આલ્વારેઝ, લૂઈ વૉલ્ટર (જ. 13 જૂન 1911, સાનફ્રાંસિસ્કો; અ. 1 સપ્ટેમ્બર 1988 બર્કલે, કેલિફૉર્નિયા, યુ. એસ.) : ઉચ્ચ ઊર્જા ભૌતિકશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન માટે 1968નું નોબેલ પારિતોષિક મેળવનાર અને પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર વિષયના નિષ્ણાત અમેરિકન. શિકાગો યુનિવર્સિટીમાંથી બી.એસ. (1932), એમ.એસ. (1934) અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. (1936)ની ઉપાધિઓ મેળવીને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં સંશોધન મદદનીશ તરીકે કારકિર્દીની શરૂઆત કરીને 1945માં પ્રાધ્યાપક અને 1978માં નિવૃત્ત થયા પછી સંમાનિત (emeritus) પ્રાધ્યાપક થયા હતા.

લૂઈ વૉલ્ટર આલ્વારેઝ
લૂઈ વૉલ્ટર આલ્વારેઝ
આલ્વારેઝે શોધી કાઢ્યું કે કેટલાંક વિકિરણધર્મી (radio-active) તત્વોનો ક્ષય (decay) થાય તે વખતે કક્ષીય ઇલેક્ટ્રૉન ન્યુક્લિયસમાં સમાઈ જાય છે અને એક ઓછા પરમાણુક્રમાંકવાળું તત્વ પેદા થાય છે. નોબેલ પારિતોષિક વિજેતા બ્લૉક સાથે આલ્વારેઝે સૌપ્રથમ ન્યૂટ્રૉનના ચુંબકીય ક્ષેત્રની માત્રા તથા દિશાની લાક્ષણિકતારૂપ તેના ચુંબકીય આઘૂર્ણ(magnetic moment)નું માપન કર્યું. સૂક્ષ્મ તરંગ વડે સંકેતદર્શન (micro-wave beacons), ભૂમિ ઉપરથી એરોપ્લેન ઉતરાણ માટેની નિયંત્રણપદ્ધતિ અને રડાર વડે લક્ષ્યનું સ્થાન નિર્ધારિત કર્યા પછી એરોપ્લેન વડે તેના બૉમ્બિંગની પદ્ધતિ (blind bombing) વગેરે બાબતો રડાર અંગેના સંશોધનમાં તેમણે વિકસાવી હતી. તેમણે પ્રવાહી હાઇડ્રોજન બુદબુદ કક્ષ(bubble chamber)માં સુધારો કરીને તેને અવપરમાણુકણો તથા તેમની સંઘાત (collision) પ્રક્રિયાઓના અભ્યાસ માટે અનુકૂળ બનાવ્યો. તેમણે અલ્પજીવી (10–23 સેકન્ડ) મેસૉન અને બૅરિયૉન સંસ્પંદન-કણો પણ શોધી કાઢ્યા. અંત:સ્ફોટ (implosion) પ્રકારના પરમાણુ-બૉમ્બના વિસ્ફોટની યુક્તિ શોધી કાઢી. પ્રથમ પ્રોટૉન રૈખિક પ્રવેગ(linear accelerator)ની રચનામાં તેમણે મદદ કરી હતી. આનાથી 4 MeVવાળા કણોને 32 MeVનો વેગ આપી શકાય છે. તેઓ ઉડ્ડયન, ગૉલ્ફ અને સંગીતના શોખીન હતા.
એરચ મા. બલસારા