આવૃત્તિ (frequency) : કોઈ આવર્તક ઘટના એકમ સમયમાં કેટલાં પૂરાં આવર્તન કરે છે તે દર્શાવતો આંક. ભૌતિકશાસ્ત્રમાં માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ આગળથી એક સેકન્ડમાં કેટલા તરંગો પસાર થાય છે તે દર્શાવતો આંક. આવૃત્તિ એ તરંગનું એક મુખ્ય અભિલક્ષણ છે. એ બધા જ પ્રકારના તરંગો(ધ્વનિ, પ્રકાશ, યાંત્રિક વગેરે)ને સ્પર્શે છે. તે એક સેકન્ડમાં થતાં આવર્તનો(cycles)ની સંખ્યા દર્શાવતી હોવાથી, તેને આવર્તન પ્રતિ સેકન્ડ(cycles per second-ટૂંકમાં c.p.s.)થી દર્શાવાય છે. પરંતુ આવૃત્તિ માટે આ એકમ હવે પ્રચલિત નથી; તેનો પ્રચલિત એકમ હર્ટ્ઝ (Hz) છે, જે ઓગણીસમી સદીના જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇન્રિખ રૂડોલ્ફ હર્ટ્ઝના નામ પરથી અપનાવેલો છે. સામાન્યત: આવૃત્તિને મોટા એકમ કિલો હર્ટ્ઝ (kHz) અથવા મેગા હર્ટ્ઝ (MHz) વડે દર્શાવવામાં આવે છે, જેમનાં મૂલ્યો અનુક્રમે 1,000 હર્ટ્ઝ અને 10,00,000 હર્ટ્ઝ છે. આવૃત્તિનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવેલું છે :
(1) ખૂબ નાની આવૃત્તિ | (Very Low Frequency – VLF) | 10-30 kHz |
(2) નાની આવૃત્તિ | (Low Frequency – LF) | 30-300 kHz |
(3) મધ્યમ આવૃત્તિ | (Medium Frequency – MF) | 300-3000 kHz |
(4) ઉચ્ચ આવૃત્તિ | (High Frequency – HF) | 3-30 MHz |
(5) અધિક ઉચ્ચ આવૃત્તિ | (Very High Frequency – VHF) | 30-300 MHz |
(6) અત્યધિક ઉચ્ચ આવૃત્તિ | (Ultra High Frequency – UHF) | 300-3000 MHz |
(7) સર્વાધિક ઉચ્ચ આવૃત્તિ | (Super High Frequency – SHF) | 3000-30,000 MHz |
આવૃત્તિની સંજ્ઞા (symbol) ƒ અથવા ગ્રીક મૂળાક્ષર ન્યુ (υ) છે. આવૃત્તિનો વ્યાસ (1/ƒ)એક પૂરા આવર્તન માટેનો સમય દર્શાવે છે જેને આવર્તકાળ (T) કહે છે. (1/ƒ = T) ધ્વનિતરંગની આવૃત્તિ ધ્વનિના તારત્વ (pitch) વિશે માહિતી આપે છે, જ્યારે પ્રકાશ-તરંગની આવૃત્તિ તેના રંગ વિશે માહિતી આપે છે. પૃથ્વીની આસપાસ ચંદ્રની પરિભ્રમણગતિ માટે આવૃત્તિ 12 પરિભ્રમણ/વર્ષ કરતાં સહેજ વધારે છે; જેનો અર્થ એ થયો કે ચંદ્ર એક વર્ષમાં પૃથ્વીની આસપાસ 12 કરતાં સહેજ વધારે પરિભ્રમણ કરે છે. વાયોલિન વાજિંત્રના A સૂર આપતા તારની આવૃત્તિ 440 હર્ટ્ઝ છે. રેડિયો-સંચાર (communication) માટે 30 kHzથી 30,000 MHz સુધીની આવૃત્તિના તરંગો વપરાય છે.
આણ્વિક વર્ણપટશાસ્ત્ર (molecular spectroscopy)માં આવૃત્તિને બદલે તરંગ આંક (wave number) (n – અથવા G)નો ઉપયોગ પણ કરવામાં આવે છે; જે એકમ અંતર(એક સેમી. અથવા એક મીટર)માં સમાવિષ્ટ થતા તરંગોની સંખ્યા સૂચવે છે. તરંગલંબાઈ(wave-length)ની સંજ્ઞા ગ્રીક મૂળાક્ષર ‘લૅમ્ડા’ (λ) છે તેથી n = 1/λ, તરંગો પ્રતિ સેમી. અથવા પ્રતિ મીટર થશે. 5.8 x 10–7 સેમી. તરંગલંબાઈના પીળા રંગના પ્રકાશની વર્ણપટરેખા-(spectral line)ની આવૃત્તિ 517 x 106 MHz અને તેનો તરંગ આંક 17241.3 પ્રતિ સેમી. છે. ભારતમાં ઘરવપરાશની વીજળી માટે પ્રત્યાવર્તી ધારા (alternating current – A.C.) મેઇન્સની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. યુરોપમાં તેનું મૂલ્ય 50 અને અમેરિકામાં 60 હર્ટ્ઝ છે.
સુરેશ ર. શાહ
એરચ મા. બલસારા