આશાન કુમારન્ (જ. 12 એપ્રિલ 1873 ત્રિવેન્દ્રમ્; અ. 16 જાન્યુઆરી 1924 એલેપ્પી, ત્રાવણકોર) : અર્વાચીન મલયાળમ કવિ. કુમારન્ પ્રણય અને દર્શનના કવિ છે.
કવિતાના માધ્યમ દ્વારા જીવનનું રહસ્ય જાણવા માટે આત્મતત્વમાં અવગાહન કર્યું હોય એવો બીજો કોઈ મલયાળમ કવિ નથી. તેઓ દલિત જાતિમાં જન્મ્યા હતા અને તેથી ઉચ્ચ વર્ગના સમાજ તરફથી એમને અનેક અપમાનો અને અવહેલના સહેવાં પડ્યાં હતાં. આથી એ એક તરફ આત્મચિંતન તરફ વળ્યા તો બીજી તરફ વિપ્લવી બન્યા. નાનપણમાં જ એમણે તમિળ અને સંસ્કૃતનું ગહન અધ્યયન કર્યું હતું. એ જ વખતે એઓ અર્વાચીન યુગના મહાન ચિંતક શ્રી નારાયણગુરુના સંપર્કમાં આવેલા, જેને પરિણામે એમના વ્યક્તિત્ત્વમાં પરિવર્તન થયું. ઉચ્ચ અભ્યાસ માટે એમને બૅંગાલુરુ અને કૉલકાતા મોકલવામાં આવ્યા અને બંગાળમાં તેઓ બ્રહ્મોસમાજીઓના અને બંગીય નવજાગૃતિકાળના લેખકોના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. એમણે અંગ્રેજીનું પણ અધ્યયન કર્યું હતું તથા યુરોપની પ્રશિષ્ટ કૃતિઓનું અધ્યયન કર્યું. એ જ્યારે કેરળમાં પાછા ફર્યા ત્યારે એમનું વ્યક્તિત્વ પૂરેપૂરું બદલાઈ ચૂક્યું હતું. તેમણે કાવ્યરચના શરૂ કરી. એમનું કાવ્ય ‘વીણા પૂવુ’ (ખરી પડેલું ફૂલ) ઈ. સ. 1908માં પ્રગટ થયું અને મલયાળમ કવિતામાં રંગદર્શિતાવાદનું મંડાણ થયું. એમણે સામાજિક અન્યાય સામે પણ લડત ચલાવી હતી. એમાં પણ એમણે કવિતાનો માધ્યમ તરીકે અસરકારક ઉપયોગ કર્યો હતો. એમણે ‘વિવેકોદયમ્’ નામનું યોગનું માસિક શરૂ કરેલું. પછાત વર્ગોને થતા અન્યાયની સામે ઝુંબેશ ચલાવી હતી. કવિતામાં તેમણે વિષય અને શૈલીની દૃષ્ટિએ અનેક નવા પ્રયોગો કર્યા છે. એમની કવિતામાં ચિંતન છે, પણ તેથી કાવ્યો ભારેખમ બનતાં નથી અને રસતત્ત્વ જળવાઈ રહે છે. એમના કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે : ‘વીણા પૂવુ’, ‘નલિની’, ‘લીલા’, ‘પ્રરોદનમ્’ અને ‘ચિંતાવૈશિષ્ટ્યા સીતા’. એમનું મૃત્યુ બોટ-અકસ્માતમાં થયું હતું.
અક્કવુર નારાયણન્