આષાઢ કા એક દિન (1958) : હિન્દી નાટકકાર મોહન રાકેશનું ત્રિઅંકી નાટક. તેને દિલ્હીની સંગીત નાટક અકાદમીનું પારિતોષિક (1959) મળેલું. પ્રથમ વાર મંચન-1962. નાટકને હિન્દીમાં તથાકથિત ‘સાહિત્યિક’ નાટકની પકડમાંથી મુક્ત કરવામાં આ નાટક અને તેના લેખકનું પ્રદાન નોંધપાત્ર છે. કવિ કાલિદાસના જીવનમાં કાલ્પનિક પ્રણયકથાને ગૂંથતું, આ નાટકનું કથાનક આમ તો કલાકારના, એના ‘સ્વ’ના ‘પર’ સાથેના સંબંધને, તેમજ કલાકારના કલાજીવનના વિવિધ તબક્કાઓમાં આવતા સંઘર્ષોને વિશેષત: નિરૂપે છે. કાલિદાસ અને તેની પ્રેમિકા મલ્લિકા ઘાયલ મૃગશાવકની શુશ્રૂષા કરતાં હોય છે ત્યારે ઉજ્જૈનનો શિકારી રાજદૂત કાલિદાસને રાજકવિ તરીકે ઉજ્જૈન પધારવા મહારાજાનું નિમંત્રણ આપે છે. મલ્લિકાની જ પ્રેરણાથી મનોહારી ગ્રામભૂમિ તજીને કવિ દ્વિધામુક્ત થઈને રાજસન્માન સ્વીકારે છે. ઉજ્જૈનના રાજવી કાલિદાસને કાશ્મીરની રાજસત્તા અને રાજકુંવરી પ્રિયંગુમંજરીનો હાથ સોંપે છે. અન્ય ગ્રામયુવક વિલોમના પ્રણયનો ત્યાગ કરીને કાલિદાસની વિરહવેદનામાં મલ્લિકા જીવન વ્યતીત કરે છે. કાલિદાસની કૃતિઓનો અભ્યાસ કરતી મલ્લિકાને વર્ષો પછી સમાચાર મળે છે કે કાશ્મીરમાં વિદ્રોહનો અગ્નિ જાગતાં, અને વારાંગનાના પ્રેમનો અપવાદ લાગતાં, કાલિદાસે સંન્યસ્ત ગ્રહણ કર્યું છે. બીજે જ દિવસે કાલિદાસ અને મલ્લિકાનું મિલન થાય છે. સીવેલાં ભૂર્જપત્રોની ભેટ કાલિદાસને આપતાં મલ્લિકા કહે છે, ‘‘આના ઉપર તમે એક મહાકાવ્યની રચના કરો.’’ કાલિદાસ આ પ્રેમપુરસ્કારનાં પાનાં ફેરવે છે, તો એના ઉપર મલ્લિકાનાં અશ્રુબિન્દુઓના ડાઘા દેખાય છે. કાલિદાસ કહે છે, ‘‘તારાં અશ્રુબિન્દુઓથી તો મહાકાવ્યની રચના થઈ ચૂકી છે. બાકી તો તને યાદ કરીને મેં ‘મેઘદૂત’ જેવું પ્રણયકાવ્ય અને ‘શાકુંતલ’ જેવું નાટક તો લખ્યું છે.’’ એ દરમિયાન વિલોમ પ્રવેશે છે, ત્યારે એ વાતનો ઘટસ્ફોટ થાય છે કે માતા અંબિકાના આગ્રહથી વિલોમ સાથે મલ્લિકાનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને એને એક બાળક પણ છે. કાલિદાસ વિદાય લે છે.
આ સદીના છઠ્ઠા-સાતમા દશકમાં હિન્દી થિયેટરમાં ખૂબ ચર્ચાયેલા આ નાટકની પ્રથમ રજૂઆત દિલ્હીની રાષ્ટ્રીય નાટ્યશાળાના વિદ્યાર્થીઓ પાસે ઇબ્રાહીમ અલકાઝીએ 1962માં કરાવી હતી.
આ નાટકનું પ્રાણતત્વ કથાવસ્તુમાં રહેલું કૌતૂહલ છે. એની લાક્ષણિકતા એ છે કે એમાં બાહ્ય સંઘર્ષને સ્થાને આંતરસંઘર્ષનું સફળતાથી રંગમંચીય નિરૂપણ થયું છે. કાલિદાસ અને મલ્લિકા દ્વારા લેખકે પુરુષની મહત્વાકાંક્ષા અને સ્ત્રીની ત્યાગભાવના, એ બંનેનો સંઘર્ષ પ્રેક્ષકોને આસ્વાદ્ય બને એ રીતે દર્શાવ્યો છે. નાટકની કાવ્યાત્મક શક્તિ, મનોવૈજ્ઞાનિકતા, આધુનિકતા અને સમકાલીનતાને કારણે આ નાટકને આધારે મણિ કૌલે આ જ નામની એક ફિલ્મ 1971માં બનાવી હતી જેને નાટક જેટલી જ સફળતા મળી હતી. એમાં મુખ્ય કલાકાર હતાં રેખા સબનીસ, અરુણ કોલપેકર તથા ઓમ્ શિવપુરી. સ્ત્રીના પ્રથમ પ્રેમનું ચિત્રણ આટલું કાવ્યાત્મક રીતે અન્ય કોઈ ભારતીય ભાષામાં આટલી મંચીય શક્યતા સાથે આધુનિક કાળમાં સર્જાયું નથી. કાલિદાસના સમયની ઐતિહાસિકતાને વળોટીને એ થિયેટરકલા અને ચરિત્રચિત્રણમાં આધુનિક યુગના કલાજીવનના પ્રશ્નો બળૂકી રીતે રજૂ કરે છે. આ નાટકના ગુજરાતી, મરાઠી, બંગાળી અને અંગ્રેજીમાં અનુવાદો થયા છે.
હસમુખ બારાડી
રામકુમાર ગુપ્તા