આવેગ : એક મન:શારીરિક અવસ્થા. આવેગ માટે ‘સંવેગ’, ‘ભાવના’, ‘મનોવેગ’, ‘ભાવાવેગ’ વગેરે શબ્દો પ્રયોજાય છે. આવેગની વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ છે, કારણ આવેગોનો અનુભવ અનન્ય હોવાથી તેનું કોઈ વ્યાવર્તક લક્ષણ આપી શકાતું નથી. આમ છતાં સ્વાનુભવથી તે જાણી શકાય છે. પ્રેમ, ભય, ગુસ્સો, ઈર્ષ્યા, આનંદ, તિરસ્કાર વગેરે આવેગો છે.
વ્યક્તિના વર્તનને અસર કરનારાં પ્રબળ આંતરિક બળોમાં આવેગોની ગણના થાય છે. સામાન્ય રીતે આવેગો ઉપર આપણું ઐચ્છિક નિયંત્રણ હોતું નથી. વ્યક્તિ ભલે કોઈ પરિસ્થિતિમાં શાંત રહેવાનો નિશ્ચય કરે, પણ આવેગો ક્યારે ઉપર ઊછળી આવે તે કહેવાય નહિ. ઘણી વાર દેખીતા કારણ વગર પણ આપણે ગુસ્સામાં, ભયમાં, અથવા ચિંતામાં હોઈએ છીએ. આ આવેગોની અવગણના કર્યે ચાલે નહિ.
આવેગમાં બાહ્ય વસ્તુનું અથવા પરિસ્થિતિનું પ્રત્યક્ષ બોધન હોય છે; વિસ્તૃત પ્રમાણમાં આંતરિક અને બાહ્ય શારીરિક ફેરફારો હોય છે તેમજ હાજર વસ્તુ અથવા પરિસ્થિતિ પ્રત્યે આકર્ષણ અથવા અણગમો અથવા તિરસ્કારનો ભાવ જણાય છે તેમજ તેની સાથે અભિમુખતા કે વિમુખતા માટે વર્તનની તૈયારી હોય છે. આમ, આવેગ વ્યક્તિને કાર્યાન્વિત કરનારું એક શક્તિશાળી પરિબળ હોય છે.
પ્રતિભાસમીમાંસકો (phenomenologists), મનોવિજ્ઞાની, મનોપચારશાસ્ત્રી વગેરે અનેકે આવેગ વિશેના સિદ્ધાંત રજૂ કર્યા છે. આવેગોના અભ્યાસ માટે અંત:સૂઝ અને વ્યક્તિનિષ્ઠ અનુભવોના વ્યવસ્થિત વિશ્લેષણથી માંડીને શાબ્દિક અભિવ્યક્તિ, શારીરિક આવિર્ભાવો અને વર્તનના ઝીણવટભર્યા માપન સુધીની અનેક પદ્ધતિઓ વપરાય છે.
એક બાજુ પ્રતિભાસમીમાંસકોને મતે આવેગોનાં ગુણવત્તા અને મહત્વ સીધાં વ્યક્તિનિષ્ઠ અનુભવોમાં જ છે અને તેનાં વર્ણન અને વિશ્લેષણ માનવે બાહ્યજગત અને ‘સ્વ’ વિશે થતા અનુભવોનાં લક્ષણ-વર્ણન દ્વારા કરવાં જોઈએ, તો બીજી બાજુ વર્તનવાદીઓને મતે વ્યક્તિનિષ્ઠ માનસિક અનુભવનો અભ્યાસ બિલકુલ જરૂરી નથી. આવેગોનો અભ્યાસ માત્ર બહારથી તેમજ ઉપકરણો દ્વારા થઈ શકે છે. નિરીક્ષણ કરી શકાય તેવી વર્તનઘટના પૂરતો જ અભ્યાસ મર્યાદિત રાખવો જોઈએ; જોકે આજના મનોવૈજ્ઞાનિકો આવેગોને જાણવા, સમજવા અર્થે આંતરિક અને બાહ્ય અનેક દિશાથી મળતાં પુરાવા અને માહિતીનું સરખી જ રીતે સ્વાગત કરે છે.
