ઇજનેરી
કુદરતી સ્રોતો(resources)નું માનવજાતિના ઉપયોગ માટે ઇષ્ટતમ રૂપાંતરણ કરવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરતી વ્યાવસાયિક કળા. ઇજનેરી વ્યવસાય યંત્રો, પ્રયુક્તિઓ (devices) અને સંરચનાઓ-(structures)ની અભિકલ્પના (design) અને નિર્માણ સાથે સંકળાયેલો છે. વૈજ્ઞાનિક પ્રકૃતિનાં રહસ્યો ઉકેલવાનું વલણ ધરાવે છે, જ્યારે ઇજનેરનું કાર્ય તે જ્ઞાનનો વિનિયોગ કરવાનું હોય છે. વિજ્ઞાની પ્રાયોગિક રીતે ચકાસેલ ભૌતિક વિશ્વ અંગેના માહિતીના જ્ઞાનપુંજમાં સતત ઉમેરો કરતો રહે છે, જ્યારે ઇજનેર આ જ્ઞાનને વ્યવહારમાં નક્કર સ્વરૂપ આપવાનું કાર્ય કરે છે.
લૅટિન શબ્દ ingenere, જેનો અર્થ નિર્માણ કરવું થાય છે તે ઉપરથી અંગ્રેજી શબ્દો engine અને ingenious ઊતરી આવ્યા છે. engineનો મૂળ અર્થ to contrive, યુક્તિ કરવી એવો હતો અને યુદ્ધ દરમિયાન સંરક્ષણ અને આક્રમણની યુક્તિઓ(ખાસ કરીને પથ્થર ફેંકવાનાં યંત્રો, તરતા પુલ, કિલ્લા વગેરે)ની ડિઝાઇન કરનાર એટલે engineer-એન્જિનિયર અથવા મિલિટરી એન્જિનિયર. મિલિટરી એન્જિનિયરનું નાગરિક ક્ષેત્રમાં પ્રતિરૂપ (counterpart) એટલે સિવિલ એન્જિનિયર – સિવિલ ઇજનેર. યુદ્ધ માટે વપરાતી યુક્તિ-પ્રયુક્તિનાં જ્ઞાન અને કૌશલનો ઉપયોગ કરીને સિવિલ ઇજનેર નાગરિકોના લાભાર્થે ઇમારતો, મહોલ્લાઓ, જલયોજના, ગટરયોજના વગેરે સુવિધાઓનું આયોજન કરતો.
ઇજનેરી જ્ઞાનનો પાયો ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ઉપર મંડાયેલો છે. આ ઉપરાંત તેના અભ્યાસમાં સામગ્રીવિજ્ઞાન (materials science), ઘન અને તરલની યાંત્રિકી (solid and fluid mechanics), ઉષ્માગતિકી (thermodynamics), સ્થાનાન્તરણ અને દર-પ્રક્રમો (transfer and rate processes) અને પ્રણાલીપૃથક્કરણ (system analysis) અગત્યનાં છે. આ ઉપરાંત જરૂરિયાત પ્રમાણે ઇજનેરી શાખાઓના વિવિધ અભ્યાસમાં બીજા વિષયો પણ ઉમેરવામાં આવે છે.
વિજ્ઞાનીની જેમ ઇજનેરને સમસ્યાની પસંદગીનો અવકાશ ઓછો રહે છે. એણે તો તેની સમક્ષ ઉપસ્થિત થતી સમસ્યાનો સ્પષ્ટ ને મૂર્ત ઉકેલ સૂચવવાનો હોય છે. ઉકેલ સૂચવતી વખતે પરસ્પરવિરોધી જરૂરિયાતોને લક્ષમાં રાખવી પડે છે; દા.ત., કાર્યદક્ષતા તથા સલામતીની સામે ખર્ચનો પ્રશ્ન આવે તેમજ કાર્યની સંગીન અને સંકીર્ણ સંરચના કરવી પડે. ઇજનેરી ઉકેલ પરસ્પરવિરોધી જરૂરિયાતોને સંતોષતો ઇષ્ટતમ (optimum) ઉકેલ હોય છે; દા. ત., અમુક નક્કી કરેલી કામગીરી માટેનો સૌથી ઓછા ખર્ચવાળો કે વજનની મર્યાદામાં સૌથી વધુ વિશ્વાસપાત્ર ઉકેલ લાવવામાં આવે.
ઇજનેરો બે પ્રકારની કુદરતી સંપદા – માલસામગ્રી અને ઊર્જા-વાપરતા હોય છે. ઊર્જાના સામાન્ય સ્રોતોનો જથ્થો અખૂટ હોતો નથી. તેથી આ સ્રોતોનો કરકસરભર્યો ઉપયોગ તથા નવા સ્રોતોની શોધ પણ ઇજનેરોના કાર્યક્ષેત્રમાં આવી જાય છે.
