આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા

January, 2002

આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, કૉલકાતા (સ્થાપના 1937) : પાલ અને સેન-કાળની શિલ્પકૃતિઓ(આઠમીથી બારમી સદી)નો સંગ્રહ ધરાવતું મ્યુઝિયમ. મહાન કેળવણીકાર સર આશુતોષ મુખરજીની યાદગીરીમાં તે સ્થાપવામાં આવેલું છે. પાલ અને સેન કાળની શિલ્પકૃતિઓ પ્રાચીન ગુપ્ત કાળની શિલ્પ-સંસ્કૃતિથી પ્રેરિત હોવાનું જણાય છે. પાલ રાજવીઓએ બૌદ્ધ ધર્મની શિલ્પકલાકૃતિઓ કંડારેલ મંદિરો બંધાવ્યાં. સેન રાજવીઓ હિંદુ હોઈ તેમના કાળમાં હિંદુ શિલ્પકળા વિકસી. આ મંદિરોની દીવાલોમાં કંડારેલી વિવિધ શિલ્પકૃતિઓ તથા પ્રખ્યાત નાલંદા વિશ્વવિદ્યાલયના અવશેષો રૂપે મળેલા હાથકારીગરીના સમૃદ્ધ નમૂનાઓ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

દુર્ગા

દુર્ગા

કૉલકાતાની પશ્ચિમે 200 કિમી. દૂર આવેલ વિષ્ણુપુર પ્રદેશનાં મંદિરોમાંની માટીની પકવેલી પ્રાચીન કલાકૃતિઓની પૅનલોનો ઘણો મોટો સંગ્રહ અહીં રજૂ કરવામાં આવ્યો છે. પ્રથમ માળે આવેલી ગૅલરીમાં હસ્તકલાના નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાં કર્મકાંડની વસ્તુઓ, રમકડાં અને ઢીંગલીઓ પણ ગોઠવવામાં આવેલ છે. તેમાંનાં રંગીન ઘુવડ સૌથી વધુ ધ્યાન ખેંચે છે.

દીવાલો પરનાં રંગીન પટચિત્રો ખૂબ આકર્ષક છે. આ મ્યુઝિયમમાં કેટલીક સચિત્ર હસ્તપ્રતો છે. તેમાં કલ્પસૂત્રની હસ્તપ્રત (ગુજરાત, સોળમી સદી) અને બંગાળના મિદનાપુર જિલ્લામાંથી મળેલી રામાયણની હસ્તપ્રત (અઢારમી સદી) ખાસ ઉલ્લેખનીય છે. કેટલીક હસ્તપ્રતો કાષ્ઠના પૂંઠાથી સુરક્ષિત કરાઈ છે. કેટલીક હસ્તપ્રતો સચિત્ર તાડપત્રો રૂપે છે. આ હસ્તપ્રતો ઢેખાળિયા રાતા રંગથી, સૂર્યમુખી જેવા પીળા રંગથી અને કાળા તથા સફેદ રંગથી સુશોભિત કરાઈ છે. તેમાં હાથે રંગેલાં ગંજીફાનાં પત્તાંનો નાનો સંગ્રહ પણ છે.

બિહાર, બંગાળ, બાંગ્લાદેશ (ઢાકા), ઓરિસા અને આસામના અહીં પ્રદર્શિત સુતરાઉ તેમજ રેશમી કાપડના કેટલાક નમૂનાઓ અતિ આકર્ષક છે.

પૂર્વ ભારતની ધાતુપ્રતિમાઓ, પ્રાચીન ભિત્તિચિત્રોની પ્રતિકૃતિઓ, નેપાળનાં લઘુચિત્રો, લોકકલાકૃતિઓ, ભરતકામની કલાત્મક કથાઓ વગેરેનો સંગ્રહ પણ મહત્વનો છે. આ મ્યુઝિયમનો વહીવટ કૉલકાતા યુનિવર્સિટી હસ્તક છે.

બળદેવભાઈ કનીજિયા