આવેગોના માપન અર્થે મદદરૂપ થતા ત્રણ માહિતીસ્રોતો છે : (1) શાબ્દિક અભિવ્યક્તિ, (2) શારીરિક આંતરાભિવ્યક્તિ (દા.ત., લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે, લોહીનો દાબ વધે છે, ચયાપચયક્રિયાની ઝડપ વધે છે, ઉપવૃક્ક ગ્રંથિ તેના સ્રાવો લોહીમાં રેડે છે વગેરે) અને (3) બાહ્ય અભિવ્યક્તિ (દા.ત., મુઠ્ઠી વળાય છે, આંખ લાલ થાય છે, શરીર ધ્રૂજે છે વગેરે). આંતરિક શારીરિક ફેરફાર માટે સ્વાયત્ત મજ્જાસંસ્થા જવાબદાર હોય છે, જ્યારે બાહ્ય અભિવ્યક્તિ માટે ઇચ્છાવર્તી મજ્જાતંત્ર મહદ્ અંશે જવાબદાર હોય છે. વૉલ્ટર કૅનનના મત મુજબ સ્વાયત્ત મજ્જાતંત્રના સહાનુકંપી (sympathetic) વિભાગનું કાર્ય કટોકટીના સમયે શરીર વધુ કાર્યક્ષમતાથી કરે તે અર્થે સ્નાયુઓમાં ઊર્જા ઉપલબ્ધ કરી આપવાનું હોય છે, જ્યારે પરાસહાનુકંપી (parasympathetic) વિભાગનું કાર્ય શરીરની શક્તિઓને સાચવવાનું હોય છે. સહાનુકંપી મજ્જાસંસ્થાની ઉત્તેજનાથી માપન કરી શકાય તેવા વ્યાપક શારીરિક ફેરફાર થાય છે. દા.ત., પરસેવો છૂટે, હૃદયસ્પંદનનો વેગ વધે, શરીરના આંતરવર્તી અને બાહ્યવર્તી સ્નાયુઓમાં થતા લોહીના વિતરણમાં ફેરફાર થાય, ઉપવૃક્ક ગ્રંથિ લોહીમાં વધુ એપિનેફ્રિન અને નૉરએપિનેફ્રિન અંત:સ્રાવો રેડે, લોહીમાં કોલેસ્ટેરૉલનું પ્રમાણ વધે વગેરે. આ બધા આંતરિક ફેરફાર શરીરને કટોકટીના સમયમાં વધુ કાર્યક્ષમ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર કરે છે. આવેગોના માપનમાં આ શારીરિક ફેરફારનું માપન ઘણું મહત્વ ધરાવે છે, પરંતુ માનવીમાં આ શારીરિક ફેરફારનું અર્થઘટન વ્યક્તિના પ્રકટ વર્તનના નિરીક્ષણ તેમજ તેની શાબ્દિક પ્રતિક્રિયાના અવલોકન વગર અપૂર્ણ રહે છે. માત્ર શારીરિક માપન આવેગનું અસ્તિત્વ જણાવે છે, પણ કયો આવેગ અનુભવાય છે તે જાણવા માટે તે હંમેશાં ઉપયોગી હોતું નથી. ‘મને ભય લાગે છે’, ‘હું ખુશમિજાજ છું’ જેવી શાબ્દિક અભિવ્યક્તિ ઉપરથી કયો આવેગ અનુભવાય છે તે ઓળખી શકાય છે. ઉપરાંત વ્યક્તિના માનસિક અનુભવની જાણકારી પ્રશ્નાવલિ દ્વારા લઈ શકાય છે તેમજ ચહેરાનો આવિર્ભાવ અને શરીરસ્થિતિ પણ મહત્વની માહિતી પૂરી પાડે છે.
આવેગોનું બે વર્ગોમાં વર્ગીકરણ કરી શકાય છે : (1) અભિમુખતાની પ્રતિક્રિયા (approach reactions) અને (2) વિમુખતાની પ્રતિક્રિયા (withdrawal reactions). સ્નૈર્લાને મતે પ્રતિક્રિયા અભિમુખતાની છે કે વિમુખતાની છે તે આવેગની ઉત્તેજનાની માત્રા ઉપર અવલંબે છે.