ઇજનેરી પ્રવૃત્તિનો માનવકલ્યાણમાં નોંધપાત્ર ફાળો છે. આ ક્ષેત્રની પ્રગતિથી સારા આવાસ, વધુ અનાજનું ઉત્પાદન, ઝડપી અને સલામત વાહનવ્યવહાર, પૌષ્ટિક સ્વચ્છ આહાર, ચોખ્ખું પાણી, ઊંચું જાહેર સ્વાસ્થ્ય, આયુમર્યાદામાં વધારો, કારખાનાંઓમાં વધુ સલામત અને આરામદાયક કાર્યસ્થિતિ (working condition) એમ એકંદરે જીવન વધુ આનંદપ્રદ અને આરામદાયક બનતું રહ્યું છે.
ભારતમાં ઇજનેરની કેળવણી પૉલિટૅકનિક સંસ્થાઓ, કૉલેજો અને આઇ. આઇ. ટી. સ્તરની એમ ત્રણ કક્ષાએ ગોઠવાયેલી છે. દરેક દેશમાં ઇજનેરીનો વ્યવસાય કરતા નિષ્ણાતોએ મંડળો સ્થાપેલાં છે. આ મંડળો ઇજનેરોની કેળવણીનું તેમજ વ્યવસાયનું સ્તર જાળવવા માટે જાગ્રત હોય છે. આ મંડળો ઇજનેરી વ્યવસાયના સભ્યો પ્રત્યેની, તેના માલિક પ્રત્યેની તથા સમગ્ર સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારીને કામ કરે છે. આ મંડળો સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી વિસ્તરેલાં છે.
ઇજનેરી વ્યવસાય અતિ પ્રાચીન છે. અઢારમી સદી સુધી વૈજ્ઞાનિક, શોધક (inventor) અને નિર્માણ કરનાર (builder) વચ્ચે ખાસ ભેદ રાખવામાં આવતો ન હતો. મેમ્ફિસ (ઇજિપ્ત) પાસે સોપાનયુક્ત પિરામિડ બાંધનાર ઇમ્હોટેપ પ્રથમ નામ અને કાર્યથી જાણીતો ઇજનેર ગણાય છે. ઇજિપ્શિયન, પર્શિયન અને ગ્રીકો વડે અનુભવમૂલક પદ્ધતિઓની મદદમાં ગણિત, ભૂમિતિ અને પ્રાકૃતિક વિજ્ઞાનમાંથી થોડું થોડું લઈને સિવિલ ઇજનેરીનો નોંધપાત્ર વિકાસ સધાયો હતો. ઇજનેરીના વિકાસ માટે કાર્યક્ષમ ઓજારો અને પાયાની પ્રવિધિઓની શોધ એ પ્રથમ પગથિયું ગણાય. ઇજિપ્ત સામ્રાજ્યના સમયે લેથ વપરાશમાં હતો. ધાતુગાળણ, ધાતુકામ, ધાતુનું ઢાળવાનું વગેરે પ્રવિધિઓ વિકસી હતી અને વીંટાળયંત્ર (ઊંટિયો, windlass), નિરંત સાંકળ (endless chain) અને ધમણ જેવી પ્રયુક્તિઓ બહોળા વપરાશમાં હતી. વળી ચણતર માટે ખાણમાંથી પથ્થર કાઢવાની અને વિશાળ બાંધકામ માટેની પદ્ધતિ પણ સારી રીતે વિકસેલી હતી.
પૂર્વમાં ભારત, ચીન અને જાપાનમાં ઇજનેરી ક્ષેત્રે સારો વિકાસ સધાયો હતો. પ્રાચીન ભારતમાં ઇજનેર માટે ‘શિલ્પી’ અને ઇજનેરી માટે ‘શિલ્પ’ શબ્દો વપરાશમાં હતા. ભૃગુસંહિતામાં શિલ્પ સંબંધી નવ શાસ્ત્રનો અને તેમાં અભિપ્રેત 32 વિદ્યાઓ અને 64 કલાઓનો ઉલ્લેખ છે. આમાંની કેટલીય કલાઓ આધુનિક ઇજનેરી શાખાઓ સાથે આશ્ચર્યકારક સામ્ય ધરાવે છે.
1. કૃષિશાસ્ત્ર : વૃક્ષવિદ્યા, પશુવિદ્યા અને મનુષ્યવિદ્યા.
2. જલશાસ્ત્ર : સિંચાઈવિદ્યા, જલવહનવિદ્યા અને સ્તંભનવિદ્યા.
