ઇજિપ્તનું પંચાંગ : પ્રાચીન ઇજિપ્તનું ઋતુ-આધારિત સૌર પંચાંગ. એમાં 30-30 દિવસના બાર મહિના અને વધારાના પાંચ દિવસ મળીને કુલ 365 દિવસનું વર્ષ હતું. વર્ષની શરૂઆત નાઇલ નદીમાં પૂર આવે તે સમયથી કરવામાં આવતી હતી. વ્યાધ તારાની નજદીક સૂર્ય આવે ત્યારે નાઇલમાં પૂર આવતું હતું, પણ વ્યાધ તારાનું દર્શન દર ચાર વર્ષે એક દિવસ મોડું થતું હતું. આ ફરક ધ્યાનમાં રાખી, ઇજિપ્શિયનોએ દર 1460 વર્ષે એક વર્ષ(365 દિવસ)નો ફરક દાખવતા સોથિક (Sothic) ચક્રની યોજના કરી, જેના આધારે નદીના પૂરનો તેમજ વ્યાધ તારાના દર્શનનો ચોક્કસ સમય કહી શકાતો હતો. ઈ. સ. પૂ. 2700માં ઇજિપ્તે મંજૂર કરેલી ઉક્ત યોજના બાદ, ઈ. સ. પૂ. 238માં દર ચાર વર્ષે વધારાનો એક દિવસ ગણતરીમાં લેવાના ટૉલેમીએ કરેલા સૂચનનો ઇજિપ્શિયનોએ અસ્વીકાર કર્યો હતો; પણ કેટલાંક વર્ષ બાદ ઈ. સ. પૂ. 23માં સમ્રાટ ઑગસ્ટસનું તે પ્રકારનું સૂચન સ્વીકારાયું હતું.
1582માં પોપ ગ્રેગરી દ્વારા પ્રચલિત થયેલા શુદ્ધ વર્ષના પંચાંગનો ઇજિપ્તે બહુ મોડે છેક 1875માં સ્વીકાર કરેલો છે.
છોટુભાઈ સુથાર