આવેગોનાં જુદાં જુદાં માપનો વચ્ચેના આંતરસંબંધો સંકુલ જણાય છે. સ્વાયત્ત મજ્જાતંત્રને કારણે થતા ફેરફાર ન ગણીએ તોપણ આવેગપ્રતિક્રિયાની તરેહો (patterns) વ્યક્તિનિષ્ઠ જણાય છે. સ્વાયત્ત મજ્જાતંત્રના કાર્યમાં પણ વ્યક્તિભિન્નતાઓ હોય છે. વિકૃતભય(phobia)થી પીડિત જુદા જુદા માણસોમાં નિરીક્ષણો અને માપનો એક જ તીવ્રતાની પ્રતિક્રિયા બતાવતાં નથી. કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં અતિતીવ્ર ભાવનો શાબ્દિક અહેવાલ આપે, પણ તેના શારીરિક આંતરિક ફેરફાર તે તીવ્રતા દર્શાવતા નથી. આથી આવેગોનાં વિવિધ માપનો વચ્ચે ઉચ્ચ કક્ષાના આંતરસંબંધોની અપેક્ષા ન રખાય. કઈ વસ્તુને અથવા પરિસ્થિતિને કયા આવેગની પ્રતિક્રિયા કેટલી તીવ્રતાથી અપાય તે બાબત વ્યક્તિના પૂર્વાનુભવો અને તેને મળતા પ્રબલનાત્મક શિક્ષણ વગેરે ઉપર અવલંબે છે.
બ્રિજેશ જેવા બાળવિકાસના મનોવિજ્ઞાની સ્વીકારે છે કે બાળકમાં જન્મ વખતે સ્થૂળ, સમગ્ર શરીરને આવરી લે તેવી એક જ પ્રકારની ઉત્તેજના (excitement) હોય છે, જેમાંથી આગળ જતાં એક બાજુ અભિમુખતાની વિધાયક (positive) આવેગપ્રતિક્રિયાઓ અને બીજી બાજુ વિમુખતાની ઋણ (negative) આવેગપ્રતિક્રિયાઓ વિકસે છે. વૉટસનના મત મુજબ પ્રતિક્ષેપો જન્મસિદ્ધ હોય છે. જેમ કે, ભય, ગુસ્સો અને સુખ. અચાનક ઉદભવતા મોટા અવાજને ભયની પ્રતિક્રિયા અપાય છે; શરીરની હિલચાલને રુકાવટ થવાથી ગુસ્સાની પ્રતિક્રિયા અપાય છે અને શરીરના કેટલાક ભાગોમાં મૃદુ સ્પર્શ અથવા ગલીપચી થવાથી સુખાનુભવ થાય છે. આ ત્રણ આવેગ પ્રતિક્રિયાઓમાંથી આગળ જતાં અભિસંધાન (conditioning) અને પ્રબલન દ્વારા અન્ય આવેગપ્રતિક્રિયાઓ આકાર લે છે. મેક્ડૂગલના મત પ્રમાણે આવેગો બે જાતના હોય છે : પ્રાથમિક અને મિશ્ર અથવા ગૌણ (secondary). પ્રાથમિક આવેગો વારસાપ્રાપ્ત હોય છે અને મૂળ પ્રવૃત્તિઓની ચાલ શક્તિ પૂરી પાડે છે તેથી તેને ઊર્જાસ્રોતો કહે છે. મિશ્ર અને ગૌણ આવેગો સંગ્રથન અને વિશિષ્ટીકરણ દ્વારા વિકાસ પામે છે. હૅરી હાર્લોના મતે અર્ભકાવસ્થામાં માતા સાથે થતા શરીરસ્પર્શનું આવેગોના વિકાસમાં મહત્વ છે. બીજા કેટલાક મનોવૈજ્ઞાનિકો બાલ્યકાળમાં થતાં અનેકવિધ સાંવેદનિક ઉદ્દીપનોની આવેગોના વિકાસ ઉપર થતી અસર વર્ણવે છે. વર્તનવાદીઓ અભિસંઘાત ઉપર ભાર મૂકે છે, તો આયસેંક જેવા માનસઅભ્યાસકો સંપૂર્ણ મજ્જાકાર્યની તેમજ શિક્ષણશક્તિની વ્યક્તિવિશિષ્ટતાઓ ઉપર ભાર મૂકે છે.