3. ખનિજશાસ્ત્ર : ખનનવિદ્યા, ભસ્મીકરણવિદ્યા, મિશ્રણવિદ્યા અને પૃથક્કરણવિદ્યા.
4. નૌકાશાસ્ત્ર : તરણવિદ્યા, નૌકાવિદ્યા અને નૌકાયાનવિદ્યા.
5. રથશાસ્ત્ર : અશ્વવિદ્યા, પથવિદ્યા અને સેતુવિદ્યા.
6. અગ્નિયાનશાસ્ત્ર : ઉડ્ડયનવિદ્યા અને વિમાનવિદ્યા.
7. ગૃહવિદ્યા : આવાસ, ઇતર આવાસ, મંદિર અને પ્રાસાદ.
8. સુરક્ષાશાસ્ત્ર : દુર્ગવિદ્યા, કૂટવિદ્યા, યુદ્ધવિદ્યા.
9. નગરરચનાશાસ્ત્ર : વ્યાપારસ્થળવિદ્યા, રાજગૃહવિદ્યા, દેવાલયવિદ્યા, સર્વજનનિવાસવિદ્યા અને વનોપવનવિદ્યા.
દિલ્હીમાં આવેલા અશોકસ્તંભને તે જમાનાના લોખંડ-ઉદ્યોગની ભારતની પ્રગતિનું પ્રતીક ગણી શકાય. ગ્રીકો યાંત્રિક પ્રયુક્તિઓના બુદ્ધિશાળી શોધકો હતા અને તેમની અભિકલ્પના અનુસારનાં યંત્રો તો સદીઓ પછી વિકસ્યાં હતાં. ઍલેક્ઝાંડ્રિયાના હિરોએ બે પ્રકારનાં વાયુયંત્રો રચ્યાં હતાં. આમાંનું એક મંદિરનાં દ્વાર ખોલવા માટેનું હતું અને બીજું યાંત્રિક રમકડું હતું, જે જેટ એન્જિનના સિદ્ધાંત રજૂ કરતું હતું. આ જમાનામાં યાંત્રિક ઇજનેરીના પાયામાં ઉચ્ચાલન (lever), ફાંસ (wedge), ગરગડી, ચક્ર અને ધરીનો ઉપયોગ થતો હતો.
જલચક્ર (water wheel) ઈ. સ. પૂ. ચોથી સદીમાં શોધાયું અને મનુષ્ય કે પ્રાણીના ઉપયોગ વગર સૌપ્રથમ શક્તિ મેળવવાનું શક્ય બન્યું. જલચક્રને આથી પ્રથમ સાચું પ્રચાલક (prime mover) ગણી શકાય. બે સદી પછી આર્કિમિડિસે પ્રવાહીમાં ડુબાડેલ અને તરતા ઘન પદાર્થોની યાંત્રિકી(mechanics)નો અભ્યાસ કર્યો. રોમનોએ ગ્રીક પ્રયુક્તિઓને સુધારીને તેમનો ઉપયોગ ધોરી માર્ગ, જલસેતુ (aqueduct) અને ભવ્ય ઇમારતોના બાંધકામમાં કર્યો અને આ જ્ઞાનને તે જમાનાના વિશ્વમાં ફેલાવ્યું. તે જમાનાના ઇજનેરી કૌશલનાં સાક્ષીરૂપ આમાંનાં કેટલાંક બાંધકામો કાળની સામે ટક્કર ઝીલતાં ઊભેલાં છે. ઈસુની પ્રથમ સદીમાં વિટ્રુવિયસે લખેલ De architecturaના દસ ગ્રંથોની શ્રેણી રોમન ઇજનેરી જ્ઞાનના સારસંગ્રહરૂપ ગણી શકાય. પ્રાચીન ચીનાઓ પણ ગ્રીક જેવા શોધકો હતા, પણ તેમની શોધો – પવનચક્કી (ચીનમાં ઈ. પૂ. 400માં વપરાતી), બે દટ્ટાવાળી ધમણ અને ઠેલણગાડી (wheel barrow) પશ્ચિમની દુનિયામાં પહોંચતાં સદીઓ વહી ગઈ.
