ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશન (ICAO) : 52 દેશોના પ્રતિનિધિઓએ ભેગા મળીને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન અંગે 1940માં શિકાગોમાં સ્થાપેલી સંસ્થા. મૂળભૂત 96 કલમો ઘડવામાં આવી હતી. 26 દેશોએ તેના ઠરાવને માન્યતા આપીને 4 એપ્રિલ, 1947ના દિવસે આ સંસ્થાના અસ્તિત્વની વિધિસર જાહેરાત કરી હતી.

આ સંસ્થાની મુખ્ય કચેરી મોન્ટ્રિયલ(કેનેડા)માં છે. આ સંસ્થાનું મુખ્ય કામ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન વિકસાવવાનું, તેને માટેની જરૂરિયાત નક્કી કરવાનું તથા તે અંગેના નિયમો બનાવવાનું અને ખાસ તો સુરક્ષાને પ્રાધાન્ય આપીને સર્વમાન્ય ધોરણો(standards) નક્કી કરવાનું છે.

સભ્ય દેશોના સહકાર અને સંસ્થાએ બનાવેલા નિયમોના પાલનની અપેક્ષા છે. બીજા વિશ્વયુદ્ધ પછી નાગરિક વિમાની ઉડ્ડયનની ઝડપી પ્રગતિ થતાં, ઉડ્ડયનની ઊંચાઈ સાચવવાનાં ધોરણો, આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરતી વખતે જાળવવાની શિસ્ત, વિમાનઘર પર ઉતરાણ/ઉડ્ડયન વખતે તેમજ માર્ગમાં જરૂરી બનતી નૌનયન સવલતો (navigational aids) વગેરે માટેનાં આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરવાની જવાબદારી આ સંસ્થાએ સ્વીકારેલી છે.

આ સંસ્થાનું સભ્યપદ ફક્ત સ્વાયત્ત દેશને જ મળે છે. કોઈ વિમાની કંપની સભ્ય થઈ શકતી નથી. (વિમાની કંપની માટે ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન નામનું એક અલગ અંગ છે.) આ સંસ્થા યુનોનું એક ખાસ અંગ છે. તેમ છતાં આમાં સભ્ય થવા ઇચ્છતા દેશો માટે યુનોના સભ્ય હોવું જરૂરી નથી હોતું.

આ સંસ્થાનું સ્વાયત્ત અંગ તેની મહાસભા (assembly) છે, જેની સામાન્ય બેઠક દર ત્રણ વર્ષે મળે છે. તે 27 સભ્યોની સંચાલન સમિતિ ચૂંટી કાઢે છે. દરેક સભ્ય-દેશને ‘એક મત’ હોય છે. આ સંચાલન સમિતિ ઍર નૅવિગેશન કમિશન, વિમાન પરિવહન કાયદા તેમજ આર્થિક ભંડોળ સમિતિ તથા તકનીકી અને શાસન સમિતિઓ મળીને આ સંસ્થાને તેના કાર્ય અને કાર્યક્ષેત્ર વિશે દોરવણી આપે છે. આ સંસ્થાની 6 વિભાગીય કચેરીઓ પણ છે અને તે થાઇલૅન્ડ, ઇજિપ્ત, સેનેગલ, પેરુ, મેક્સિકો અને ફ્રાન્સમાં આવેલી છે. તેની સભ્યસંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.

પ્રકાશ રામચંદ્ર