ભિન્ન ભિન્ન આવેગાવસ્થામાં થતા શારીરિક ફેરફારની પ્રતિક્રિયાની જુદી જુદી તરેહો માટે કોઈ સ્પષ્ટ પુરાવો મળતો નથી. શાશ્ટર જેવા મનોવૈજ્ઞાનિકો માને છે કે વ્યક્તિ આવેગના અનુભવ વખતની બાહ્ય પરિસ્થિતિના ઘટકોના ઉપલક્ષ્યમાં જુદા જુદા આવેગોને નામ આપે છે. એ ખરું કે વિવિધ ભાવાનુભવોને ઓળખવામાં વિશિષ્ટ શારીરિક બોધાત્મક તેમજ વિશિષ્ટ વર્તનઘટકોની તરેહો ઉપરાંત બાહ્ય ઉદ્દીપક પરિસ્થિતિનું જ્ઞાન પણ કામમાં આવે છે.
કેટલાક શરીરક્રિયાવિજ્ઞાનીઓએ આવેગિક વર્તનમાં સંડોવાયેલાં મજ્જાકેન્દ્રો અને મજ્જામંડલો (neural circuits) શોધવાના પ્રયત્ન કર્યા છે. પાપેઝે સર્વપ્રથમ પ્રતિપાદન કર્યું કે આવેગમાં મધ્ય-મગજની આસપાસ વીંટળાઈ રહેલાં સીમાવર્તી મજ્જાતંત્રનાં વિવિધ કેન્દ્રો અને મંડલો કાર્યરત થાય છે. હાયપોથૅલેમસ, એમિગ્ડાલા, ભિત્તિવર્તી પ્રદેશ (septal region) વગેરે મજ્જાકેન્દ્રોના કાર્યના અભ્યાસ ઉપરથી જણાવે છે કે આ વિભાગોમાં એવાં વિશિષ્ટ કેન્દ્રો હોય છે કે તેના ઉદ્દીપન દ્વારા અથવા વિચ્છેદન દ્વારા આવેગવર્તન ઉપર વિશિષ્ટ અસરો પડે છે. માનવમાં નવ મસ્તિષ્ક-છાલ (new cortex) અને હાયપોથૅલેમસ વચ્ચેના જટિલ આંતરસંબંધો, પ્રત્યક્ષીકરણ, ધારણ અને શિક્ષણની પ્રતિક્રિયાઓ સાથે આવેગોના મિશ્રણમાં મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પ્રેરણ (arousal) અને આવેગોની ઉત્તેજનામાં ઊર્ધ્વગામી જાળયુક્ત સંરચના(ascending reticular formation)નું કાર્ય સંશોધાય છે.
ડૉ. સિગ્મંડ ફ્રૉઇડે આવેગોને ઊર્જાસ્રોતો તરીકે ઘટાવી, તેમના ઉદ્દીપનથી પ્રજ્વલિત થતી ઊર્જાનું નિસ્સરણ (discharge) કરવાથી જ માનસિક સમતુલા સાચવી શકાય છે એવો સિદ્ધાંત પ્રવર્તાવ્યો. આથી ફ્રૉઇડના મનોવિશ્લેષણ સિદ્ધાંતને કેટલીક વાર આવેગોનું મનોવિજ્ઞાન (feeling psychology) કહે છે. આવેગો દ્વારા પ્રજ્વલિત થતી ઊર્જાના નિસ્સરણના બે માર્ગો છે : (1) ‘ઍબ્રીઍક્શન’ અથવા ભૂતકાળના આવેગાનુભવોને પુનર્જીવિત કરી, તેની ઊર્જાનું નિસ્સરણ કરવું અને (2) ‘કૅથાર્સિસ’ અથવા વિરેચન.
આવેગો પર આટલાં બધાં સંશોધનો થયાં હોવા છતાં જીવનમાં આવેગોના કાર્ય અંગે ઘણું જાણવાનું બાકી રહે છે. બધા જ આવેગો કટોકટીની પ્રતિક્રિયા સ્વરૂપના હોતા નથી. કેટલાક મનોવૈજ્ઞાનિકો માને છે કે આવેગોના વર્ણપટના બે વિભાગ છે : (1) ઊર્જાને ગતિશીલ કરનારો વિભાગ અને (2) વૃદ્ધિ, વિસ્તરણ તેમજ આત્મવિકાસને સહાયક થતો વિધાયક વિભાગ. આમાંના બીજા વિભાગ ઉપર નહિવત્ ભાર મુકાય છે. માનવીના આવેગોની પૂરતી સમજ માટે આ વિધાયક વિભાગ ઉપર સંશોધન થવું જોઈએ તેમજ વ્યક્તિનિષ્ઠ અનુભવોના સૂક્ષ્મ અને સહેલાઈથી પકડી ન શકાય તેવા ઘટકોનું વધુ સંશોધન થવું જોઈએ.