મધ્યયુગી યુરોપમાં ઇજનેરનું મુખ્ય કાર્ય યુદ્ધમાં કામ લાગે તેવાં યંત્રોના અભિકલ્પ અને નિર્માણ તથા કિલ્લાઓ અને વિશાળ પ્રાસાદોની રચના અંગેનું હતું. ઇજનેરી પ્રવિધિઓ તથા યંત્રો તરફના આકર્ષણને કારણે ઇજનેરી જ્ઞાનમાં ઝડપી વૃદ્ધિ થવા લાગી. તેરમી સદીમાં ખ્રિસ્તી મઠોએ યંત્રો અંગેની સચિત્ર હસ્તપ્રતો બહાર પાડવાની પ્રવૃત્તિ હાથ ધરી હતી. હોનેકોર્ટ નામના પાદરીએ બહાર પાડેલ સ્કેચબુક તે જમાનાના ઇજનેરોનું ગણિત, ભૂમિતિ, પ્રાકૃતિક વિજ્ઞાનના તથા ડ્રાફ્ટ્સમૅન તરીકેના તેમના બહોળા જ્ઞાનની સાક્ષીરૂપ છે. પંદરમી સદીમાં છાપકામની શોધ થતાં આવાં પુસ્તકો બહોળા વપરાશમાં આવ્યાં અને ઘણા ચિત્રકાર-તંત્રવિદોએ (painter technologists) યંત્રો તથા વિવિધ હુન્નરો અંગેનાં પુસ્તકો તૈયાર કર્યાં હતાં. આમાં લિયૉનાર્દો દ વિન્ચીનું નામ ઘણું જાણીતું છે. જ્યૉર્જિઓ માર્ટિનીએ 1475માં આવી ગ્રંથશ્રેણી તૈયાર કરી હતી. જર્મન વૈજ્ઞાનિક એગ્રિકોલાએ (1494–1555) ખાણઉદ્યોગ અને ધાતુશાસ્ત્રની પ્રવિધિઓ ઉપર સચિત્ર પુસ્તક બહાર પાડ્યું, જે લગભગ એક સદી સુધી પાઠ્યપુસ્તક તરીકે વપરાશમાં રહ્યું. ઇટાલિયન ઑગસ્ટિનો રામેલિએ 1588માં પાણીની શક્તિથી ચલાવી શકાય તેવાં વિવિધ યંત્રો વિશે પુસ્તક બહાર પાડ્યું. આમ, ઇજનેરી જ્ઞાન પુસ્તકો રૂપે બહાર પાડવાની આ પ્રથા સદીઓ સુધી ચાલી અને ઇજનેરી જ્ઞાનના વિકાસમાં તેનો ફાળો નોંધપાત્ર બની રહ્યો.
નવયુગની શરૂઆતમાં જ ઇજનેરી જ્ઞાન અનુભવજન્ય જ્ઞાનના સમુચ્ચય ઉપર આધાર રાખવા ઉપરાંત વૈજ્ઞાનિક નિયમો ઉપર વધુ ને વધુ આધાર રાખતું થયું. મહાન વિજ્ઞાન-સિદ્ધાંતવિદોએ જે જ્ઞાનરાશિ એકત્ર કર્યો હતો તે ઇજનેર-શોધકોને ઉપયોગ માટે પ્રેરણારૂપ હતો. યાંત્રિક શોધો જ ઔદ્યોગિક વિકાસ સાધી શકે તેમ છે તેવા વિચારથી ઘણાં રાષ્ટ્રોએ શોધક-પ્રતિભા(inventive genius)ને પારિતોષિકોથી સન્માનવાની તથા આવી પ્રતિભાઓ છેલ્લામાં છેલ્લી શોધો વિશે આદાન-પ્રદાન કરી શકે તે માટે મંડળો સ્થાપવાની યોજના કરી હતી.
સત્તરમી અને અઢારમી સદીમાં પાયાના માલસામાનની ગુણવત્તામાં થયેલ સુધારાએ ઇજનેરી વિકાસમાં બળ પૂર્યું. લાકડાને બદલે બીડનું લોખંડ વપરાશમાં આવ્યું. બળતણ માટે લાકડાંને બદલે ખનિજ કોલસો અને કોક વપરાશમાં આવ્યાં. આથી ખાણોનો તથા કોલસાની હેરફેર માટેનાં સાધનોનો વિકાસ થયો. ખાણમાંથી પાણી બહાર કાઢવા માટે વધુ કાર્યક્ષમ પંપોની જરૂર પડતાં ખાણઉદ્યોગના વિકાસની સાથે પંપ-તકનીકીનો વિકાસ થયો. 1698માં ટૉમસ સેવરીને તેની વરાળથી ચાલતા પંપ અંગેની શોધ માટે પેટન્ટ મળી હતી. આ પછી 14 વર્ષે ન્યુકોમૅને વરાળ-એન્જિનની શોધ કરી. આ શોધને ઇજનેરીના આધુનિક યુગના મંડાણના પ્રથમ સોપાન તરીકે ગણી શકાય.
