ઇન્ટરનેશનલ ક્લિયરિંગ યુનિયન
January, 2002
ઇન્ટરનેશનલ ક્લિયરિંગ યુનિયન : સુવર્ણધોરણની પડતી પછી આંતરરાષ્ટ્રીય સ્તરે વૈકલ્પિક નાણાવ્યવસ્થાની યોજના. આંતરરાષ્ટ્રીય સ્તરે નવી નાણાવ્યવસ્થા ઊભી કરવાના હેતુથી 1944માં અમેરિકાના બ્રેટનવૂડ્ઝ ખાતે આયોજિત પરિષદમાં બ્રિટને ઇન્ટરનેશનલ ક્લિયરિંગ યુનિયનની સ્થાપના અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેની વિગતોનો ખરડો સુવિખ્યાત અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સે તૈયાર કર્યો હતો અને તેથી તે ‘કેઇન્સ યોજના’ (Keyne’s Plan) તરીકે જાણીતી થઈ હતી.
કોઈ પણ દેશની આંતરિક બૅન્ક અને ક્લિયરિંગ હાઉસ સામાન્ય રીતે જે કાર્યો કરતાં હોય છે તે જ પ્રકારનાં કાર્યો આ સંસ્થા માટે સૂચવવામાં આવ્યાં હતાં. આ સંસ્થા મારફત સભ્ય દેશો બહુપક્ષીય ધોરણે આંતરરાષ્ટ્રીય દેવાની પતાવટ કરે, લેણદેણની સમતુલામાં ખાધ ભોગવતા સભ્ય દેશોને વધુ ઉપાડ(overdraft)ની સગવડ આપે તથા સભ્ય દેશો વચ્ચેના પારસ્પરિક વ્યવહારોની પતાવટના માધ્યમ તરીકે પોતાના ચલણ ‘બકોર’(Bancor)નું સર્જન કરે વગેરે બાબતો આ યોજનામાં સામેલ કરવામાં આવી હતી. દરેક સભ્યદેશ માટે વધુમાં વધુ શાખનો ક્વોટા નિર્ધારિત કરવાનું સૂચન પણ પ્રસ્તાવમાં હતું. લેણદેણની સમતુલામાં સતત ખાધ કે અધિશેષ ધરાવતા દેશો માટે રક્ષણની પૂર્વવ્યવસ્થા તથા શિક્ષાત્મક પગલાં બંનેનો ઉલ્લેખ હતો.
પરિષદે બ્રિટનનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો અને તેથી આ સંસ્થા સ્થપાઈ ન હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે