આવૃત્તિ મીટર (Frequency Meter) : વીજચુંબકીય તરંગોની એકમ સમય(એક સેકન્ડ)માં પુનરાવર્તનની સંખ્યા દર્શાવતું યંત્ર. આદર્શ આવૃત્તિ ઉત્પાદક ક્રિસ્ટલ ક્વાર્ટ્ઝનું બનેલું હોય છે. તેમાં પૃથ્વીના પરિભ્રમણને મૂળભૂત આવૃત્તિ તરીકે લેવામાં આવે છે. આ ઉત્પાદકની આવૃત્તિ 100 કિ. હર્ટ્ઝ (kHz) છે. આને આધાર તરીકે લઈને સબસ્ટાન્ડર્ડ જનરેટર અને મીટર અંકિત કરવામાં આવે છે.
એ. સી. વિદ્યુત વોલ્ટતા(voltage)ની આવૃત્તિ માપવા માટે બે પ્રકારનાં આવૃત્તિ મીટર વપરાય છે; (1) વિદ્યુત અનુનાદ (electrical resonance) આવૃત્તિ મીટર અને (2) અનુપાતમાપી (ratiometer type) આવૃત્તિ મીટર.
વિદ્યુત અનુનાદ આવૃત્તિ મીટર : (1) રીડ પ્રકાર, (reed-type) જેમાં હારમોનિયમની સ્વરપેટી જેવાં રીડ હોય છે. (2) ચલિત ગૂંચળાં (moving coil type) પ્રકાર અને (3) ચલિત આયર્ન (moving iron) પ્રકાર.
ચલિત ગૂંચળાં પ્રકારનું મીટર : આ મીટરમાં જીભ આકારની ચુંબકીય ધાતુના મોટા ક્ષેત્રફળવાળા ભાગ ઉપર સુવાહક તારનું એક ગૂંચળું વીંટાળવામાં આવે છે, જેની આવૃત્તિ શોધવાની હોય તે વિદ્યુતવોલ્ટતા સાથે આ ગૂંચળાને જોડવામાં આવે છે. આ જ ચુંબકીય ધાતુ ઉપર ધરીની આસપાસ કેપૅસિટર સાથે જોડેલું અને સ્વતંત્ર રીતે ફરી શકે તેવું ચલિત ગૂંચળું હોય છે. ધરી ઉપર દર્શક લગાડેલો હોય છે, જે સ્કેલ ઉપર ફરે છે. આ મીટરમાં ચલિત ગૂંચળાનું આવર્તન નિયંત્રિત કરવા સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે જ્યારે સ્થિર ગૂંચળાને વિદ્યુત-વોલ્ટતા સાથે જોડવામાં આવે ત્યારે ચલિત ગૂંચળું આવર્તન પામીને વિદ્યુત અનુનાદની સ્થિતિ સર્જાય એ રીતે ગોઠવાય છે. આ સ્થિતિમાં ગૂંચળા પર લાગતું બળ આઘૂર્ણ (torque) શૂન્ય હોય છે.
સામાન્ય રીતે 40થી 60 હર્ટ્ઝ આવૃત્તિ માપવા માટે આ મીટર વપરાય છે.
અનુપાતમાપી (ratiometer type, Weston type) : આ એક ચલિત આયર્ન પ્રકારનું મીટર છે જેનું કાર્ય બે વીજપથમાંના વીજપ્રવાહની વહેંચણી પર આધારિત હોય છે.
આ મીટરમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્થિર ગૂંચળાં ‘अ’ અને ‘ब’ બે સરખા ભાગમાં વહેંચાયેલાં હોય છે. આ બંને ગૂંચળાંને તેમની ચુંબકીય અક્ષ એકબીજાને લંબ રહે તે રીતે ગોઠવવામાં આવે છે. અક્ષોના કેન્દ્રસ્થાને તેની ધરી પર સ્વતંત્ર રીતે ફરી શકે તેવી લોખંડની સોય ગોઠવેલી હોય છે. ધરી પર દર્શક પણ જોડેલો હોય છે, જે સ્કેલ પર ફરે છે.
ગૂંચળું ‘अ’ પ્રેરણ LA સાથે અને ગૂંચળું ‘ब’ અપ્રેરિત અવરોધ RB સાથે શ્રેણીમાં જોડેલ હોય છે. જે વિદ્યુત-વોલ્ટતાની આવૃત્તિ શોધવાની હોય છે તેને અવરોધ RA અને LBના શ્રેણીજોડાણ સાથે જોડવામાં આવે છે. વિદ્યુત-વોલ્ટતાની હાર્મોનિક (harmonic) દૂર કરવા વધારાનો પ્રેરણ L આ શ્રેણી સાથે જોડવામાં આવે છે.
સામાન્ય પ્રવર્તમાન આવૃત્તિ માટે ગૂંચળા ‘अ’ અને ‘ब’નો પ્રાથમિક અવરોધ સરખો રહે છે તેથી દર્શક મધ્યસ્થિતિ દર્શાવે છે. જ્યારે આવૃત્તિ વધે ત્યારે LAનો પ્રેરિત અવરોધ વધવાથી ગૂંચળા ‘अ’માં વિદ્યુતપ્રવાહની કિંમત ઘટે છે, જ્યારે ગૂંચળા ‘ब’માં વિદ્યુતપ્રવાહની કિંમત વધે છે. આ સંજોગોમાં સોય એ રીતે ફરે છે, જેથી તે ગૂંચળાં ‘’ના અક્ષને સમાંતર થવા પ્રયત્ન કરે. જો આવૃત્તિ ઘટે તો કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થાય છે.
જયેન્દ્ર ધી. વ્યાસ