સિવિલ ઇજનેર શબ્દનો પ્રયોગ અઢારમી સદીમાં સૌપ્રથમ થયો. 1747માં ફ્રાંસમાં પ્રથમ ઇજનેરી શાળાની શરૂઆત થઈ. આ શાળાએ ધોરી માર્ગ, પુલો, ધક્કાઓ, બંદરો વગેરેનાં બાંધકામ કરતી વ્યક્તિઓ સામાન્ય કારીગરો નહિ પણ એક સન્માનનીય વ્યવસાયના સભ્યો હતા, તે વિચારનું પ્રતિપાદન કર્યું હતું. જ્હૉન સ્મિટને (1724-92) ઇંગ્લૅન્ડમાં ઇડિસ્ટોન દીવાદાંડી બાંધી હતી. તેણે પોતાને માટે ‘મિલિટરી ઇજનેર’ને બદલે ‘સિવિલ ઇજનેર’ એવો શબ્દપ્રયોગ કરવાનો આગ્રહ રાખ્યો. તેણે ટૉમસ ટેલ્ફૉર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સનું પ્રમુખપદ (1757-1834) સ્વીકાર્યું. તેના કાર્યકાળ દરમિયાન તે સંસ્થાને 1828માં રાજ્ય તરફથી માન્યતા (Royal Charter) મળી. એ રીતે વિશ્વનું સૌપ્રથમ ઇજનેરોનું મંડળ અસ્તિત્વમાં આવ્યું.
સ્કૉટલૅન્ડના ઇજનેર જેમ્સ વૉટની વરાળ-એન્જિનની શોધ તથા કાપડ-ઉદ્યોગ માટેનાં યંત્રોના વિકાસની સાથે ઇજનેરીની વિશિષ્ટ શાખા યાંત્રિક ઇજનેરીનો પણ બ્રિટનમાં પ્રારંભ થયો. યાંત્રિક ઓજારોના વિકાસથી આ શાખાને ઘણું મોટું પ્રોત્સાહન મળ્યું. 1750થી 1850 વચ્ચે યુરોપ અને અમેરિકામાં થયેલ ઝડપી ઉદ્યોગીકરણમાં સિવિલ અને યાંત્રિક ઇજનેરીનો મોટો ફાળો છે. 1851માં પૅરિસમાં ભરાયેલ મોટા પ્રદર્શનમાં વરાળયંત્રો અને તેનાથી ચાલતાં યંત્રો પ્રદર્શિત થયાં હતાં. આ ઉપરાંત સિરસ મેકકોર્મિકનું લણણી માટેનું યંત્ર (reaper) તથા અદલબદલ કરી શકાય (interchangeable) તેવા ભાગોવાળી અમેરિકાની રાઇફલો પણ ત્યાં પ્રદર્શિત થઈ હતી. આ પ્રકારની રાઇફલો ભવિષ્યમાં આવનાર જથ્થાબંધ ઉત્પાદન(mass production)ની આગાહીરૂપ હતી. આ પ્રદર્શન ક્રિસ્ટલ પૅલેસ, જે લોખંડ અને કાચને લગતા ઇજનેરી કૌશલનું પ્રતીક હતું, ત્યાં ભરવામાં આવ્યું હતું.
વોલ્ટાના વિદ્યુતકોષ(1800)થી શરૂ કરીને માઇકેલ ફેરેડે અને અન્ય વૈજ્ઞાનિકોના પ્રયોગોએ ડાઇનેમો અને ઇલેક્ટ્રિક મોટરની શોધને શક્ય બનાવી. આને પરિણામે વિદ્યુત ઇજનેરી શાખાનો જન્મ થયો. ક્લાર્ક મૅક્સ્વેલ અને હર્ટ્ઝના સંશોધને તથા લી દ ફૉરેસ્ટે વિકસાવેલ વૅક્યુમટ્યૂબે ઇલેક્ટ્રૉનિક્સ ઇજનેરી નામની શાખાને અસ્તિત્વમાં આણી. બાર્ડીન અને બ્રિટેને ટ્રાન્ઝિસ્ટરની શોધ કરીને ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રે ક્રાંતિ આણી છે. આ શોધને કારણે આ શાખાનો એટલો બધો વિકાસ થયો છે કે બધી શાખાઓના કુલ ઇજનેરોની સરખામણીમાં વિદ્યુત અને ઇલેક્ટ્રૉનિક્સના ઇજનેરોની સંખ્યા આધુનિક વિશ્વમાં વધુ છે !