ચિંતા ઉપર પણ મનોવિજ્ઞાનમાં ઘણું સંશોધન થયું છે. ચિંતાપ્રવણ (anxiety-prone) લોકો સાદી શિક્ષણપરિસ્થિતિમાં ઝડપથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ પસંદગી અને નિર્ણય ઉપર આધારિત શિક્ષણ-પરિસ્થિતિમાં એમનો શિક્ષણનો વેગ ધીમો પડે છે. કૉલેજોમાં ચિંતાગ્રસ્તતા અથવા તેના અભાવની, અલ્પકક્ષાની તેમજ ઉચ્ચકક્ષાની શિક્ષણક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓની ગુણપ્રાપ્તિ ઉપર બહુ અસર પડતી નથી, પરંતુ મધ્યમકક્ષાની શિક્ષણક્ષમતા ધરાવનાર વિદ્યાર્થીઓ, ચિંતાપ્રવણ નથી એવા વિદ્યાર્થીઓની સરખામણીમાં ઓછા ગુણ મેળવે છે તેવું કેટલાંક સંશોધનોનું તારણ છે.
ચિંતા એક શક્તિશાળી આવેગ છે અને તેનો આપણા વર્તન ઉપર ઘેરો અને દૂરગામી પ્રભાવ પડે છે. સર્વસામાન્ય રીતે ચિંતા એક અસુખપ્રદ અને અસ્પષ્ટ લાગણી હોય છે, જેમાં કશુંક ખરાબ અનિચ્છનીય બનવાનો ભય સમાયેલો હોય છે. શરીરપ્રક્રિયાની દૃષ્ટિએ ચિંતા સાથે સ્નાયુની તંગતા આવે છે તેમજ પેટમાં અમ્લપિત્ત વધુ ઠલવાઈ જાય છે; હથેલીઓ પરસેવાથી ભીની થાય છે તેમજ હૃદયના ધબકારા મંદ પડે છે. ચિંતા અસ્પષ્ટ હોવાથી તેનો સામનો કરવો, તેને પહોંચી વળવું બહુ મુશ્કેલ હોય છે. ચિંતાનું ચોક્કસ કારણ જાણી શકાતું ન હોવાથી અથવા શું ખરાબ થવાનું છે તેની કોઈ કલ્પના આવી ન શકવાથી વ્યક્તિનો મિજાજ બગડેલો રહે છે; તેની આવેગપ્રવણતા વધારે રહે છે, માણસ ચીડિયો બને છે, નજીવા કારણસર ગુસ્સે થાય છે. ચિંતા સાથે થતા શારીરિક આંતરિક ફેરફાર દીર્ઘજીવી હોવાથી વ્યક્તિની આંતરિક સમતુલા કથળેલી રહે છે અને તેઓ પચનવિકૃતિ અથવા અલ્સર જેવી પીડાનો પણ ભોગ બની રહે છે.
ચિંતા જોખમ-સ્વીકાર (risk-taking) વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે. ઉચ્ચ કક્ષાની ચિંતા ધરાવતા લોક કાં તો સંરક્ષક વ્યૂહ અપનાવી સહેલાઈથી સાધ્ય કરી શકાય તેવું લક્ષ્ય રાખે છે, જેથી અપયશથી ઊગરી જાય છે અથવા તો જ્યાં યશપ્રાપ્તિની સંભાવના નહિવત્ છે એવાં અપ્રાપ્ય લક્ષ્યો રાખે છે જેથી વ્યક્તિને અપયશ આવે તો તેમાં તેમનો કોઈ દોષ ન કહેવાય. ઊલટું, જેમની ચિંતાકક્ષા અલ્પ હોય છે અથવા જેઓ ચિંતા ધરાવતા ન હોય એવા લોક મધ્યમ દરજ્જાની કઠિનતાનાં લક્ષ્યો રાખે છે, તેમાં આખરે યશપ્રાપ્તિનો સંભવ સારો હોઈ શકે.
ચિંતામણિ ત્ર્યંબક ભોપટકર