આસામ સ્ટેટ મ્યુઝિયમ, ગુવાહાટી (આસામ) (સ્થાપના 1940) : કામરૂપ અનુસંધાન સમિતિ (આસામ સંશોધન મંડળ) દ્વારા એકત્રિત કરાયેલ પુરાવસ્તુઓનો સંગ્રહ. આ પુરાવસ્તુઓના વિશાળ સંગ્રહને શિલાલેખો, સિક્કાઓ અને પ્રતિમાઓના વિભાગોમાં પ્રદર્શિત કરાયો છે.
આસામ પ્રદેશમાંથી એકત્રિત કરાયેલ શિલ્પકૃતિઓને મુખ્ય ચાર વર્ગમાં મૂકી શકાય : પથ્થર, કાષ્ઠ, ધાતુ અને ટેરાકોટા. ગુપ્તકાળના પ્રાચીન ઉત્કીર્ણ લેખોમાં આસામનો કામરૂપ તરીકે ઉલ્લેખ કરાયો છે. શિવ તેમનાં પત્ની સતીના મૃતદેહને લાવેલા અને ક્રોધાવેશમાં અતિ ખિન્ન બનીને નૃત્ય કરેલું. તેથી સતીના શરીરનાં અંગો બધે છૂટાં છૂટાં વીખરાઈ ગયાં. બ્રહ્મપુત્ર નદીને કિનારે ગુવાહાટી નજીકની ટેકરી પર હાલ જ્યાં કામાખ્યા દેવીનું મંદિર છે ત્યાં સતીની યોનિ પડ્યાનું કહેવાય છે.
કામાખ્યા દેવીના આ મંદિરમાં આજે પણ શક્તિને પ્રસન્ન કરવા પશુનો ભોગ આપવામાં આવે છે. મ્યુઝિયમમાંની ઘણી શિલ્પકૃતિઓ આ પ્રદેશની સંસ્કૃતિનાં વિવિધ પાસાં રજૂ કરે છે. તેમાંનું દેવીનું પૂતળું (નવમી સદી) અને પ્રેમી યુગલોની પ્રતિમાઓ શક્તિપૂજાની પરંપરાનાં સૂચક છે. દિવ્ય હાથી પર આરૂઢ ઇન્દ્રનું ધાતુશિલ્પ અદભુત છે.
આ મ્યુઝિયમમાં હસ્તપ્રતોનો પણ સમૃદ્ધ સંગ્રહ છે. આ હસ્તપ્રતો અગરુ વૃક્ષની છાલમાંથી તૈયાર કરેલાં પત્રો પર લખાયેલી છે.
બળદેવભાઈ કનીજિયા