ધાતુશાસ્ત્ર, આહાર, કાપડઉદ્યોગ જેવાં ક્ષેત્રોની ઔદ્યોગિક પ્રવિધિઓમાં આવતી રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસના પરિપાકરૂપ રાસાયણિક ઇજનેરી નામની શાખા વિકાસ પામી છે. 1880ના અરસામાં ઔદ્યોગિક નિર્માણમાં રસાયણોની મોટી માગ ઊભી થતાં આ રસાયણોનું ઉત્પાદન આ નવી શાખાનું ધ્યેય બન્યું. પેટ્રોલઉદ્યોગનો વિકાસ અને આ ઉદ્યોગમાં મળતાં રસાયણો રાસાયણિક ઉદ્યોગ માટેનો કાચો માલ બનતાં રાસાયણિક ઇજનેરીના ઝડપી વિકાસને પ્રોત્સાહન મળ્યું. રાસાયણિક દ્રવ્યોના જથ્થાબંધ ઉત્પાદન માટેની પ્રવિધિ તથા યોગ્ય સાધનોનો વિકાસ એ રાસાયણિક ઇજનેરનું મુખ્ય કાર્ય છે.
ઓગણીસમી સદીના મધ્યાહનથી શુદ્ધ વિજ્ઞાનની નવી શોધો, નવા પદાર્થો, નવા પ્રશ્નો અને નવી શક્યતાઓને કારણે ઇજનેરી વધુ ને વધુ વિશિષ્ટતા અને વૈવિધ્ય તરફ ઢળતી ગઈ છે. તેને પરિણામે ઇજનેરીની અનેક નાનીમોટી શાખાઓ અસ્તિત્વમાં આવતી જાય છે. અગત્યની ઇજનેરી શાખાઓ અંગેની ટૂંકી માહિતી નીચે દર્શાવી છે :
અગ્નિનિરોધક ઇજનેરી : આગ ઓલવવાનાં સાધનો અને પદ્ધતિઓનો વિકાસ, માણસ તથા મિલકતનો બચાવ, જાહેર બાંધકામોની તથા કારખાનાંઓની અગ્નિનિરોધક ડિઝાઇન તથા અગ્નિ અંગેની ચેતવણીની પદ્ધતિઓ વગેરે.
ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રૉનિકલ ઇજનેરી : વિદ્યુત-ઊર્જાના ઉત્પાદન અને સંચરણ ઉપરાંત માનવઉપયોગી વિદ્યુત-ઉપકરણોનો વિકાસ. ઇલેક્ટ્રૉનિક્સનો વિકાસ થતાં ઉપકરણોનું કદ નાનું થતું ગયું છે, તેને લગતી ગતિવિધિનું તંત્ર.
ઉપકરણ–ઇજનેરી (instruments engineering) : સતત સ્વયંચાલિત પ્રવિધિઓમાં દરેક સોપાને તાપમાન દબાણ, પ્રવાહની ઝડપ અને તેના ઘટકોનું પૃથક્કરણ ઉપકરણો મારફત કરવામાં આવે છે. રાસાયણિક ઇજનેરીમાં તથા પેટ્રોલિયમ-ઉદ્યોગમાં આ શાખા ઘણો અગત્યનો ભાગ ભજવે છે.
ઍરોસ્પેસ–ઇજનેરી (aerospace engineering) : પૃથ્વીની સપાટીથી અંતરીક્ષ સુધીમાં સંચાર કરનાર યાનોની ડિઝાઇન, રચના તથા પ્રચાલન તથા તેને લગતા સંદેશાવ્યવહાર વગેરેને લગતું તંત્ર.
ઔદ્યોગિક ઇજનેરી (industrial engineering) : ઔદ્યોગિક પ્રવિધિઓનું શાસ્ત્રીય વ્યવસ્થાપન.
ઔદ્યોગિક સ્થાપત્ય ઇજનેરી (industrial design engineering) : બહોળું ઉત્પાદન કરતાં કારખાનાંઓનું સ્થાપત્ય. હવા, ઉજાસ અને કારીગરોને કામકાજમાં અનુકૂળતા રહે તે રીતની વ્યવસ્થા.
કૃષિ–ઇજનેરી (agriculture engineering) : ખેતીની જમીન તથા ખેતીની સુધારણા, સિંચાઈ, ખેતીનાં યંત્રો વગેરેના અભ્યાસનો આ પ્રકારમાં સમાવેશ થાય છે.
ખનન–ઇજનેરી (mining engineering) : મનુષ્ટને ઉપયોગી ખડક તથા ખનિજનો જથ્થો શોધી કાઢીને આર્થિક રીતે પોસાય તે રીતે તેને બહાર લાવવાનું તંત્ર.
ખનિજતેલ–ઇજનેરી : ખનિજતેલ/વાયુનું અન્વેષણ તથા તેને બહાર કાઢવાનું તંત્ર.
છાપકામ–ઇજનેરી (printing engineering) : છાપકામ અંગેની વિવિધ ઝડપી અને વિશિષ્ટ કાર્યક્ષમ પદ્ધતિઓનો વિકાસ.
