કૃત નાટકોમાં આવા પ્રકારના, અંકોની વચ્ચે ભજવાતા લઘુ વૃત્તાંતને પ્રવેશક, વિષ્કંભક કહેવાય છે. પરંતુ તેનું કાર્ય કેવળ કડી રૂપે હોય છે.
કૃષ્ણવદન જેટલી
રમણિકભાઈ જાની