આવારા : પ્રખ્યાત હિન્દી ચલચિત્ર (1951). પટકથા : ખ્વાજા અહમદ અબ્બાસ. દિગ્દર્શન : રાજ કપૂર. મુખ્ય અભિનય : રાજ કપૂર, નરગિસ, પૃથ્વીરાજ કપૂર, લીલા ચિટણીસ. નિર્માતા : આર. કે. ફિલ્મ્સ.
ન્યાયાધીશ રઘુનાથને એવો ઘમંડ હોય છે કે કહેવાતા ભદ્ર પુરુષનાં સંતાનો જ ભદ્ર બને અને ગુનો કરનારનાં સંતાનો ગુનેગાર જ બને. એણે એક નિર્દોષને સજા કરેલી. એટલે એની પર વેર લેવાને એની ગર્ભવતી પત્ની ભારતીને ઉપાડી જાય છે અને થોડા દિવસ પછી પાછી મૂકી જાય છે. ત્યારે રઘુનાથ લોકલજ્જાને ભયે એને કાઢી મૂકે છે. રસ્તા પર એને પુત્રપ્રસવ થાય છે. ભારતી બાળકને મુંબઈ લઈ જઈને સારામાં સારી શાળામાં ભણાવે છે. ત્યાં રિટા નામની સહાધ્યાયિની જોડે એને મિત્રતા થાય છે. શાળામાંથી રાજને ફી ન ભરાવાને કારણે કાઢી મૂકે છે. જગ્ગુ ડાકુ એને અસામાજિક કામમાં લગાડે છે. રિટાને રઘુનાથે પાલકપુત્રી તરીકે રાખી છે. ત્યાં જ ચોરી કરવા આવેલા રાજની જોડે એની પુન: મુલાકાત થાય છે. રાજ કોઈનું ખૂન કરે છે અને પકડાય છે. એનો મુકદ્દમો ચાલે છે, રિટા રાજના વકીલ તરીકે કૉર્ટમાં, રાજ ગુનેગાર કેમ બન્યો તેનો રહસ્યસ્ફોટ કરીને એને છોડાવે છે, બાળકો ગુનેગાર બને છે એને માટે ભદ્રસમાજની રીતિ-નીતિને વાર્તામાં જવાબદાર લેખી છે. રાજ કપૂર, નરગિસ અને પૃથ્વીરાજ કપૂર જેવા લબ્ધપ્રતિષ્ઠ કલાકારોનાં અભિનય, ગીતો, છબીકલા વગેરેને કારણે એ ફિલ્મે આંતરરાષ્ટ્રીય કીર્તિ પ્રાપ્ત કરી હતી.
કેતન મહેતા