જળમાર્ગ–ઇજનેરી (river engineering) : કુદરતી જળપ્રવાહની જળમાર્ગ, પૂરનિયંત્રણ, ઊર્જા-ઉત્પાદન, સિંચાઈ, પાણી-પુરવઠો અને પ્રદૂષણની ર્દષ્ટિએ જાળવણી.
જાહેર આરોગ્ય ઇજનેરી (public health engineering) : ઇજનેરી તથા જીવશાસ્ત્રના જ્ઞાનનો જાહેર સ્વાસ્થ્યમાં વિનિયોગ. ચોખ્ખા પાણીનો પુરવઠો, ગટરયોજના, કચરા(waste)નો નિકાલ, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને અટકાવવી, આવાસોનાં બાંધકામ અને પ્રદૂષણનિરોધક પગલાં વગેરે.
તોલમાપ–ઇજનેરી (weight and measure engineering) : તોલમાપના દ્વિતીય માનકો (standards) બનાવવા તથા તેમની જાળવણી અને વિવિધ પ્રકારનાં તોલમાપ માટેનાં સાધનોનું અંકના (calibration) કરવું અને ચકાસવું વગેરે.
દહન–ઇજનેરી (combustion engineering) : ઉદ્યોગમાં ઇંધનના કાર્યક્ષમ વપરાશમાં દહનશાસ્ત્રનો ઉપયોગ. ઘરમાં વપરાતા ચૂલાથી અંતર્દહન એન્જિન અને વિપુલ પ્રમાણમાં અશ્મીભૂત ઇંધનો વાપરતાં વિશાળ વિદ્યુત-મથકો દહનશાસ્ત્રના ઉપયોગનાં ક્ષેત્રો છે.
ધાતુકર્મીય ઇજનેરી (metallurgical engineering) : ધાતુ અને મિશ્રધાતુઓની કારીગરી અને વિજ્ઞાન. ધાતુઓનું નિષ્કર્ષણ, મિશ્રધાતુઓનું નિર્માણ, તેમને આકાર આપવાનું, રચના (fabrication) અને તેમના સંરચનાત્મક ગુણધર્મોની ચકાસણી વગેરે.
ધોરી માર્ગ ઇજનેરી (highway engineering) : સિવિલ ઇજનેરીની શાખા, જે ધોરી માર્ગની ડિઝાઇન, બાંધકામ તથા માર્ગની સપાટીની જાળવણી અંગે કાર્ય કરે છે. આમાં માટીકામ, જલનિકાસ, દિશાસૂચન તથા ભયસૂચનનાં ચિહનો મૂકવાં વગેરે સમાવી લેવાય છે.
ધ્વનિક ઇજનેરી (acoustic engineering) : નાટ્યગૃહો, સિનેમાગૃહો તથા વ્યાખ્યાનખંડોમાં ઘોંઘાટ ઓછો થાય અને સારું સાંભળી શકાય તેવી ડિઝાઇન અંગેનાં અભ્યાસ અને આયોજન.
નૌરચના–ઇજનેરી (ship-building engineering) : વહાણ, આગબોટ, યુદ્ધજહાજો, સબમરીન, વિમાનવાહક જહાજોની બાંધણી તથા તેમનું પ્રચાલન વગેરે.
ન્યૂક્લિયર ઇજનેરી : ન્યૂક્લિયર પ્રક્રિયાઓની મદદથી વિદ્યુત-ઊર્જાનું ઉત્પાદન, રેડિયો-સમસ્થાનિકોનું ઉત્પાદન તથા રેડિયેશનથી રક્ષણ સાધી આપતી ઇજનેરીની શાખા.
પ્રણાલી–ઇજનેરી (systems engineering) : આયોજન, નિર્માણ, પ્રક્રમો (processes) વગેરે વચ્ચેના સંબંધોથી રચાતી પ્રણાલીનું પૃથક્કરણ.
પ્રદીપન–ઇજનેરી (lighting engineering) : આવાસો, જાહેર બાંધકામો, સિનેમા તથા નાટ્યગૃહો અને જાહેર રસ્તાઓનું પ્રકાશ-આયોજન.
પ્લાસ્ટિક ઇજનેરી : વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પદાર્થોમાંથી ગૃહ તથા ઉદ્યોગને ઉપયોગી વસ્તુઓના નિર્માણ અંગે ટૅકનિક વિકસાવતું તંત્ર.
