ઇઝાયાહના : ઇઝરાયલના સુપ્રસિદ્ધ ધર્મપ્રણેતા ઇઝાયાહે (ઈ. સ. પૂ. 742 – ઈ. સ. પૂ. 701) રચેલું ધર્મપુસ્તક. પિતા એમોઝ ઇઝાયાહ જેરૂસલેમમાં વસેલા.
આ પુસ્તકની 1948માં Dead Sea Scrolls – મૃત સમુદ્રમાંથી મળી આવેલ લખોટા-વીંટામાં બે હસ્તપ્રતો મળી આવી હતી. એ હિબ્રૂ ભાષાનું સૌથી પ્રાચીન તેમજ બાઇબલના જૂના કરારનું સૌપ્રથમ અને સૌથી લાંબું પુસ્તક છે. મુખ્ય પેગંબરો વિશેનું આ પુસ્તક એક કરતાં વધુ લેખકોની કૃતિ છે.
આ પુસ્તકની રચના ઈ. સ. પૂ. 200માં સમાપ્ત થયાનું કહેવાય છે. પુસ્તકના ત્રણ ભાગ છે. પ્રથમ પ્રકરણથી પાંત્રીસમા પ્રકરણ સુધી ઇઝાયાહે લખ્યાનું વિદ્વાનો માને છે તે ‘પ્રથમ ઇઝાયાહ’ ગણાય છે. ચાલીસથી પંચાવન પ્રકરણો ‘બીજા ઇઝાયાહ’ અને છપ્પનથી છાસઠ પ્રકરણો ‘ત્રીજા ઇઝાયાહ’ તરીકે ઓળખાય છે.
‘પ્રથમ ઇઝાયાહ’માં જુદા જુદા સમયના રાજકીય, આર્થિક બનાવો ઉપરાંત ઇમૅન્યુઅલની ભવિષ્યવાણીમાં ઈસુ ખ્રિસ્ત અંગે ઉલ્લેખ છે. આ પુસ્તકના ચાર કાળવિભાગ છે : (1) ઈ. સ. પૂ. 747 – ઈ. સ. પૂ. 736, (2) ઈ. સ. પૂ. 736 – ઈ. સ. પૂ. 735, (3) ઈ. સ. પૂ. 716 – ઈ. સ. પૂ. 711 અને (4) ઈ. સ. પૂ. 705 – ઈ. સ. પૂ. 701. આ બધા કાળનાં લેખનો સાત કથનસંગ્રહોમાં સંકલિત થયાં છે. તેમાં પાપ, ન્યાય અને ન્યાયમાંથી મુક્તિના વિષયો છે.
‘બીજા ઇઝાયાહ’માં કાવ્યો અને પ્રાર્થનાઓ છે, અને ઇઝરાયલનો ભગવાન એ જ એક સાચો ભગવાન છે એમ જણાવ્યું છે. તેમાં ‘પ્રભુના ચાકર’નો નિર્દેશ ઈસુ ખ્રિસ્ત માટે કરેલો છે.
‘ત્રીજા ઇઝાયાહ’માં પુનર્નિર્માણ પામેલ મંદિરના કાર્ય વિશે ચૌદ પ્રકરણો છે. તેમાં સૅબથ અને સંપ્રદાય પર ભાર મુકાયો છે. આ ભાગમાં બાઇબલના સર્વોત્તમ ફકરાઓનો સમાવેશ થાય છે.
દેવવ્રત પાઠક
કૃષ્ણવદન જેટલી