બાયૉમેડિકલ ઇજનેરી : રૂઢ ઇજનેરી જ્ઞાન અને તકનીકનો જીવશાસ્ત્ર તથા આયુર્વિજ્ઞાનમાં ઉપયોગ; દા.ત., મૂત્રપિંડના બદલે ડાયાલિસિસ, હાડકાના બદલે ધાતુના સાંધા વગેરેનું પ્રવર્તન દર્શાવતું તંત્ર.
બાંધકામ ઇજનેરી (construction engineering) : વિવિધ પ્રકારનાં બાંધકામ ઉપર જ વધુ ધ્યાન આપતી સિવિલ ઇજનેરીની શાખા.
બાંધકામ–સાધનસામગ્રીના વિજ્ઞાનની ઇજનેરી : બાંધકામનાં બિનધાતુ તેમજ ધાતુનાં સાધનોનો વૈજ્ઞાનિક અભ્યાસ.
મૃત્તિકા–ઇજનેરી (ceramics engineering) : ઘરવપરાશ તથા ઉદ્યોગ માટેની વસ્તુઓની બનાવટમાં માટીનો ઉપયોગ દર્શાવતી પ્રવિધિઓનું તંત્ર.
યાંત્રિક ઇજનેરી (mechanical engineering) : ઇજનેરી કૌશલનો યંત્ર વડે વિનિયોગ. ઊર્જાના ઉત્પાદન તથા સંચરણ ઉપરાંત વિવિધ પ્રકારનાં યંત્રો (ખોદકામનાં, માટી ખસેડવાનાં, ખેતીનાં, વાહનવ્યવહારનાં વગેરે ઓજારો) તથા ભિન્ન-ભિન્ન પ્રકારના ગૃહ-ઉપયોગી માલસામાનનું ઉત્પાદન.
રસાયણ–ઇજનેરી (chemical engineering) : રાસાયણિક પરિવર્તનોની (transformation) ઇજનેરી. આ ઇજનેરી શાખા વિવિધ રાસાયણિક ઉદ્યોગો(આલ્કલી, ઍસિડ, રંગકો, પ્લાસ્ટિક રેસાઓ, ઔષધો, પેસ્ટિસાઇડ, પેટ્રોરસાયણ વગેરે)ના સંચાલનમાં અગત્યની છે.
વસ્ત્ર–ઇજનેરી (textile engineering) : વિવિધ પ્રકારના રેસાઓનું કાંતણ, વણાટ તથા તેના ઉપરની રાસાયણિક પ્રવિધિઓ.
સલામતી–ઇજનેરી (safety engineering) : સંરચનાઓ તથા પ્રવિધિઓનો સલામતીની ર્દષ્ટિએ અભ્યાસ, સલામતી માટેનાં જરૂરી પગલાં તથા સાધનોનો વિકાસ, ભયની અગમચેતી આપતાં સાધનોનો વિકાસ વગેરે.
સંદેશવહન–ઇજનેરી (communication engineering) : સંદેશવ્યવહારની પદ્ધતિ, સાધનો વગેરેના વિકાસની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ.
સંરચનાત્મક ઇજનેરી (structural engineering) : વિવિધ પ્રકારની સંરચનાઓની ડિઝાઇનની ઇજનેરી. પુલો, બંધ, મોટાં મકાનો વગેરેની ડિઝાઇનની સ્થાયિતા તથા સલામતી વગેરેની ર્દષ્ટિએ ચકાસણી.
સિવિલ ઇજનેરી (civil engineering) : ઇમારતો, પુલો, રેલમાર્ગ, ધોરી માર્ગ, ટનેલ, વિમાનઘરો, બંદરો, રેલવેસ્ટેશન, જળમાર્ગ, સુએજ વગેરેની ડિઝાઇન અને રચના દર્શાવતું તંત્ર.
સૈન્ય–ઇજનેરી (military engineering) : લશ્કરી મથકો માટે(installation)નું આયોજન અને નિર્માણ, કિલ્લેબંધી, પુલો વગેરેનું બાંધકામ. પાણી તથા વીજળીનો પુરવઠો, સુરંગોને શોધીને નાશ કરવાનું, સુરંગો ગોઠવવાનું, છદ્મ આવરણ (camouflage) રચવાનું, યુદ્ધના શસ્ત્રસરંજામની દુરસ્તી વગેરે.
સ્થાપત્ય ઇજનેરી (architectural engineering) : નગર-આયોજન સહિત વિવિધ પ્રકારનાં બાંધકામોની ડિઝાઇન તથા રચના અંગેનું માર્ગદર્શન આપતી ઇજનેરીની શાખા.
સ્વયંચાલન–ઇજનેરી (automation engineering) : જથ્થાબંધ માલના ઉત્પાદન માટેની સ્વયંસંચાલિત પ્રવિધિઓનો વિકાસ સાધી આપતું તંત્ર.
વી. જે. જાની